Only Gujarat

FEATURED National

અંધવિશ્વાસને કારણે વેચાય છે આ ઘુવડ, કિંમતમાં તો Rolls Royce કાર આવી જાય

ઉજ્જૈનઃ દુર્લભ વન્યજીવોના જીવન તસ્કરોના કારણે જોખમમાં મુકાઈ રહ્યાં છે. વન વિભાગ અને એસટીએફ દ્વારા મધ્ય પ્રદેશમાં આવી જ એક ગેંગની ધરપકડ કરી છે, જે વન્યજીવોની તસ્કરી સાથે જોડાયેલી છે. આ ગેંગમાં 4 મહિલાઓ પણ સામેલ છે. તેમની પાસેથી દુર્લભ 2 મોઢાવાળો સાપ અને સોનેરી ઘુવડ મળી આવ્યા હતા. આ સાપની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટમાં 2.5 કરોડ રૂપિયા છે. જ્યારે સોનેરી ઘુવડની કિંમત 3 કરોડ જેટલી છે. જોકે આ વન્યજીવોનું ખરીદ-વેચાણ ગુનો છે.

આ વન્યજીવોનો ઉપયોગ સેક્સવર્ધક દવાઓ અને તંત્ર-મંત્ર માટે કરવામાં આવે છે. આરોપીઓમાં વન વિભાગના પૂર્વ રેન્જરનો દીકરો પણ સામેલ છે. રાજગઢમાં રહેતો આરોપી જ આ ગેંગ ચલાવી રહ્યો હતો. એસટીએફની ટીમે ગ્રાહક બની આ ગેંગની ધરપકડ કરી હતી. આ વન્યજીવોની કિંમતમાં ધનિકો રોલ્સ રૉયસ જેવી મોંઘીદાટ કાર ખરીદી શકે છે. આરોપીઓ આ વન્યજીવોનો સોદો કરી ચૂક્યા હતા.

સોનેરી ઘુવડ ભાગ્યે જ જોવા મળે છે. તેનો ઉપયોગ અંધવિશ્વાસના કારણે થતા તંત્ર-મંત્રમાં થાય છે. જ્યારે 2 મોઢાવાળા સાપ (સેન્ડબોઆ) પણ દુર્લભ બની રહ્યાં છે. એવું મનાય છે કે તેમનો ઉપયોગ સેક્સવર્ધક દવાઓ માટે કરાય છે. આ તસ્કરી ચીન સહિતના અન્ય દેશોમાં કરાય છે.

આ ગેંગનો લીડર 44 વર્ષીય મુકેશ શ્રીવાસ્તવ છે. રાજગઢમાં રહેતા મુકેશના પિતા વન વિભાગમાં પૂર્વ રેન્જર હતા. તેથી તે આ જીવો અંગે સારી માહિતી ધરાવે છે. આ ઉપરાંત સનાવદના વૈભવ ચૌહાણ, ઈન્દોરના મનોજ ગિરી અને રેખા, માનપુરની રશ્મિ, ઈન્દોરની સુધા અને નિલિમા, દેવાસના કરણ તથા સોનકચ્છના રાજકુમાર માલવીયની પણ ધરપકડ કરવામાં આવી હતી. સોનેરી ઘુવડ શિકારીઓનો શિકાર બની રહ્યાં છે અને ધીમે-ધીમે લુપ્ત થઈ રહ્યાં છે. STF ઈન્સપેક્ટર દીપિકા શિંદે અને અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓને વનવિભાગની ટીમને હવાલે કરી દેવામાં આવ્યા છે.

You cannot copy content of this page