Only Gujarat

Gujarat

સાબરકાંઠા પોલીસે મમ્મી-પપ્પાથી દૂર છ વર્ષના દીકરા માટે કર્યું એવું કામ, તમે પણ બોલી ઉઠશો વાહ…

અમદાવાદઃ હાલમાં દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. અમદાવાદમાં કામ કરતાં મીડિયા કર્મીઓ પણ પરિવારને ભૂલીને સતત ન્યૂઝ પર ધ્યાન આપી રહ્યાં છે. આવા જ એક મીડિયા કર્મી દીપાલી બારોટે માર્ચ મહિનામાં જનતા કર્ફ્યૂના બીજા દિવસે પોતાના પાંચ વર્ષીય દીકરાને ઈડર મોકલી દીધો હતો. એમને એમ હતું કે કોરોના થોડો સમય બાદ ઠીક થઈ જશે અને દીકરો મે મહિના પહેલાં તો આવી જશે. કારણ કે મે મહિનામાં તેમના દીકરાનો જન્મ દિવસ હતો. જોકે, પોલીસે તેમના દીકરાનો જન્મદિવસ એકદમ ખાસ બનાવી હતી.

વાંચો, દીપાલી બહેનના શબ્દોમાં તેમની જ વાત…

મીડિયામાં હોવાથી દુનિયાભરમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ પર તેમની નજર હતી જ. તેઓ તેની ગંભીરતા પણ સમજતાં જ હતાં જેથી જનતા કર્ફ્યૂની જાહેરાત થતાંની સાથે જ પોતાના 6 વર્ષીય દિકરાને ગામડે મોકલી દીધો હતો. આજકાલ કરતાં લંબાઈ રહેલા લોકડાઉનને કારણે તેઓ 40 દિવસ સુધી તેનાથી દૂર તો રહ્યાં પણ એ ક્ષણ આવી જ ગઈ કે જેને કોઈ પણ મા-બાપ ઊજવવાનું ના જ ટાળે. આ ક્ષણ હતી તેમના દિકરાનો જન્મ-દિવસ, જેના માટેનું પ્લાનિંગ પણ તેમણે મહિનાઓ પહેલાં જ કરી રાખ્યું હતું. એક બાજુ મમતા કહેતી હતી કે દિકરાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચી જાઉઁ, તો બીજી બાજુ ફરજ કહેતી હતી કે અત્યારે જવાબદાર નાગરિક બનવું જરૂરી છે. અને તેમણે પણ ત્યાંના લોકો અને પરિવારની સલામતી ના કારણે ત્યાં જઈને સેલિબ્રેશન કરવાનું ટાળ્યું હતું. વાંચો તેમના જ શબ્દોમાં કે કેવી હતી તેમની આખી કશ્મકશ અને કઈ રીતે ગાર્ડિયન ઓફ ગુજરાત એવી સાબરકાંઠા પોલીસ અને એસપી ચૈતન્ય માંડલિક તેમની મદદે આવ્યા હતા.

લોકડાઉનનું આ સંભારણું ક્યારેય નહીં ભૂલાય. અમૂક પ્રસંગોનું ગમે તેટલું આગોતરું આયોજન કર્યું હોય તો પણ આપણું ધાર્યું થતું નથી તો અમૂક પ્રસંગો ઓછા સમયમાં પણ કલ્પના પણ ના કરી હોય તેવી ઝડપથી બનીને મોસ્ટ મેમોરેબલ બની જાય છે. આજે સાબરકાંઠા પોલીસે હેલ્પ કરીને જે રીતે હ્રિધાનનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો તેવી ખુશી કદાચ એક પેરેન્ટ્સ તરીકે આ લોકડાઉનના સમયમાં તો તેના ચહેરા પર ક્યારેય ના લાવી શકત. જનતા કર્ફ્યુથી લઈને આજ એટલે કે છેલ્લા ચાલીસ દિવસથી તે અમારાથી દૂર છે. રોજ વીડિયો કોલમાં એનો એક જ સવાલ હોય કે મમ્મા અમદાવાદમાંથી કોરોના ગયો કે નહીં? ક્યારે જશે? પોલીસ અંકલને કે ને કે એને બહુ દૂર દૂર મૂકી આવે…આવા તેના નિર્દોષ પણ હચમચાવી દે તેવા શબ્દો સામે ‘મારો બર્થ ડે આવે ત્યાં સુધીમાં જતો રહેશે ને નહીં જાય ને તો હું ત્યાં આવી જઈશ’ જેવા જવાબો આપીને ખુશ કરતી રહી. જ્યારે મારો બર્થ-ડે આવ્યો ત્યારે નહોતો કોરોના ગયો કે નહોતી હું એની પાસે જઈ શકી.

ત્યાર બાદ ફરી તેના સવાલો સાંભળીને એક ઠાલું આશ્વાસન આપ્યું કે બેટા, મારો બર્થ-ડે પણ તારા વગર નથી ઉજવ્યો. ને હા, હવે તો તારા બર્થ-ડે સુધીમાં તો કોરોના જતો જ રહેશે ને આપણે મોટી કેક લાવીને તારો ને મારો બંનેનો બર્થ-ડે સાથે ઉજવીશું. પણ ત્યાં જ સ્થિતી વધુ કફોડી થવા લાગી, આજૂબાજુમાં પણ પોઝિટીવ કેસ આવતાં જ માતા તરીકેને ફરજો સાઈડમાં મૂકીને એક જવાબદાર નાગરિક તરીકે નક્કી કરવું જ પડ્યું કે તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા કે તેને આપેલા પ્રોમિસ પૂરા કરવા માટે આપણે અન્ય લોકોને અજાણતાં પણ સંક્રમણના ખતરામાં ના નાખી શકીએ. તેના બર્થ-ડનો મહિનો એટલે કે મે મહિનો આવતાં જ તેના સવાલો ફરી શરૂ થઈ ગયા. મમ્મા મારી સરપ્રાઈઝ ગિફ્ટ ખાલી મને કહી દે, પ્રોમિસ હું કોઈને નહીં કહું, મોટી કેક લાવજે, આમ કરીશું ને તેમ કરીશું જેવા અનેક નિર્દોષ વિચારો. ચિંતા એ જ હતી કે એવું તે શું કરીએ કે તેને અમારી ગેરહાજરી પણ મહેસૂસ ના થાય ને તેનો છઠ્ઠો બર્થ-ડે પણ યાદગાર રહી જાય.

બસ પછી મનોમન તેના ફેવરિટ હીરોનું લિસ્ટ બનાવ્યું ને વિચાર ઝબક્યો કે ચાલ ને પોલીસને આ વાત કરી જોઉં. ટ્ટિવટર પર સાબરકાંઠા પોલીસને એક મીડિયાકર્મી નહીં પણ એક માતા તરીકે મેસેજ કરીને મારી ઈચ્છા વ્યક્ત કરી. પહેલા તો એવું હતું કે કદાચ રિપ્લાય પણ નહીં આવે જો કે, મારા આશ્ચર્ય વચ્ચે હકારાત્મક પ્રતિક્રિયા મળી ને પછી સામેથી ખાતરી પણ આપી કે તમે ચિંતા ના કરો, અમે હ્રિધાન પાસે જઈને તેને કેક પણ આપીશું ને વિશ પણ કરીશું. તમારી સહેજ પણ ખોટ તેને નહીં જ સાલવા દઈએ. એ ઘડી પણ આવી જ ગઈ ને પાંચેક પોલીસકર્મી એક બાળક તેના બર્થડે પર માતાપિતાને મિસ ના કરે તે માટે ઈડરથી 17 કિમી દૂર પહોંચી જાય છે.

આ આખી સરપ્રાઈઝ પ્લાન કરી હોવાથી ઘરની આગળ જ પાંચેક પોલીસકર્મી ને હાથમાં બોક્સ સાથે જોઈને બર્થ-ડે બોય પણ બે ઘડી તો વિચારમાં પડી ગયો હતો. ત્યાં જ પોલીસકર્મીઓએ હેપ્પી બર્થ-ડે હ્રિધાન કહીને વિશ કર્યું ને સાંભળીને જ તે ખુશ થઈને ઝૂમવા લાગે છે. કદાચ અમે પણ તેના ચહેરા પર આવું હાસ્ય ના લાવી શકતાં જે સાબરકાંઠા પોલીસે કરી બતાવ્યું છે. આ માટે સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિક સરનો ખાસ આભાર કે જેમણે વ્યસ્ત શિડ્યૂલમાં પણ વ્યક્તિગત રીતે રસ લઈને હ્રિધાનનો બર્થ-ડે લાઈફ-ટાઈમ માટે યાદગાર બનાવ્યો ને સાથે જ પોલીસની એક ઉમદા બાજુના દર્શન પણ કરાવ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page