Only Gujarat

Gujarat

70 વર્ષે માતા બનેલા કચ્છના જીવુબેન આ રીતે કરી રહ્યા છે દીકરાનું લાલન-પાલન

કચ્છમાં હાલમાં મનને પ્રફુલ્લિત કરી દેતા એક સમાચાર આવ્યા છે. કચ્છના મોરા ગામમાં રહેતાં 70 વર્ષનાં જીવુબેને લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો હતો. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં. લાડકા દીકરાના જન્મ બાદ દંપતી હાલ બાળકનું તેના ઘરે લાલન-પાલન કરી રહ્યા છે. ગામમાં કાચા મકાનમાં રહેતું દંપતી જે રીતે વ્હાલથી બાળકનો ઉછેર કરી રહ્યું છે તે કાબિલેદાદ છે.


શેરમાટીની ખોટ હતી
કચ્છના રાપર તાલુકાના છેવાડાના મોડા ગામમાં રહેતા 70 વર્ષીય જીવુબેન રબારી અને તેમના 75 વર્ષીય પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુનો સમય થયો હતો. લગ્નના આટલા વર્ષો દરમિયાન તેમને શેરમાટીની ખોટ સાલતી રહી. આખી જિંદગી તેમણે બાધા-આખડી કર્યા છતાં નિરાશા સાંપડી હતી. જોકે, ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા ડગી નહીં, છેવટે ઈશ્વરે પણ તેમની સામે જોયું હતું. અને જીવુબેન 70 વર્ષની ઉંમરે માતા બન્યા હતા.


ગામ અને રબારી સમાજમાં ખુશી વ્યાપી
જીવુબેન રબારીએ પૂત્રને જન્મ આપતા વૃદ્ધ દંપતીના પરિવાર જ નહીં ગામ અને રબારી સમાજમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો નહોતો.


બંગલોમાં ન થાય એવો ઉછેર
મોડા ગામમાં પોતાના કાચા મકાનમાં દંપતી હાલ બાળકનો ઉછેર કરી રહ્યું છે. મકાન ભલે કાચું હોય પણ લક્ઝુરિયર્સ બંગલોમાં ન થાય એવો ઉછેર દંપતી કરી રહ્યું છે. જીવબેન વ્હાલથી દીકરાનો ઉછેર કરી રહ્યા છે. પશુપાલનનો વ્યવસાય કરતાં વાલાભાઈ રબારી પણ દીકરાનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. દીકરાની તમામ જરૂરિયાત પૂરી કરી રહ્યા છે.


બાળકનું નામ “લાલો” રાખ્યું
75 વર્ષના માલધારી વાલાભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડૉક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુબેન રબારીના ચહેરા ઉપર એક અલગ જ ચમક આવી હતી. આ ઉંમરે ભગવાને બાળકની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો” રાખી દીધું હતું. ભૂજની ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉંમરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યૂબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.


રેર કિસ્સો
સ્ત્રી રોગના ડો. નરેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, આ મોટી ઉંમરના મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી. એવું ચોખ્ખું કહેવા છતાંય તેમણે ભગવાન અને ડૉક્ટર ઉપર પૂરો વિશ્વાસ હોવાથી સફળતા મળી છે. આથી સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.


ડૉક્ટરે પહેલાં તો ઘસીને ના પાડી દીધી હતી
જીવુબેનની આઈવીએફની ટ્રીટમેન્ટ કરનાર ભુજના ડૉક્ટર નરેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે જીવુબેન અને તેમના પતિ વાલાભાઈ રબારી અઢી વર્ષ પહેલાં તેમની પાસે બાળકના જન્મની ઈચ્છા લઈને સારવાર માટે આવ્યાં હતા. પહેલીવાર તો ડૉક્ટરે તેમને ઘસીને ના પાડી દીધી હતી. પરંતુ જીવુબેનની માતૃત્વ ધારણ કરવાની ઝંખના ખૂબ તીવ્ર હતી. આખરે હોર્મોન્સ રીપ્લેસમેન્ટ થેરાપી દ્વારા જીવુબેનની ટ્રીટમેન્ટનો પ્રારંભ કરાયો હતો. સારવાર માટે પોતાના ગામથી ભુજ સુધીના 150 કિલોમીટરના ધક્કા આ દંપતી હોંશે હોંશે ખાતું હતું.


માસિક ધર્મ બિલકુલ ચાલ્યું ગયું હતું
ડૉક્ટરના કહેવા મુજબ આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી. ડૉક્ટર નરેશ ભાનુશાલી કહ્યું કે જીવુબેનનું માસિક ધર્મ બિલકુલ ચાલ્યું ગયું હતું. સૌ પહેલાં માસિક ધર્મ લાવવા માટે દુરબીનથી તેમનું એક નાનકડું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગર્ભાશયની કોથળી મોટી કરવામાં આવી હતી. ગોળીઓ અને ટ્રીટમેન્ટથી પહેલાં માસિક ધર્મ લાવ્યા હતા. પછી આઈવીએફ ટેક્નિકથી બાળક કરવામાં આવ્યું હતું.


ઈશ્વર પણ ઝૂકી ગયો
માતૃત્વ ધારણ કરવા જીવુબેનની તીવ્ર ઈચ્છા આગળ જાણે ઈશ્વર પણ ઝૂકી ગયો હતો. ડૉક્ટર ભાવુશાલીએ કહ્યું કે પ્રથમ પ્રયાસમાં જ સ્ત્રીબીજ અને શુક્રબીજનું ફલિનીકરણ થઈ ગયું હતું. અને નવમા મહિને જીવબેને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યા હતો. ડૉક્ટર આ ઘટનાને કુદરતનો કરિશ્મા જ ગણાવે છે.


IVF સારવાર શું છે?
IVF સારવાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે. આ પદ્ધતિમાં મહિલાના અંડ અને પુરુષના શુક્રાણુને લેબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.


IVF અને સરોગસી એકબીજાથી જુદા છે?
નિષ્ણાતના મતે આઇવીએફ અને સરોગસી બંને ખાસ્સા અલગ છે. IVFમાં ગર્ભાધાન લેબમાં થાય છે, એ પછી એને માતાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. સરોગસીમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલા ગર્ભને કોઈ બીજી મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. જોકે આમાં શુક્રાણુ અને અંડ બંને માતા-પિતાના જ હોય છે.

You cannot copy content of this page