Only Gujarat

Bollywood FEATURED

સલમાન ખાન આળોટે છે કરોડો રૂપિયામાં, કાકા લારી ચલાવીને ચલાવે છે ગુજરાન

મુંબઈઃ નાનપણમાં સલમાન ખાને જેમના હાથના આલુ પરોઠાનો દિવાનો હતો તેમની હાલત આજે દયનીય છે. સલમાન 24નો થયો ત્યાં સુધી આ વ્યક્તિએ તેની દેખરેખ કરી હતી.


અમે વાત કરી રહ્યાં છીએ ખાન પરિવારના રસોઈયા અખ્તર ચાચાની. આજે અખ્તર ચાચા ભોપાલમાં એક નાનકડાં રૂમમાં જીવન પસાર કરી રહ્યાં છે. તેઓ ગુજરાન ચલાવવા માટે લારી કાઢીને ગોળ તથા પાપડ વેચે છે. આ પરિસ્થિતિમાં પણ અખ્તર ચાચાએ સલમાન પાસે મદદનો હાથ લાંબો કર્યો નથી. તેમણે તો સલમાનની લાંબી ઉંમરની દુઆ માગી હતી અને મરતા પહેલાં સલમાનને એકવાર મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી.


અખ્તર ચાચાએ કહ્યું હતું કે જ્યારે સલમાનનો જન્મ થવાનો હતો ત્યારે તેની માતા સલમા ખાનને તેઓ મુંબઈથી ઈન્દોર પલાસિયા ટ્રેનમાં લઈને આવ્યા હતા, કારણ કે તે સમયે સલીમ ખાન ફિલ્મમાં એક્ટિંગ કરતાં હતાં. રાઈટર તેઓ પછી બન્યા હતા.


સલમાનનો જન્મ થયો ત્યારથી લઈ તે 24 વર્ષનો થયો ત્યાં સુધી અખ્તર ચાચાએ સલમાનની સંભાળ રાખી છે. સલમાન ખાનને તેમના હાથના આલુ પરોઠા બહુ જ ભાવતા હતા. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ ના થઈ ત્યાં સુધી તે સલમાન સાથે રહ્યાં હતાં. આજે તો સલમાનને ખબર પણ નહીં હોય કે તેઓ જીવિત છે કે મરી ગયા અને ભોપાલમાં રહે છે. ભોપાલમાં તેમની હાલત ઘણી જ દયનીય છે.


અખ્તર મિયાં ન્યૂઝ પોર્ટલ ભાસ્કર ડોટ કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ નાનપણમાં રાયસેનના હામિદ ખાન ખંડેરેવાલાને ત્યાં કામ કરતાં હતાં. તે સલમાન ખાનના પિતા સલીમ ખાનના જીજાજી હતા. જ્યારે હામિદ ખાને ઈન્દોરમાં જ રહેવાનું નક્કી કર્યું તો તેઓ સલીમ ખાનના કહેવા પર મુંબઈ આવી ગયા હતા.


તે સમયે સલીમ ખાન ફિલ્મમાં સંઘર્ષ કરતાં હતાં. અખ્તર મિયાં મુંબઈમાં સલીમ ખાનના ત્યાં જ રહેવા લાગ્યા અને રસોઈયા તરીકે કામ કરવા લાગ્યા હતા. તેઓ ખાન પરિવારના જ સભ્ય હોય તેમ રહેતા હતા. સલમાન ખાનની સંભાળ રાખવાની જવાબદારી તેમના પર હતી.


નાટ્યકાર, ફિલ્મ રાઈટર દિનેશ રાય રાઈટર જાવેદ અખ્તર તથા સલીમ ખાનના નિકટના મિત્ર છે. તેમણે લાંબો સમય સલીમ ખાનના મુંબઈ સ્થિત ઘરમાં પસાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે અખ્તર મિયાંએ સલીમ ખાનના ત્યાં રસોઈયા તરીકે કામ કર્યું છે.

You cannot copy content of this page