Only Gujarat

Gujarat

દીકરાને જોતા જ દોઢ વર્ષથી શોધતા પિતાની આંખમાં અશ્રુની ધારા વહી, સર્જાયા ભાવુક દ્રશ્યો

પૈસાની લાલચમાં એક નિષ્ઠુર જનેતાએ ત્રણ વર્ષના બાળકને વેચી દઈ પોતે પણ બીજા લગ્ન કરી લીધા. જેમાં લૂંટેરી દુલ્હને બીજા લગ્નમાં બાધારુપ પોતાના સગા ત્રણ વર્ષના માસૂમ પુત્રને માત્ર 40 હજાર રૂપિયામાં મુંબઈમાં વેચી દીધો. આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ ગોંડલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લીધા. પોલીસે આકાશ-પાતાળ એક કરીને છેક તામિલનાડુના કોઈમ્બતુર પાસેથી બાળકને શોધી લાવી સરાહનીય કાર્ય કર્યું છે. મમતા મરી પરવારી હોય તેવો કિસ્સો રાજકોટના ગોંડલમાં સામે આવ્યો છે.

ગોંડલ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયા(ઉ. વ. 34)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રૂપિયા અઢી લાખ આપીને જયશ્રી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે થયા હતા. જો કે આ સમયે રમાબેન કાંતિલાલ વ્યાસ (રહે ખોડીયાર નગર ગોંડલ), રજિયાબેન (રહે વિરપુર) અને સોનુ રાજેન્દ્ર પાઈકરાવ (રહે મહારાષ્ટ્ર)એ દલાલની ભૂમિકા ભજવી આ લગ્ન પાર પાડ્યા હતા. અજય અને જયશ્રીના લગ્નજીવનના દરમિયાન બાળકનો જન્મ થયો હતો. જો કે બાદમાં જયશ્રી ઉર્ફે પૂજાને વચેટીયો સોનું રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળકને સાથે લઈ ફરાર થઇ ગયા હતા. આ મામલે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલો હાઇકોર્ટમાં પહોંચતા શહેર પોલીસના પીઆઈ આઈ.એસ.એમ જાડેજાએ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસમાં જયશ્રીએ રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાતા પોલીસે મહિલા અને તેની પાસેથી વચેટિયાની માહિતી મેળવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે માત્ર રૂપિયા 40 હજાર રૂપિયામાં માસૂમ બાળક દિવ્યેશ (ઉંમર વર્ષ ૩)ને મુંબઈમાં વેચી દેવામાં આવ્યો હતો. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સીટી પીઆઈ આઈ.એસ.એમ જાડેજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પીએસઆઇ આર.ડી. ચૌહાણ, રાજદીપસિંહ ચુડાસમાને તપાસ માટે મુંબઇ રવાના કર્યા હતા. જ્યાં પોલીસને જાણવા મળ્યું કે બાળક તમિલનાડુના કોઇમ્બતુરથી 90 કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે છે. પોલીસ વિમાન મારફત તમિલનાડુ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઇ માસુમ બાળક પાસે પહોંચી હતી અને ગોંડલથી માસૂમ બાળકના પિતાને બોલાવી તેનો કબજો સોંપ્યો હતો.

છેલ્લા એક-દોઢ વર્ષથી પરિવારથી વિખૂટા પડેલો દિવ્યેશ પ્રથમ તેના પિતાને પણ ઓળખી શક્યો ન હતો. જો કે બાદમાં પિતા અજયભાઈએ તેને રમાડવાનું શરૂ કરતા તે પાસે આવ્યો હતો અને તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દીકરાને મળીને દોઢ વરસથી પત્ની અને બાળકને શોધવા દિવસ રાત એક કરી રહેલા અજયભાઇની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી થઇ હતી.

બીજી બાજુ પત્નીએ પોતાને છેતરી હોવાનું દુઃખ પણ હતું. પરંતુ તે દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કોઇમ્બતુરથી ગોંડલ પહોંચ્યા ત્યાં સુધી બાળકે કંઈ જ ખાધું ન હતું. જેને લઈ તેના પિતા ચિંતામાં મુકાયા હતા. જ્યારે પિતા-પુત્ર ઘરે પહોંચ્યા ત્યારે દિવ્યેશે પરિવારના અન્ય નાના બાળકો સાથે રમવા લાગતા પરિવારજનોએ રાહત અનુભવી હતી. ત્યારબાદ તેણે ભોજન પણ લીધું હતું. બાળકની સારસંભાળ હાલ તેના દાદીમા અને પરિવારજનો લઈ રહ્યા હોવાનું તેના પિતા અજયભાઈએ જણાવ્યું હતું. મહત્વનું છે કે પુત્રના જન્મ બાદ તા. 7-12-2019 ના જયશ્રી ઉર્ફે પૂજા પુત્ર દિવ્યેશને લઈ સોનુ સાથે નાસી ગઈ હતી અને બીજે લગ્ન કરવામાં માસુમ દિવ્યેશ નડતર થતો હોવાથી 40 હજાર રૂપિયામાં મુંબઇ વેચી દીધો હતો અને ફરી રાજકોટના યુવાનને ફસાવતા ભાંડો ફૂટ્યો હતો.

 

You cannot copy content of this page