Only Gujarat

FEATURED Gujarat

પત્નીને અફેર હોવાની પતિને હતી શંકા, યુગલે ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન

સુરત: ક્રોધ કે આવેશમાં માણસને ભાન નથી રહેતું કે પોતે શું કરે છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક યુવકે પત્ની સાથે ઝગડો થયા બાદ માત્ર એક વર્ષની બાળકીને બીજા માળેથી ફેંકી દીધી છે. જેના કારણે બાળકીને ગંભીર ઇજા પહોંચી છે અને વર્તમાન સમયે તેની હાલત ગંભીર છે. આ બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ યુવકે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી, જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો અને ક્રોધે ભરાયેલા યુવાને આ પગલું ભર્યુ છે.

ઘટના સુરતના સલાબતપુરા વિસ્તારના આવેલી માન દરવાજા નજીકની એક વસાહતની છે. ભાવિન સોનવણે નામનો આ યુવક પત્ની કિરણ (બદલાવેલું નામ) બેઠી કોલોની પાસેની એક વસાહતમાં રહેતો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક વર્ષની દિકરી છે. તેવામાં સોમવારે ભાવિન અને કિરણ વચ્ચે ઝગડો થયો. જોતજોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ અને ભાવિને પોતાની પત્નીને માર પણ માર્યો. જેના કારણે કિરણ પોતાના પિયર જવા માટે નીકળી ગઇ. આ સમયે તેમની એક વર્ષની દિકરી ઘરમાં સુતી હતી.

જેવી કિરણ પિયર જવા નીકળી કે તરત જ ઉશ્કેરાયેલા ભાવિને એક વર્ષની દિકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી. જ્યારે તે બાળકીને નીચે ફેંકી ત્યારે તે ઉંઘતી હતી. ત્યારબાદ બાળકીને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો બીજી તરફ કિરણે પોતાના પતિ સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાવ્યો છે. જો કે ભાવિન પોલીસના હાથમાં આવે તે પહેલા જ ફરાર થઇ ગયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઝગડાનું કારણ ભાવિને કરેલી શંકા હતી. ભાવિને પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી. પત્નીનું અન્ય કોઇ પુરુષ સાથે અફેર છે તેમ કહીને માર માર્યો. આટલેથી ના અટકતા ભાવિને આ દિકરી પણ તેની ના હોવાનું કહીને નીચે ફેંકી દીધી હતી. બાળકીની સારવાર કરનાર ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીની સ્થિતિ ઘણી નાજુક છે. બીજા માળેથી પટકાવાના કારણે તેના માથામાં ગંભીર ઇજાઓ થઇ છે. એક બાજુનુ અડધુ અંગ બરાબર કામ નથી કરતું, માથામા હેમરેજ પણ થયું છે અને શરીરમાં અન્ય જગ્યાએ પણ ઇજાઓ થઇ છે.

અન્ય મહત્વની વાત એ છે કે ભાવિન અને કિરણ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. કિરણ જ્યારે સગીર વયની હતી ત્યારથી જ ભાવિનને ઓળખતી હતી. કિરણ પુખ્ત વયની થતા જ બંને જણા ભાગી ગયા અને શિરડીમાં જઇને લગ્ન કરી લીધા. લગ્નના થોડા સમય બાદ ભાવિને કિરણને ત્રાસ આપવાનો શરુ કર્યો. પત્ની કિરણ પર ખોટી શંકાઓ શરુ કરી, તેને માર પણ મારતો. પરંતુ પ્રેમ લગ્ન કર્યા હોવાથી કિરણ કોઇને ફરિયાદ કરી શકતી નહોતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page