Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાત પોલીસે દુષ્કર્મ પીડિત મહિલાને માત્ર ન્યાય જ ના અપાવ્યો પરંતુ એવું કામ કર્યું કે તમારી છાતી ગર્વથી ગજગજ ફૂલશે!

પ્રશાંત દયાળ, મોરબી: સામાન્ય સંજોગોમાં આઈપીસી અને સીઆરપીસી વચ્ચે કામ કરતી પોલીસ વ્યવહારમાં નિષ્ઠુર અને લાગણીહીન હોય છે તેવી મોટાભાગના લોકોમાં સામાન્ય છાપ છે, પરંતુ પોલીસના ખાખા કપડાંમાં જીવતો એક માણસ સતત પોતાની અંદર રહેલા માણસને જાણે અજાણે જીવતો રાખવાનો પ્રયત્ન કરતો હોય છે તેવી જ એક ઘટના મોરબીમાં બની છે. દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીઓને તો પકડી લીધા પણ તેના પછી આ સ્ત્રીને સહારો કોણ આપશે તેવા પ્રશ્નને લઈ પોલીસના મનમાં થયેલા ઝંઝાવાતથી એક સારું કામ થયું છે.

મોરબીમાં એક અઠવાડિયા પહેલા બે સ્થાનીકોએ માણસાઈ ભૂલી એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ઘટનાનો વિકૃત આનંદ લેવા તેમણે કેટલીક ઘટના પોતાના જ મોબાઈલના કેમેરાથી કંડારી હતી. જે કોઈક કારણસર વાયરલ પણ થઈ ગઈ હતી. આ મામલો મોરબી પોલીસના ધ્યાન પર આવતા તે સક્રિય થઈ તેમણે ભોગ બનનાર સ્ત્રી અને બંને આરોપીઓને ઓળખી કાઢ્યા અને તુરંત ગુનો નોંધી આરોપીઓને પકડી લીધા હતા. આટલી ઘટનામાં પોલીસની સક્રિયતા તેની ફરજનો ભાગ હતી. દરેક પોલીસ અધિકારીએ દેશના નાગરિકની સુરક્ષા માટે આ કરવું જ જોઈએ, પણ વાત અહીંયાથી અટકી નહીં.

મોરબીના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સુબોધ ઓડેદરાએ જ્યારે ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોયો ત્યારે તેમના મનમાં એક અનુકંપા જન્મી કારણ કે ભોગ બનનાર સ્ત્રીની સાથે એક નાનું બાળક હતું. હવે આ બાળકનું શું થશે અને ગરીબ માતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરશે. તેવા પ્રશ્નને લઈ તેમણે પોતાના સાથી અધિકારીઓ અને સિનિયર્સ સાથે ચર્ચા કરી. પોલીસ અધિકારી તરીકે ગુનો નોંધી આરોપી પકડવાનું કામ તેમણે પુરુ કર્યું હતું, પણ હવે ખાખી વર્દી પાછળ રહેલા માણસે પોતાનું કામ શરૂ કર્યું હતું.

ભોગ બનનાર સ્ત્રી અને તેમના બાળકને એક સ્વૈચ્છીક સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી આપ્યા પછી ભોગ બનનાર સ્ત્રીના બાળકના ઉછેર અને શિક્ષણની જવાબદારી મોરબી પોલીસે જ લેવાનો નિર્ણય કર્યો હતો. મોરબી પોલીસે આ બાળકના પાલક બની તેને સંભાળવાની જવાબદારી ઉપાડી. આ બાળકના સ્કૂલથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી તેને કોઈ જ અગવડતા ન પડે તે માટે મોરબીની પોલીસે પોતે સ્વખર્ચે ભંડોળ ઊભું કરી બેન્કમાં બાળકના નામનું ખાતું ખોલવાનો નિર્ણય કર્યો છે. બેન્કમાં એક્ઠી થયેલી ચોક્કસ રકમ દ્વારા આ બાળકનો ઉછેર અને શિક્ષણ થશે.

જ્યારે ચારેય તરફથી નિરાશાજનક સમાચારો મળતા હોય ત્યારે આવી એક નાનકડી ઘટના પોલીસને જ નહીં આપણને પણ જીવવાનું બળ પુરું પાડે છે.

You cannot copy content of this page