Only Gujarat

National TOP STORIES

દીકરાની સંભાળ રાખી, 10-12 કલાક સુધી અભ્યાસ કર્યો, અંતે એક માતા બની IAS

ગુરુગ્રામઃ આખા દેશમાં 10 મેના દિવસે રવિવારે મધર્સ ડે મનાવવામાં આવશે. માતાના ત્યાગ, સંઘર્ષ અને તેમણે કરેલા દરેક નાના-મોટા કામ જેનાથી આપણા કામ સરળ થઈ જાય છે, તેને સલામ કરવાનો આ દિવસ છે. માતાની મમતા અને ઉત્સાહને સલામ કરવા માટે મધર્સ ડે મનાવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે એક સ્ત્રી માતા બને છે ત્યારે તેનો જીવ બાળકમાં વસે છે. બાળકને કોઈ નખ પણ લગાવી દે તો માતાનું કલેજું બળી જાય છે. માતા બન્યા બાદ જાણે સ્ત્રીની દુનિયા સમેટાઈ જાય છે અને બાળક સિવાય કાંઈ બીજું નથી દેખાતું. બાળકની ભૂખ, રમત, નિંદર, તોફાન આ તમામમાં તેમને શાંતિ મળે છે.

પરંતુ હરિયાણાના એક ગામમાં એક માતાએ મમતાની સાથે સાથે પોતાના અધિકારી બનવાના સપનાને પણ બરાબર સમય આપ્યો. તેણે અધિકારીની ખુરશી સાથે બાળકને પણ પોતાનાથી દૂર ના કર્યો પરંતુ તેની દેખભાળ અને ઉછેર સાથે અભ્યાસ કરવાનું પણ નક્કી કર્યું. આ નિર્ણય કોઈ પડકારથી ઓછો નહોતો. આ ચેલેન્જને પાર કરીને ઘર, પરિવાર, બાળક અને પતિ સાથે અભ્યાસની જવાબદારી નિભાવીને અધિકારી બની.

મધર્સ ડે પર અમે તમને જણાવીશું એક માતાના રુપમાં યોદ્ધા જેવી અધિકારીની કહાની
બાળકની જવાબદારી નિભાવતા નિભાવતા યુપીએસસીની પરીક્ષા ક્લિઅર કરનાર આ હાઉસ વાઈફની સક્સેસ સ્ટોરી તમને વિચારવા પર મજબૂર કરી દેશે. માતાના રૂપમાં સ્ત્રી કેવી રીતે તમામ મુસીબતોને એકલા સહન કરી લે છે. આ કહાની પુષ્પા લતાની છે.

પુષ્પાનું જન્મસ્થાન હરિયાણાનો રેવાડી જિલ્લો છે. તે ગામમાં જ મોટી થઈ અને અભ્યાસ કર્યો. તેમના ગામમાં સ્કૂલ સારી નહોતી તો તેણે અંકલના ઘરે રહીને અભ્યાસ કર્યો. બીએસસી બાદ તેણે એમબીએ કર્યું. પછી તેણે બેંક ઑફ હૈદરાબાદમાં નોકરી કરી. 2011માં લગ્ન બાદ તે માનેસર આવી ગઈ અને ત્યાંથી યુપીએસસી એક્ઝામનું વિચાર્યું. તેમના ડૉક્ટર પતિએ પણ તેને સપોર્ટ કર્યો.

વર્ષ 2017માં UPSC સિવિલ સર્વિસની પરીક્ષામાં ઑલ ઈન્ડિયામાં 80મો રેન્ક મેળવ્યા બાદ પુષ્પા લતાએ હાઉસ વાઈફ હોવા છતા સખત મહેનત કરી આ મુકામ મેળવ્યો. પુષ્પાનો સંઘર્ષ ઓછો નહીં રહ્યો. એક તરફ તેણે બાળકો, સાસરિયા, પતિ અને પરિવારને સંભાળવાનો હતો અને બીજી તરફ પોતાના સપના માટે પણ તૈયારી કરવાની હતી.

પુષ્પાના લગ્ન નાની ઉંમરમાં થઈ ગયા હતા. લગ્ન કર્યા બાદ તે ઘર સંભાળવા લાગી હતી. લગ્ન બાદ તેને પણ સંબંધીઓના ટોણા સાંભળવા મળતા હતા કે સ્ત્રીઓ તો ઘરના કામ કરવા માટે જ હોય છે. ગામમાં પણ પુષ્પાને લોકોએ ખૂબ જ સંભળાવ્યું, પરંતુ તેણે તેના પર ધ્યાન ના આપ્યું. તેણે નક્કી કરી લીધું કે તે એક દિવસ જરૂર કાંઈક નવું કરશે.

લગ્ન બાદ તેમને બાળક પણ થયું. તે માતા બની તો તેમની દુનિયા બાળકની આસપાસ થઈ ગઈ. સાસરિયામાં પતિ, બાળક જેવી જવાબદારીમાં ઘેરાયેલી રહેતી પુષ્પા પહેલા પણ નોકરી કરતી હતી. પુષ્પા, સ્ટેટ બેંક ઑફ હૈદરાબાદમાં આસિસ્ટન્ટ મેનેજર હતી. પરંતુ પુષ્પાના ઈરાદા પહાડ જેવા મજબૂત હતા, તેમણે દીકરાની સંભાળ લેવા સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. યુપીએસસીની તૈયારી કરવા માટે તેણે વર્ષ 2015માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારથી જ સિવિલ સર્વિસનું પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. આ રીતે તે બંને કામ એક સાથે કરતા હતા.

પુષ્પાનું ડેઈલી રુટીન ખૂબ જ મુશ્કેલ હતું. સવારે ઉઠીને જમવાનું, ઘરના કામ અને નાના બાળકની જીદ અને દેખભાળ. આ બધું તે એકલી કરતી રહી અને સમય કાઢીને પુસ્તકો હાથમાં લેતી હતી. તેણે યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવા સાથે પોતાના સપનાને પણ સાચું કરી બતાવ્યું. તેમણે ફરી એક વાર એ કહેવત સાચી પાડી કે, સખત મહેનત, સમર્પણ અને દ્રઢતા સાથે કોઈ પણ લક્ષ્યને મેળવી શકાય છે.

ફુલ ટાઈમ હાઉસ વાઈફ પુષ્પાએ બીજા પ્રયાસમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. તેણે ઘરે બેઠા જ અભ્યાસ કર્યો અને પરીક્ષા ક્લિયર કરી. યુપીએસસીની તૈયારી કરનાર બાકી ઉમેદવારોની જેમ દિલ્લી જઈને ટ્યુશન લેવાનું વિચાર્યું હતું, પરંતુ પૈસાની તંગી અને બાળકની જવાબદારીના કારણે જાતે અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

તેણે પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ન લીધું. તે એટલા માટે કે તે દીકરાને એકલો નહોતી મુકવા માંગતી. તૈયારીના દિવસોમાં તેણે ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તો પણ સમય કાઢ્યો અને એક દિવસમાં 10 થી 12 કલાક અભ્યાસ કર્યો. પુષ્પા હંમેશા એ વાતમાં વિશ્વાસ કરતી હતી કે, જો આત્મવિશ્વાસ સાથે ચાહો તો, જે ઈચ્છો તે મેળવી શકો છો.

તેમના IAS બન્યા બાદ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પોતાની સફળતા અને મહેનતથી પુષ્પાએ સ્ત્રીઓને ઓછી આંકનારને પણ અરીસો બતાવ્યો છે. સાથે જ મમતા સાથે સમજૂતી ન કરવાનું ઉદાહરણ પણ આપ્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page