Only Gujarat

FEATURED Religion

મા અંબાના પ્રાગટ્ય દિવસની જાણીતી કથા ને ભક્તિ સાથે કહો બોલ મારી અંબે, જય જય અંબે

અમદાવાદઃ દર વર્ષે પોષ મહિનાની પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે. આ દિવસનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ હોય છે આ દિવસે અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન થાય છે. આટલું જ નહીં અંબાજીમાં શોભાયાત્રા નીકળે છે અને ભક્તજનોને સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ વખતે પોષી પૂનમ 10 જાન્યુઆરીએ હતી. અંબાજી મંદિરને શણગારવામાં આવ્યું હતું. 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

51 શક્તિપીઠમાંથી એક: આપણને ખ્યાલ છે કે ભગવાન શિવના સસરા તથા સતીના પિતા દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં અનેક દેવી-દેવતાને બોલાવવામાં આવ્યા હતાં પરંતુ દક્ષે પોતાના જમાઈ એટલે કે શંકરને બોલાવ્યા નહોતાં. માતા સતીને પિયરમાં યજ્ઞ હોવાથી તેઓ ગયા હતાં પરંતુ ત્યાં જઈને તેમણે જોયું કે તેમના પિતાએ ભગવાન શિવ માટે કોઈ જ આસન રાખ્યું નહોતું. પતિનું આ અપમાન સતીથી સહન ના થયું અને તેઓ હવનકુંડમાં સમાઈ ગયા.

ગુસ્સાથી લાલચોળ: ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયા હતાં અને તેમણે સતીનો મૃતદેહ ખભા પર રાખીને તાંડવ નૃત્ય કર્યું હતું. શિવના તાંડવથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો. ત્રણેય લોકના લોકો ડરી ગયા હતાં. આ સમયે વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર સતીના મૃતદેહ પર છોડ્યું હતું. જેને કારણે સતીના શરીરના વિવિધ અંગો 51 ભાગમાં વહેંચાઈ ગયા હતાં. સતીનો મૃતદેહ જે 51 જગ્યા પર પડ્યો તે જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

પોષી પૂનમનો મહાત્મય : મા અંબાની અનેક કથા પ્રચલિત છે. સૌથી જાણીતી કથા એ છે કે સદીઓ પહેલાં દુકાળ પડ્યો હતો. સમ્રગ મનુષ્ય તથા પ્રાણી જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હતો. દુનિયામાં પાણી સૂકાવવા લાગ્યું હતું. ખાવા માટે માત્ર મનુષ્યો જ નહીં પ્રાણી-પંખીઓ પણ ટટળવા લાગ્યા હતાં. આ સમયે ભક્તોએ મા અંબાની પ્રાર્થના કરી હતી. ભક્તોનો પોકાર સાંભળીને આદ્યશક્તિ અંબામા પ્રગટ થયા હતાં અને તેમની કૃપાથી ખેતી શરૂ થઈ હતી. ચારેબાજુ લીલોતરી છવાઈ હતી. આથી જ તેમને શાકંભરી દેવી પણ કહેવામાં આવે છે. પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page