રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુંદર રીતે તૈયાર થઇને હૈયામાં ભાઇ માટે અખૂટ પ્રેમ લઇને એક બહેન પોતાની સ્કૂટી પર સવાર થઇને રાખડી બાંધવા નીકળી હતી. સાથે ભાણેજને પણ લઇ 50 કિમી દૂર રહેતા ભાઇ પાસે પહોંચી. ભાઇ ફેક્ટ્રીના ગેટ પર જ બહેનની રાહ જોઇ રહ્યો હતો. થોડીવાર બાદ બહેન ભાઇ પાસે પહોંચી અને રીતિ રિવાજ પ્રમાણે ભાઇના હાથમાં રાખડી બાંધી. ભાઇએ બહેનની સુરક્ષાનું વચન આપ્યું અને ગિફ્ટમાં એક ચુંદડી આપી. એક કલાક બાદ સેંદડા ફોરલેન નજીક એક ટ્રેલરે સ્કૂટીને ટક્કર મારી અને બહેનનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું. હાઇવે પર લોહી લૂહાણ પડેલી લાશને પોલીસે ભાઇએ ગિફ્ટમાં આપેલી ચુંદડીથી ઢાંકી હતી.
શુંભુસિંહ રાવત પિપલિયા કલા ફેક્ટ્રીમાં કામ કરે છે. બહેન વિનોદ 50 કિમી દૂર બ્યાવર રહેતી હતી. ભાઇ બ્યાવર પહોંચી શક્યો ન હોવાથી બહેન સ્કૂટી લઇને ભાઇની પાસે પહોંચી ગઇ. બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ શુંભુસિંહ ખુશ થઇને ફરી રાબેતા મુજબ ફેક્ટ્રીમાં કામ કરવા લાગ્યો. પરંતુ એક કલાક બાદ જ્યારે તેના મોબાઇલ પર બહેનના મૃત્યુના સમાચાર આવ્યા તો તેના પગ નીચેથી જમીન ખસી ગઇ.
શંભુસિંહની સગી બહેન ન હતી પરંતુ તે કાકાની દિકરી હતી. સગી બહેન ન હોવાને કારણે દર વર્ષે કાકાની દિકરી જ રાખડી બાંધવા આવતી હતી. દુર્ઘટનાથી શુંભુને ગહેરો આઘાત લાગ્યો છે. તેને એ પણ પીડા છે કે તેને હવે કોઇ રાખડી નહીં બાંધે. બહેનના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બહેનના મૃત્યુના સમાચાર સાંભળી શુંભુસિંહ ફેક્ટ્રીમાં જ ધ્રૂજી ઉઠ્યો. તેને ફેક્ટ્રી માલિક પંકજ પી શાહે સાંત્વના આપી. સહકર્મીઓ શુંભુને લઇને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોર્ચરી પહોંચ્યા. બહેનનો મૃતદેહ ખરાબ રીચે કચડાઇ ગયો હતો જેથી શુંભુ છેલ્લીવાર બહેનનું મોઢું પણ જોઇ શક્યો નહીં. તે હોસ્પિટલ બહાર બેસીને બહેને બાંધેલી રાખડી જ નિહાળતો રહ્યો.
થાનાધિકારી પ્રેમારામ વિશ્નોઇ, કાનસિંહ ઇંદા, રફીક બસેરા સહિત અન્ય લોકોએ શુંભુસિંહને સાંત્વના આપી અને જરૂરી કાર્યવાહી કરી પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. બીજી બાજુ પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો.