કન્યાએ વીડિયોમાં જોઈને જ પસંદ કરી લીધો પતિ, લગ્નની તસવીરો જોઈને તમે પણ થઈ જશો ભાવુક

સુરેન્દ્રનગર: ગુજરાતમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે. હાલ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કોરોનાકાળમાં પણ લોકો અલગ-અલગ પ્રકારની વ્યવસ્થા કરીને લગ્નના સાત ફેરા ફરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરના આંગણે એક અનોખા લગ્ન યોજાયા હતાં. દરેક યુવતી સારો મુરતિયા હોય તેની સાથે લગ્ન કરવાનું વધારે પસંદ કરતી હોય છે પરંતુ ક્ષત્રિય સમાજની આ દીકરીએ એવા મુરતિયા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કે તમે સાંભળીને હેરાન થઈ જશો. પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબાએ દિવ્યાંગ યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. 30મી નવેમ્બરે સુરેન્દ્રનગરમાં આવેલા ગાયત્રી મંદિરમાં યુવતી એક દિવ્યાંગ યુવકને વ્હીલચેરમાં બેસાડીને લગ્નના ફેરા ફરતી જોવા મળી હતી જે દ્રશ્ય જોઈ હાજર સૌ કોઈ અચંબામાં પડી ગયા હતાં.

પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવાએ દિવ્યાંગ યુવક વ્હીલચેરમાં બેસાડીને લગ્નના ફેરા ફર્યાં હતાં. આ અવસરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરો જોઈ ભલભલા લોકો ભાવુક થઈ જશે.

એક દિકરી પોતાના પરિવારજનો વાત કરતાં કરતાં કહે છે કે, મારે જે યુવક સાથે લગ્ન કરવા છે તે યુવક દિવ્યાંગ છે. આ વાત સાંભળીને દીકરીના પરિવારજનો હચમચી ગયા હતાં. જોકે ક્ષત્રિય સમાજની એક દીકરીએ પોતાનું સાહસ બતાવ્યું હતું. યુવતીના આ નિર્ણયથી હાલ દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. દિવ્યાંગ યુવક સાથે નવા જીવનની શરૂઆત કરનાર દીકરી એટલે પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવા.

ગાયત્રી મંદિરમાં સુરેન્દ્રનગરના દિવ્યાંગ યુવક દિગ્વિજયસિંહ પરમાર સાથે 30મી નવેમ્બરે હિનાબાએ લગ્નના ફેરા ફર્યાં હતાં. યુવતી દિવ્યાંગ યુવક સાથે ફેરા ફરતી હતી ત્યારે સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં. યુવતી ચાલીને લગ્નના ફેરા ફરતી હતી જ્યારે વરરાજા વ્હીલ ચેરમાં બેસીને ફેરા ફરતો હતો. આ દ્રશ્ય જોઈને હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, હિનાબાએ જાતે જ વરરાજાની વ્હીલ ચેર પકડીને લગ્નના ફેરા ફર્યા હતાં.

આ લગ્ન પ્રસંગે એક ખાનગી વેબસાઈટે સુરેન્દ્રનગરના મૂળી ગામના વતની દિવ્યાંગ યુવક એવા દિગ્વિજયસિંહ પરમારના પિતા સાથે વાત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દિગ્વિજયસિંહ પગેથી દિવ્યાંગ છે. તે ઈન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રમી ચૂક્યો છે જેનો વીડિયો થોડાં સમય પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલો આ વીડિયો હિનાબાએ જોયો ત્યાર બાદ દિવ્યાંગ પુત્ર અને બન્ને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ.

આ બધાંની વચ્ચે અમારા ઘરે લગ્નની વાત આવી ત્યારે મેં હિનાબાના પરિવારજનોને મારા દિવ્યાંગ પુત્ર વિશે વાત કરી હતી જોકે પુત્ર દિવ્યાંગ હોવાથી સ્વાભાવિક હતું કે દીકરીનો પરિવાર પણ આ લગ્ન માટે તાત્કાલિક તૈયાર ન થાય પરંતુ થોડા દિવસો બાદ હિનાબાના પરિવારજનો આ લગ્ન માટે રાજી થઈ ગયા હતાં અને અમે બન્નેના લગ્ન કરાવ્યા હતાં.