Only Gujarat

National TOP STORIES

આ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશવાસીઓની કંઈક આ રીતે કરી રહ્યો છે સેવા

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસથી મરનારા લોકોની સંખ્યા તો સામે આવી જશે, પરંતુ એવાં લોકો વિશે કોઈ વાત નહી કરે જેઓ લોકડાઉનને કારણે હોસ્પિટલ ના પહોંચી શકવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ વાત દિલ્હીના રહેવાસી સાજીદ ખાને કહી છે, જેમણે મુશ્કેલીના સમયમાં પોતાની બંનેની ગાડીઓને એમ્બ્યુલન્સમાં બદલી નાખી છે. જેથી જરૂરિયાતમંદોને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.

દિલ્હીના રહેવાસી સાજિદે જણાવ્યુ હતુ કે કેવી રીતે તેમને એમ્બ્યુલન્સ શરૂ કરવાનો વિચાર મગજમાં આવ્યો હતો. તેમણે લોકડાઉન થયાના માત્ર બે દિવસ પછી જ તેમના બંને વાહનોને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધા હતા.

સાજીદે જણાવ્યું હતું કે, જ્યારે લોકડાઉનનાં બે દિવસ પછી હું દૂધ લેવા બહાર આવ્યો ત્યારે મેં જોયું કે બે વૃદ્ધ પતિ અને પત્ની તિલક નગરથી પગપાળા આવી રહ્યા હતા, તેઓ રામ મનોહર લોહિયા હોસ્પિટલ જવા માંગતા હતા. હું જોઈને ચોંકી ગયો કે, તેમને હજી ત્રણ કલાક સુધી ચાલીને જવું પડશે. આ પછી હું ઘરે પાછો ગયો અને આ વિશે મારી પત્નીને કહ્યું.

મેં તેને કહ્યું, હું મારા વાહનોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરવા માંગુ છું. શરૂઆતમાં મારી પત્ની નર્વસ થઈ હતી, પરંતુ મેં તેને સમજાવ્યું કે દેશને મદદ કરવા માટે તે જરૂરી છે, લોકોને મદદની જરૂર છે. લોકોની પાસે હોસ્પિટલમાં જવા માટે ચાલતા જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

સાજિદ પોતાની ગાડીઓ જાતે જ ચલાવે છે, તેમજ વાહનોને સેનેટાઈઝ પણ કરે છે. તેમણે કહ્યું, શરૂઆતમાં પોલીસ સવાલ જવાબ કરતી હતી, પરંતુ હવે મારો નંબર સોશિયલ મીડિયા પર ખુબ ફેલાયો છે. જેથી મને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી.

સાજિદે કહ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી હું ડાયાલિસીસના દર્દીઓને દર મંગળવાર અને શુક્રવારે હોસ્પિટલમાં લઈ જાઉં છું. હું ખૂબ જ સારી રીતે જાણું છું, કે આ દુઃખની ઘડીમાં, આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. પરંતુ દુઃખ થાય છે જ્યારે દર્દીઓ એમ્બ્યુલન્સને કોલ કરે અને તેમના ફોન લાગતા નથી. એવામાં ઘણા દર્દીઓની પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે.

તેમણે કહ્યું કે, માલતી દેવી, જે સગર્ભા સ્ત્રી છે, સફદરજંગ હોસ્પિટલની બહાર સવારે 11:00 વાગ્યાથી સાંજના 3:00 સુધી એમ્બ્યુલન્સની રાહ જોતી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આવી નહોતી. તે પછી મને સફદરજંગ હોસ્પિટલનો ફોન આવ્યો, તેમણે મને કહ્યુ, ભાઈ તમારી ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસ છે, મહેરબાની કરીન આવો અહીં એક સગર્ભા મહિલા છે, જેની સ્થિતિ ગંભીર છે, તેમને LNJP હોસ્પિટલ લઈને જવાની છે.

હું તરત જ ત્યાં પહોંચી ગયો અને મહિલાને બીજી હોસ્પિટલમાં લઈ ગયો. મને ખુશી છે કે મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. હું લોકોની સેવા કરીને ખૂબ જ ખુશ છું.  સાજિદે કહ્યું, મારી પત્ની પણ આ કામથી ખુશ છે, તે સમજી ગઈ છે કે તેનો પતિ દેશની સેવા કરવામાં રોકાયો છે.

મારા ઘરે પણ બાળકો અને પત્ની છે. હું પણ તેમની ચિંતા કરું છું પરંતુ જો આપણે ડરીને બેસીશું તો ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવા લોકોને મદદ કરવા માટે કોઈએ આગળ આવવું પડશે. હું જાણું છું કે દુનિયા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જોશે, પરંતુ કોઈ પણ તે લોકો વિશે વાત કરશે નહીં કે જેઓ લોકડાઉન દરમિયાન સમયસર હોસ્પિટલમાં ના પહોંચવાને કારણે પોતાનો જીવ ગુમાવી દેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page