Only Gujarat

National TOP STORIES

જંગલમાં આંબાના ઝાડની ડાળીઓમાંથી આપોઆપ નીકળવા લાગ્યો ધુમાડો, ચમત્કાર જોવા લોકોની ભીડ જમા

પઠાનકોટઃ પંજાબના પઠાનકોટમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં એક ઐતિહાસિક મંદિર પાસેના આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો. આ ઘટનાની લોકોને જાણ થતાં આ ઘટનાને જોવા માટે લોકો ઉમટી પડ્યાં. લોકો આ ઘટનાને કુદરતનો ચમત્કાર માને છે અને આસ્થા અને ધર્મ સાથે જોડી રહ્યાં છે. આ મામલે વનવિભાગના અધિકારીનું કહેવું છે કે, આ જગ્યાની માટીનું પરીક્ષણ કરવામાં જેથી, કારણ જાણી શકાય કે, ઝાડની ડાળીમાંથી ધૂમાડો કેમ નીકળે છે.

આ ઘટના પંજાબના પઠાનકોટના હલ્કા ભોયાના ગામ કટારૂ ચકના ચટપટ બની મંદિર પાસેની છે. અહીં ગુરૂવાર (9 જુલાઈ)એ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ચટપટ બની મંદિર એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિરમાં સ્થાનિકોને ખૂબ આસ્થા છે. લોકો દૂર દૂરથી માનતા પુરી કરવા અહીં આવે છે. કહેવાય છે કે, હજારો વર્ષ પહેલા એક નાથ અહીં તપસ્યા કરતા હતા. આ સમયે એક ખેડૂતે હળ ચલાવ્યું હતું અને નાથ મંદિરમાં દટાઇ ગયા હતા.

દંતકથા મુજબ આ ઘટના બાદ જ્યારે ખેડૂત સવારે પાછો આવ્યો તો અહીં ઘનઘોર જંગલ બની ગયું હતું અને ઠેર ઠેર પાણીના કુંડ જોવા મળ્યાં. આ ઘટનાની જાણ જ્યારે ગામના લોકોને થઇ તો લોકો આ ચમત્કાર જોવા પહોંચી ગયા. આ ઘટના બાદ લોકોની આ જગ્યા પર આસ્થા બંધાઇ ગઇ. ત્યારબાદ લોકો આ જગ્યાએ મનોકામનાની પૂર્તિ માટે જવા લાગ્યા અને કહેવાય છે કે લોકોની મનોકામના પૂર્ણ પણ થવા લાગી, લોકોની આસ્થા દ્રઢ થતાં અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું. લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવે છે.

આ ઐતિહાસિક જંગલમાં ભગવાન શિવનું મંદિર છે. આ જંગલમાં ઉગેલા ઝાડ પણ કુતુહલ જગાડે છે કારણે કે સામાન્ય રીતે આ વૃક્ષો પંજાબ કે હિમાચલ પ્રદેશમાં નથી થતાં. આ જંગલના કોઇપણ ઝાડને ઘરેલું ઉપયોગ માટે કાપવું અશુભ મનાય છે. અહીં શિવરાત્રીમાં મેળો ભરાય છે. લોકોનું માનવું છે કે 1600-1700 વર્ષ પહેલા અહીં અચાનક જંગલ અને કુંડનું સર્જન થઇ જતાં એક ચમત્કાર જોવા મળ્યો હતો. આજે આટલા વર્ષ બાદ આ જ જગ્યાએ ફરી કુદરતીનો ચમત્કાર જોવા મળી રહ્યો છે.


જંગલના એક સમાન્ય ઝાડમાંથી અચાનક ધૂમાડો નીકળી રહ્યો છે. આસ્થાવાન લોકો તેને કુદરતો ચમત્કાર માને છે. ભક્તોનું કહેવું છે કે આ ચમત્કાર છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિએ તો ત્યાં સુધી જણાવ્યું કે, તે આ ઝાડ પર કેરી તોડવા ગયો હતો ત્યારે ડાળખીમાંથી ધૂમાડો નીકળતો જોયો હતો. ત્યારબાદ આ ઘટના મંદિરના પૂજારીને જણાવી હતી.

મંદિરના પૂજારી પણ ગામના લોકોની જેમ આ ઘટનાની કુદરતો ચમત્કાર જ માને છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે, આ એક ઐતિહાસિક મંદિર છે. અહીં કોઇને કોઇ ચમત્કાર થતાં રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે, આ જંગલની બીજી પણ એક ખાસ વાત છે. આ જંગલના લાકડાને કોઇ બાળી નથી શકતું. જો કોઇ જંગલનું લાકડું બાળવાનો પ્રયાસ કરે તો તેમને તેનો પરચો મળી જાય છે. આ કારણથી આ જંગલનુ લાકડું માત્ર ધૂણી જલાવવાના ઉપયોગમાં લેવાઇ છે. ધૂણીની ભભૂતિ દરેક ભક્તોને પ્રસાદના રૂપે આપવામાં આવે છે.

આ સંદર્ભે પઠાનકોટ ડીએફઓ સંજીવ તિવારીએ જણાવ્યું કે, અહીં એક વર્ષોથી આ જંગલ છે. જેમાં સંખ્યાબંધ ઝાડ અને છોડ છે. ડીએફઓએ જણાવ્યું કે, આ જંગલના ઝાડમાંથી ધૂમાડો નીકળતો હોય તો જંગલની માટીનું પરીક્ષણ કરાવવું પડશે ત્યારબાદ જ કોઇ તારણ કાઢી શકાય.

You cannot copy content of this page