Only Gujarat

Gujarat

પાછી ફરી રહી છે સુરતની રોનક, શરૂ થયા ધંધા-રોજગાર

લોકડાઉનમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પોતાના વતનમાં ગયેલા રત્નકલાકારો અને અન્ય નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો સુરત પરત ફરી રહ્યા છે. સુરતમાં હવે ધંધા-રોજગાર શરૂ થતા છેલ્લ્લા 10 દિવસથી રોજ 300થી વધારે ખાનગી બસોમાં હજારો લોકો સુરત આવી રહ્યા છે. કોરોનાકાળમાં પણ સુરતની રોનક પાછી ફરી છે અને તમામ રોજગાર ધમધમવા લાગ્યા છે. હવે એકાદ અઠવાડિયામાં સુરતના તમામ ઉદ્યોગો ફરી પાછા સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે અને તેથી રત્નકલાકારો ઉપરાંત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રોજગારી શરૂ થવાની આશાએ હસતા મુખે સુરત આવી રહ્યા છે.

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉનના કારણે લૂમ્સ અને હીરાના કારખાના સહિતના ધંધા રોજગાર બંધ થયા હતા. લોકડાઉનમાં સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોને વતનમાં જવાની ફરજ પડી હતી. જે તે સમયે લોકો ખાનગી વાહનો મારફતે પરિવાર સાથે વતન પહોંચી ગયા હતા. હવે તેઓ પરત સુરત આવી રહ્યા છે. માત્ર મૂળ ગુજરાતીઓ જ નહીં, પણ પરપ્રાંતિયો પણ રોજીરોટીની તલાશમાં પાછા સુરત આવી રહ્યા છે. હવે જ્યારે અનલોકમાં ઉદ્યોગો ખુલ્યા છે ત્યારે સુરતના કાપડ માર્કેટમાં પણ તેજી આવી રહી છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લૂમ્સના કારખાના ધરાવતા કારખાનેદારો વતન ગયેલા પરપ્રાંતીય કર્મચારીઓને પ્લેનની ટિકિટ આપીને સુરત પરત બોલાવી રહ્યા છે. સુરતની સચિન GIDCમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ કર્મચારીઓ પરત ફર્યા છે.

કારખાનેદારો બિહાર અને ઓરિસ્સામાં રહેતા કામદારોને વિમાન મારફતે સુરત પરત બોલાવી રહ્યા છે. આ કર્મચારીઓ માટે દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ બુક કરવામાં આવે છે અને મુંબઈથી ખાનગી ટેક્સી કરીને કારીગરોને સુરત સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જે કારીગરો પરત આવી રહ્યા છે તેમાં એક કારીગર પાછળનો અંદાજિત પાંચથી છ હજાર રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. કામકાજ શરૂ થવાની વાત સાંભળતા જ કારીગરો સુરત આવવા તૈયારી બતાવી રહ્યા છે.

કામદારો પોતાના ગામથી દિલ્હી એરપોર્ટ પહોંચે છે અને ત્યાંથી વિમાન માર્ગે મુંબઈ આવે છે અને ત્યારબાદ કારખાનેદારે મોકલેલી ખાનગીમાં ટેક્સીમાં સુરત પહોંચે છે. અત્યાર સુધીમાં 200 જેટલા કારોગરોને પ્લેન મારફતે બોલાવવામાં આવ્યા છે. કેટલાક કારીગરો ઉત્તર પ્રદેશના હોવાના કારણે તેઓ સુરત આવી શકતા નથી કારણ કે, ઉત્તર પ્રદેશમાં હજુ પણ લોકડાઉન લાગુ છે. હાલમાં જે કારીગરો વતનથી સુરત પરત આવ્યા છે તેમને રોજગારી મળતા તેઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.

You cannot copy content of this page