Only Gujarat

FEATURED National

અથાગ સંઘર્ષ કર્યા બાદ ભારત માતાના આ સંતાનોએ રોશન કર્યું નામ, સલામ તો બને જ છે!

નવી દિલ્હીઃ યુવા શક્તિને નવાજવા માટે 12 ઓગસ્ટને આંતરરાષ્ટ્રિય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત સૌથી વધુ યુવાશક્તિ ધરાવતો દેશ છે. આખી દુનિયામાંથી સૌથી વધુ યુવા પેઢી ભારતમાં છે. તો એવા યુવા અધિકારીઓ વિશે જણાવીશું જેમને ખૂબ જ નાની ઉંમરમાં ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કર્યું છે.

ઉચ્ચ અધિકારીના પદ પર વરિષ્ઠનો દબદબો હોય છે.આ માન્યતાને આ યુવા યોદ્ધાએ તોડી નાખી છે. આ દેશના યુવાધને બહુ નાની ઉંમરમાં ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરીને તેમની પ્રતિભાની ઓળખ આપી છે. યૂપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવવા વિશે વાત કરીએ તો કેટલીક એવી પણ કહાણીઓ છે. જેમાં ઘણાં લોકો યૂપીએસસીની પરીક્ષાની તૈયારી કરીને થાકી જતાં હતા અને આખરે આ દિશામાં કોશિશ કરવાનું છોડી દેતા હતા. જો કે આ ક્ષેત્રે એવી પણ અનેક સક્સેસ સ્ટોરી છે, જેને સાંભળીને યૂપીએસસી પરીક્ષાની તૈયારી કરનારને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. યૂપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીને નાની ઉંમરે જ ઇતિહાસ રચનારની સફળતાની કહાણી જાણીએ.

અંસાર અહમદ શેખઃ અંસાર અહમદ શેખ એવા જ એક શખ્સ છે. જેમણે માત્ર 21 વર્ષની ઉંમરમાં યૂપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી છે. આ ભારતના સૌથી યુવા IAS ઓફિસર છે. શેખે દેશની પ્રતિષ્ઠિત યૂપીએસસીની પરીક્ષામાં 371મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમની આ સફળતાએ લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. અંસારના પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને મા ખેતમજૂરી કરે છે. અંસાર મુસ્લિમ હોવાથી તેમણે ભેદભાવનો પણ સામનો કરવો પડ્યો હતો.. તેમણે સખત મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યો છે અને આજે દેશની સેવામાં યોગદાન આપી રહ્યાં છે.

વૈભવ ગૌંડાનેઃ પૂણે, મહારાષ્ટ્રના વૈભવ ગૌંડાનેનું નામ પણ યુવા અધિકારીની યાદીમાં સામેલ છે. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરે યૂપીએસસીની પરીક્ષાને પહેલા જ પ્રયાસમાં પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. તેમણે ઓલ ઇન્ડિયામાં 25મો રેન્ક મેળવ્યો છે. વૈભવ માને છે કે આ ક્ષેત્રમાં આવવાનો આપનો ઉદેશ શું છે. તે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપ ખરા અર્થમાં દેશ માટે, સમાજ માટે કંઇક કરવા ઇચ્છો છો,તો આ ક્ષેત્ર આપના માટે બેસ્ટ છે પરંતુ જો આપ માત્ર પ્રતિષ્ઠા અને ગાડી બંગલા માટે આ ક્ષેત્રમાં આવવવા માંગતો હો તો આવું મોટિવેશન લાંબો સમય સુધી નથી ટકતું.

ટીના ડાબીઃ 2015માં ટોપર ટીના ડાબીએે 20 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએશન કર્યું ત્યારબાદ 2 વર્ષની તૈયારી બાદ 22 વર્ષની ઉંમરમાં IASની પરીક્ષામાં ટોપ કર્યું. તેમણે આ સફળતાનું શ્રેય તેમની માતાને આપ્યું છે. તેમની માતાએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં લાંબી નોકરી બાદ ટીનાને ભણાવવા માટે વીઆરએસ લઇ લીધું. ટીના આજે બહુ ચર્ચિત ઉચ્ચ અધિકારીની યાદીમાં સામેલ છે.

રોમન સૈનીઃ રોમન સૈની બીજા સૌથી ઓછી ઉંમરના IAS યુવા અધિકારી છે. રોમને માત્ર 22 વર્ષની ઉંમરમાં આ પરીક્ષા ક્રેક કરી. તેમણે ઓલ ઇન્ડિયામાં 18માં રેન્ક મેળવ્યો હતો. રોમને પહેલા ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. મેડિકલ ફિલ્ડમાં પણ તે ખૂબ જ સારૂં કામ કરી રહ્યાં હતા. જો કે આજે રોમન યુવાવર્ગનો રોલ મોડલ છે. તેમણે લાખો યુવાનોની જિંદગીને સંવારવા માટે નોકરી છોડી દીધી. આજે તેઓ Unacadmy નામની સંસ્થા ચલાવી રહ્યાં છે અને લાખો વિદ્યાર્થીઓને યૂપીએસસી સહિતની પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ભણાવે છે.

સ્વાતિ મીણા નાયકઃ સ્વાતિ મીણા નાયકે માત્ર 22 વર્ષની ઉંમરે યૂપીએસસી એક્ઝામ ક્રેક કરી. સ્વાતિએ 260મા રેન્કમાં સફળતા પ્રાપ્ત કરી હતી. સ્વાતિએ યૂપીએસસીની પરીક્ષા પાસ કર્યા પહેલા 2005માં પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો. પરિવારે પણ આ કામને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યું હતું. કેટલાક ઓપરેટર્સે સ્વાતિને રોકવા માટે કાવતરૂં કર્યું અને કેટલાક દારૂ પીધેલ ડ્રાઇવરને મોકલ્યા હતા. જો કે સ્વાતિએ હાર ન માની અને તેમણે નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરીને 100 ડ્રાઇવરનો દારૂ છોડાવ્યો.

હસન સફીનઃ જો યુવા IPS અધિકારીની વાત કરવામાં આવે તો પહેલા હસીન સફીનનું નામ આવે છે. સફીને UPSC સિવિલ સેવા પરીક્ષા 2018માં આપી અને 570માં રેન્ક મેળવીને સૌથી યુવા IPS અધિકારી બની ગયા. પરંતુ તેમનો IPS બનવા સુધીની સફર ખૂબ જ મુશ્કેલીભરી રહી હતી. આર્થિક તંગી, સુવિધાનો અભાવ અને કોઇ પ્રકારના માર્ગદર્શન વિના જ હસને તેમની આ સપનુ સાકાર કર્યું . હસનનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું. હસનના માતા પિતા ડાયમંડની એક યૂનિટમાં હીરા ઘસવાનુ કામ કરતા હતા પરંતુ થોડા સમય બાદ નોકરી છૂટી જવાથી પરિવારને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હસને જણાવ્યું કે તેમની મા સવારે 6 વાગ્યે ઉઠીને 200 રોટી બનાવતી હતી તેમજ શિયાળામાં તેમના માતા-પિતા ચા અને ઇંડાના લારી લગાવતા હતા. જો કે આ સ્થિતિમાં પણ માતા પિતાએ હસનના IPS બનાવાના સપના માટે સતત સપોર્ટ કર્યો અને ક્યારેય કોઇ અભાવને મહેસૂસ ના થવા દીધો.

અમૃતેશ ઔરંગાબાદકરઃ અમૃતેશે વર્ષ 2011માં યૂપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને દસમો રેન્ક મેળવ્યો હતો. પૂણેનો અમૃતેશે માત્ર 22 વર્ષની ઉંમરે આ પરીક્ષામાં સફળતા મેળવી હતી. તે વર્ષ 2012 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે.

નાદિયા બેગઃ કાશ્મીરના કુપવાડા જિલ્લાની 23 વર્ષની નાદિયા બેગે યૂપીએસસી પરીક્ષામાં 350માં રેન્ક મેળવ્યો હતો. યૂપીએસસીની પરીક્ષા 2019નું પરિણામ જાહેર થતાં જ નાદિયા બધે જ છવાઇ ગઇ. નાદિયાના માતા-પિતા સરકારી શિક્ષક છે. નાદિયા જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્લીમાં અર્થશાસ્ત્ર(ઓનર્સ) સ્નાતક છે. નાદિયાએ તેમની સિદ્ધિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે તનતોડ મહેનત કરી હતી અને આ મહેનત આખરે રંગ લાવી.

You cannot copy content of this page