Only Gujarat

National

શૂટિંગ માટે ગયેલી અભિનેત્રીની કોથળામાં લાશ મળી, કોણે આપ્યું ધ્રુજાવી દેતું મોત?

બાંગ્લાદેશી એક્ટ્રેસ રાયમા ઈસ્લામ શિમુની લાશ સોમવાર, 17 જાન્યુઆરીના રોજ સવારે બોરીમાં મળી આવી હતી. શિમુની લાશ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના કેરાનીગંજમાં હઝરતપુર બ્રિજની પાસે મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાયમાની લાશને આલિયાપુર વિસ્તારમાં રસ્તાના કિનારે ફેંકવામાં આવી હતી. 35 વર્ષીય એક્ટ્રેસની ગરદન પર નિશાન હતા, આથી જ આ મર્ડર હોવાનું માનવામાં આવે છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

શૂટિંગ માટે નીકળી હતી
રાયમા બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રીન રોડ વિસ્તારમાં પતિ ને બે બાળકો સાથે રહેતી હતી. શિમુ રવિવાર, 16 જાન્યુઆરીના રોજ સવારે માવામાં શૂટિંગ માટે નીકળી હતી. ત્યારબાદ તેનો ફોન પર અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. બાળકોએ વિચાર્યું માતા શૂટિંગમાં બિઝી હશે. જોકે, સાંજ સુધી તે ઘરે પરત ના ફરતાં પરિવારે કાલાબાગાન પોલીસ સ્ટેશનમાં એક જનરલ ફરિયાદ કરી હતી.

પોલીસને પછી રાયમાના શરીરના બે હિસ્સા હઝરતપુર બ્રિજના રસ્તા પાસેથી મળ્યા હતા. રાયમાની બૉડીને પોસ્ટમોર્ટમ માટે મિડફોર્ડ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધી બૉડી હજી પણ હોસ્પિટલમાં જ છે.

ભાઈએ બહેનના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી
શિમુના ભાઈ શાહિદુલ ઈસ્લામ ખોકૉને શિમુના પતિ સખાવત અમીન વિરુદ્ધ કેસ કર્યો હતો. ઢાકાના જિલ્લા પોલીસ મારુફ હુસૈન સરદારે કહ્યું હતું કે પતિ તથા તેના મિત્ર ફરહાદ સહિત છ લોકોની શિમુની હત્યાના શંકમદ તરીકે ધરપકડ કરવામાં આવી છે. એક કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ કારની પાછળની સીટ પર લોહીના ડાઘા મળ્યા છે.

ઝાયદ ખાન સાથે વિવાદ હતો
એક્ટર ઝાયદ ખાન પણ ખોકૉન સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શિમુનો બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિયેશનમાં સભ્યતા અંગે ઝાયદ ખાન સાથે ઝઘડો ચાલતો હતો. જોકે, ઝાયદે તમામ આરોપોને નકારીને કહ્યું હતું કે તેણે છેલ્લાં બે વર્ષમાં ક્યારેય શિમુ સાથે ફોન પર વાત કરી નથી. તેના વિરુદ્ધ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે.

શિમુની કરિયર
શિમુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કાઝી હયાતની ‘પ્રેઝેન્ટ’થી કરી હતી. ત્યારબાદ તેણે દેલવર ઝહાં ઝંતુ, ચાશી નઝરુલ ઈસ્લામ, શરીફ ઉદ્દીન ખાન સહિત વિવિધ ડિરેક્ટર્સની ફિલ્મમાં કામ કર્યું છે. 1996થી 2004 સુધી શિમુએ અંદાજે 25 ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે 50થી વધુ નાટકમાં કામ કર્યું હતું. તેણે ઘણાં વર્ષો સુધી પ્રાઇવેટ ટીવી ચેનલના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતું. શિમુનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ હતું.

You cannot copy content of this page