Only Gujarat

National

અહીં 300થી વધુ ચામાચીડિયાના રહસ્યમય મોત, લોકોએ ફળ ઉતારવાનું પણ છોડ્યું

ઉત્તરપ્રદેશના ગોરખપુરના એક ગામમાં મોટી સંખ્યામાં ચામાચીડિયાના રહસ્યમય મૃત્યુથી લોકોમાં ભયનો માહોલ છે. આ ચામાચીડિયા આંબાના વૃક્ષ અને જમીન પર મૃત્યુની હાલતમાં નીચે પડ્યા છે. જે વૃક્ષ પર ચામાચીડિયા મૃત લટકી રહ્યાં છે તેના ફળ તોડવાથી પણ લોકો ડરી રહ્યાં છે. તો વન વિભાગે તમામ ચામાચીડિયાને એકત્રિત કરી પોસ્ટમોર્ટમ માટે બરેલી મોકલ્યા છે. હાલ આ ચામાચીડિયાના મૃત્યુનું કારણ પાણીની અછત કહેવામાં આવી રહ્યું છે.


બેલઘાટ ગામના રાધા સ્વામી સત્સંગ ભવનની પાસે બગીચામાં 300થી વધુ મૃત ચામાચીડિયા મળી આવ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે બેલઘાટ કસ્બામાં અથવા બેલઘાટની આસપાસ ક્યારેય ચામાચીડિયા ઉડતા જોવા મળ્યા નથી. આ ચામાચીડિયા ક્યાંથી આવ્યા એ વાત હેરાન કરનારી છે.

જાણકારી મળતા જ વનવિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે જમીન પર મૃત ચામાચીડિયા પડ્યા હતા તેને ઉપાડીને વન વિભાગ પોતાની સાથે લઇ ગયા. પરંતુ હજુ પણ ચામાચીડિયા વૃક્ષોની ડાળ પર મૃત હાલતમાં લટકી રહ્યાં છે જેનો નિકાલ કરવામાં આવ્યો નથી.

વન વિભાગ તરફથી ક્ષેત્રાધિકારી દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે ચામાચીડિયાના મરવાનું સૌથી મોટું કારણ હાલ પાણીની અછત નજર આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે ગોરખપુર અને આસપાસના વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. અહીંનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહે છે. જેના કારણે માણસ, જાનવર, પક્ષીઓ પરેશાન છે.

દેશભરમાં કોરોનાનો કહેર ચાલુ જ છે. એવી પણ વાત વહેતી થઇ હતી કે ચીનમાંથી આવેલો કોરોના વાયરસ ચામાચીડિયામાંથી ફેલાયો છે એવામાં ગોરખપુરના આ ગામમાં ચામાચીડિયાના રહસ્યમય મૃત્યુથી ગામલોકોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયનો માહોલ છે.

You cannot copy content of this page