Only Gujarat

Gujarat

‘12.07 વાગ્યે ફાયર એલાર્મ વાગતા મેં નર્સનું ધ્યાન દોર્યું, નર્સે કહ્યું કે કોઈ રમત કરતું હશે’

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ફરી સર્જાયો અગ્નિકાંડ. ગુરવારે મોડી રાતે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભયાનક દુર્ઘટનામાં પાંચ દર્દીઓના દર્દનાક મોત થયા. સરકારે મૃતકાનો પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે..પરંતુ સવાલ એ છે કે આવી કમનસીબ ઘટનાઓ ક્યારે અટકશે? આ દર્દનાક બનાવનો ભોગ બનેલા લોકોએ જ્યારે આપવીતિ સંભળાવી ત્યારે ભલભલાનાં રુંવાડા ઉભા થઇ ગયા. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો આ દુર્ઘટનાને રોકી શકાઇ હોત.

રાજકોટમાં જિંદગી આપતી હોસ્પિટલમાં મોતનું ભયાનક તાંડવ જોવા મળ્યું. જેમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનો ICU વોર્ડ આગની જ્વાળાઓના કારણે ચિતા બની ગયો અને તેમાં પાંચ લોકો ભડથું થઇ ગયા. લાચાર દર્દીઓને આગે શિકાર બનાવ્યા તેમાં કેટલાક દર્દીઓ સદનસીબે બચી ગયા. પરંતુ જ્યારે તેમની સામે આ ઘટનાનો ઉલ્લેખ થાય છે ત્યારે તેઓ હચમચી જાય છે. આગને નજરે નીહાળનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવનના પ્રોફેસર દિલીપભાઈ કુબેરકરે જણાવ્યું હતું કે, હું હજુ સુવાની તૈયારી કરી રહ્યો હતો. આશરે 12 વાગ્યે ફાયર સાઈરન વાગી. મને ચિંતા થતાં મેં નર્સ તરફ જોયું. તો નર્સે કહ્યું કે કોઈ રમત કરતું હશે. પણ બાદમાં તો ધડાકા સાથે આગ ફાટી નીકળી.

પ્રોફેસરનું માનવું છે કે આ ઘટનામાં વેન્ટિલેટર લીકેજ હોય શકે છે. ટ્રાન્સફોર્મર સતત ચાલુ રહે તે સંજોગોમાં આવું થઈ શકે છે. આ ઘટના જોઈને વોર્ડમાં દાખલ તમામ દર્દીઓ રીતસર ધ્રુજી ઉઠ્યા. દિલીપભાઈ કુબેરકરે જણાવ્યું કે, હું ત્રીજા માળે 309 નંબરના રૂમમાં સારવાર લઇ રહ્યો હતો. રાત્રે 11.30 વાગ્યે મારો બીજો રેમડિસિવર ઈન્જેક્શનનો ડોઝ પુરો થયો હતો. તેથી હું ઊંઘવાની તૈયારી કરી રહ્યો હતો. તે સમયે જ ફાયર એલાર્મ વાગવા લાગ્યું. તેથી મેં મારી બાજુમાં બેઠેલા નર્સને કહ્યું કંઈ થયું લાગે છે. ત્યારે નર્સે મને કહ્યું કે, કોઈ રમત કરતું હોય તો પણ આવો અવાજ આવી શકે છે. પણ મેં કહ્યું રમત નથી બહેન આ તો ફાયર એલાર્મ વાગે છે. ઉપર ધૂમાડો પકડે એટલે આવું સાઈરન વાગે.

આ સાંભળ્યા બાદ નર્સ ભાગતા ભાગતા નીચે ગયા. તેઓ થોડીવાર પછી પાછા આવ્યા અને કહ્યું કે પહેલા માળે આગ ભભૂકી ઉઠી છે. પછી મેં સૂચન કર્યું કે, તમામ અગાસી પર જતું રહેવું જોઈએ. જો કે ત્યાં સુધીમાં તો ધૂમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા. આખો અગ્નિકાંડ મેં મારી નજર સામે જોયો અને હોસ્પિટલ સ્ટાફ અને લોકોની ચીસો મારા કાનમાં ટકરાઇ ત્યારે તો હું થોડીવાર માટે સ્તબ્ધ બની ગયો.

આગ લાગવા પાછળ દિલીપભાઈનું માનવું છે કે, આગમાં વેન્ટિલેટર લીકેજ થયું એટલે આગ લાગી હોય શકે છે. વેન્ટિલેટરમાં આઈસોલેશન ટ્રાન્સફોર્મર હોય છે. આ ટ્રાન્સફોર્મરને દર 15 દિવસે તમારે આરામ આપવો પડે. ટ્રાન્સફોર્મરને ર્સેટ આપ્યો નહીં એટલે બળી જાય છે અને લીકેજ ચાલુ થઈ જાય છે. બાદમાં સ્પાર્ક થાય એટલે આજુબાજુના વાયર બળવા લાગે છે. કેટલા ટકાવારીમાં ઈફિસિયન્સી હોય એ બધુ રૂટિન ચેકઅપ થતું હોય છે અને સર્વિસ પણ નિયમિત કરવી પડે છે. મારી સારવાર ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ચાલતી હતી. આગની ઘટના બાદ અમને ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ હું ઘરે જ આવી ગયો છું અને મારા પત્ની પણ કોરોનાગ્રસ્ત છે. બાકીના ઈન્જેક્શનના ડોઝ છે તે હું ઘરેથી જ લેવડાવી લઈશ.

ઉલ્લેખનીય છે કે, આ દર્દનાક ઘટના બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉદય શિવાનંદ હોસ્પિટલની માલિકી શિવાનંદ ટ્રસ્ટની છે અને તેના ટ્રસ્ટીએ દાવો કર્યો કે, તેઓ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે તૈયાર નહોતા. પરંતુ કલેક્ટરે દબાણ કરતા તેમને કોવિડના દર્દીઓની સારવાર શરૂ કરવી પડી.

 

You cannot copy content of this page