Only Gujarat

Gujarat

શિક્ષકે ખેલ્યો ખૂની ખેલઃ આચાર્યના ગળા, છાતી અને માથાના ભાગે ઘા માર્યા અને…

છોટાઉદેપુરના નસવાડીમાં કૌટુંબિક સભ્યો વચ્ચે ખૂની ખેલ ખેલાયો. જેમાં લિંડા સ્કૂલના આચાર્યની છરાના ઘા મારીને શિક્ષકે તેમની હત્યા કરી. એટલું જ નહીં આચાર્યની પત્ની અને પુત્રી પર પણ જીવલેણ હુમલો કર્યો. જેમાં બંને ઇજાગ્રસ્ત હોઈ તેમને સાવવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે, આરોપી શિક્ષકના 9 ડિસેમ્બરે લગ્ન હતા.

આ અંગેની વિગત એવી છે કે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. કારણ કે આચાર્યની હત્યા કરનાર પણ શિક્ષક છે અને સગામાં પણ થાય છે. વાત એમ છે કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયા અચાનક મેરામણના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનું માનીએ તો નસવાડીની લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામ-સામે જ રહેતા હતા. શિક્ષક ભરત પીઠિયા આજે સવારે મેરામણના ઘરમાં ગુસ્સામાં દોડી આવ્યો હતો અને છરા વડે મેરામણ પર તૂટી પડ્યો હતો. માથા પર ખૂન સવાર હોઈ ભરતે મેરામણના ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારી દીધા હતા. પરિણામે લોહીલુહાણ હાલતમાં મેરામણ ત્યાં જ ફસડાઇ પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપીએ મેરામણની પત્ની અને દીકરી પર પણ હુમંલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. ત્યાર બાદ શિક્ષક ભરત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. (તસવીરમાં ડાબી બાજુ આરોપી શિક્ષક ભરત પીઠિયા અને જમણી બાજુ આચાર્ય   મેરામણ પીઠિયા)

ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કૌટુંબિક સબંધો હતા. તેઓ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા.

આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે હત્યાનું કારણ હજી બહાર આવ્યું નથી. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, હું ઘરમાં કામ કરતી હતી, ત્યારે શિક્ષક ભરત છરો લઇને આવ્યો હતો અને મારા અને મારા પતિ પર હુમલો કરી દીધો હતો. જેમાં મારા પતિનો બનાવના સ્થળે જ જીવ જતો રહ્યો હતો. જ્યારે મને અને મારી પુત્રીને ઇજા પહોંચી હતી.

 

You cannot copy content of this page