Only Gujarat

National TOP STORIES

ધ્યાનમાં રાખોઃ પેટ્રોલ પંપ પર આ નવ સુવિધાઓ મળે છે તદ્દન મફત, ના આપે તો કરો ફરિયાદ

નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ દરેક વિશેષ અને સામાન્ય માણસના જીવન સાથે સંકળાયેલ છે. કોઈ એવી વ્યક્તિ નથી કે જે પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ પર ના ગયો હોય. પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે તમારા ખિસ્સામાં પૈસા હોવા જોઈએ, કારણ કે તે મફત ઉપલબ્ધ નથી. પરંતુ શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર કેટલીક એવી સુવિધાઓ પણ છે, જે એકદમ મફતમાં ઉપલબ્ધ છે. જો આ સેવા દેશના કોઈપણ પંપ પર મળતી નથી, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. એટલું જ નહીં, જો તમારી ફરિયાદ સાચી જણાઈ આવે છે, તો તે પેટ્રોલ પંપને દંડની સાથે તેનું લાઈસન્સ પણ રદ થઇ શકે છે.

પીવા માટે શુદ્ધ પાણી: પેટ્રોલ પંપ ડીલરોએ તેમના પંપ પર સામાન્ય લોકોની સુવિધા માટે મફત પીવાના પાણીની સુવિધા આપવી પડશે. આ માટે પેટ્રોલ પંપ ડીલરને જાતે જ આર.ઓ. મશીન, વોટર કુલર અને વોટર કનેક્શન લેવાનું રહેશે. જો કોઈ પણ પંપ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય તો, તે માટે પણ તમે ઓઈલ માર્કેટિંગ કંપનીને ફરિયાદ કરી શકો છો.

ઈમરજન્સીમાં ફોન કોલ કરી શકો છો: જો તમે રસ્તામાં કોઈ સ્થિતિમાં ફસાઈ ગયા છો અને મોબાઇલ ફોનની સુવિધા નથી, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે કોઈપણ પેટ્રોલ પંપની મુલાકાત લઈને કોઈ એક નંબર પર કોલ કરી શકો છો. આ માટે, પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કર્મચારી અથવા મેનેજર તમને મનાઈ કરી શકશે નહીં. પેટ્રોલ પંપ પર આ સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ છે.

શૌચાલયની સુવિધા: લોકોને પેટ્રોલ પંપ પર સ્વચ્છ અને સાફ શૌચાલયની સુવિધા મળે છે. તેનો ઉપયોગ કરવા માટે તમને કોઈ રોકી શકશે નહીં. જો પેટ્રોલ પંપ પર ગંદા અને તૂટેલા શૌચાલય છે, તો તમે ઓઈલ કંપનીને તેની ફરિયાદ કરી શકો છો.

હોવી જોઈએ ફર્સ્ટ એઈડ બોક્સની સુવિધા: દરેક પેટ્રોલ પંપ પાસે એક ફર્સ્ટ એઈડ બોક્સની સુવિધા હોવી જોઈએ, જેથી જરૂર પડે ત્યારે સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકે. આ બોક્સમાં જીવન બચાવતી દવાઓ અને મલમ-પટ્ટી હોવા જોઈએ. આ સાથે, બધી દવાઓ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોવી જોઈએ. આ બોક્સમાં જૂની દવાઓ ના હોવી જોઈએ. જો પેટ્રોલ પંપ તમારી માંગ પર ફર્સ્ટ એઈડ બોક્સ આપવાનો ઇનકાર કરે છે, તો તમે તેના વિશે લેખિત ફરિયાદ કરી શકો છો.

તેલની ગુણવત્તા અને માત્રાને જાણવાનો અધિકાર: આ સિવાય, ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા અને માત્રાને જાણવાનો પણ પૂરો અધિકાર છે. પેટ્રોલ પંપ માલિકોએ આ માટેની વ્યવસ્થા કરવાની હોય છે. જો એ હોય નહીં તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.

કંપનીનું નામ અને કોન્ટક્ટ નંબર લખવો પણ ફરજિયાત છે: પેટ્રોલપંપના માલિક માટે પેટ્રોલિયમ કંપનીનું નામ અને કોન્ટક્ટ નંબર લખીને રાખવા ફરજિયાત છે. જેના માધ્યમથી ગ્રાહકોને પેટ્રોલપંપના માલિક અથવા સંબંધિત કંપનીનો સંપર્ક કરવાની સુવિધા મળે છે.

ખુલવાનો અને બંધ થવાનો સમય પણ જણાવવું મહત્વપૂર્ણ છે: દરેક પેટ્રોલ પંપ પર તેના ખુલવાના અને બંધ થવાના સમયની સૂચના પ્રદર્શિત હોવી જોઈએ. આ સાથે પેટ્રોલ પંપ કયા દિવસે બંધ રહેશે, તેની માહિતી આપવી પણ ફરજિયાત છે.

પેટ્રોલ અને ડીઝલના બિલ મેળવવાનો અધિકાર: તમને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટેનું બિલ મેળવવાનો પૂરો અધિકાર છે. જો કોઈ કારણોસર પેટ્રોલ પંપ માલિક અથવા તેના એજન્ટ તમને બિલ આપવાનો ઇન્કાર કરે છે, તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો.

ગાડીના પૈડાઓમાં હવા ભરવી: તમામ પેટ્રોલ પંપ પર ગાડીઓમાં હવા ભરવાની સુવિધા પૂરી પાડવી ફરજિયાત છે. આ માટે, પેટ્રોલ પંપ ડીલરને તેના પંપ પર હવા ભરવા માટેની ઈલેક્ટ્રોનિક મશીન અને ગાડીઓમાં હવા ભરવા વાળા વ્યક્તિની નિમણૂક કરવાનું પણ જરૂરી છે. એક બીજી બાબત જે પેટ્રોલ પંપના માલિક અથવા નિમણૂક કરેલી વ્યક્તિ આ સેવા માટે તમને પૈસાની માંગણી કરી શકશે નહીં. આ સુવિધા લોકોને મફત આપવામાં આવશે. જો કોઈ પંપ પૈસા માંગે છે, તો તેની સામે સંબંધિત તેલ કંપનીને ફરિયાદ કરી શકાય છે.

આ રીતે તમે ફરિયાદ નોંધાવી શકો છો: દરેક પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી અથવા રજિસ્ટર રાખવું પડે છે, જેથી ગ્રાહકો તેમાં પોતાની ફરિયાદો નોંધાવી શકે. જો તમને પેટ્રોલ પંપ ઉપર જણાવેલ સુવિધાઓમાંથી કોઈ ન મળે, તો પછી તમે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવેન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ એટલે કે https://pgportal.gov.in/ ના પોર્ટલની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવી શકો છો.

You cannot copy content of this page