Only Gujarat

Gujarat

દીકરીના લગ્નની ખુશીમાં પિતાએ રામમંદિર નિર્માણમાં કર્યો 1.51 લાખનો ચાંદલો

સુરત: 500થી વધુ વર્ષોની તપસ્યા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે એ દિવ્ય ઐતિહાસિક કાર્યમાં લોકો પોતાની સગવડતા પ્રમાણે અનુદાન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક પિતાએ દિકરીના લગ્ન વખતે જ અયોધ્યા મંદિર માટે રૂપિયા 1.51 લાખનું દાન કરીને પુત્રીના લગ્ન પ્રસંગની ખુશીને બેવડી કરી દીધી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાંથી ઘણાં લોકો રામ મંદિર માટે દાન આપી ચૂક્યા છે.

સુરતના મોટા વરાછામાં રહેતા અને ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા રમેશભાઇ ભલાણીની મોટી પુત્રી દ્રષ્ટિનાં લગ્ન રવિવારે મોટા વરાછાનાં એક ફાર્મમાં યોજાયા હતા. લગ્ન પ્રસંગમાં અનેક વખત સામાજિક જાગૃતિ અભિયાનો સુરતમાં જોવા મળે છે પણ આ લગ્નમાં હિંદુત્વનું ચરમશીખર સમાન અયોધ્યા મંદિર અને મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામ માટેનો અપાર પ્રેમ જોવા મળ્યો હતો.

કન્યાના પિતા રમેશભાઈએ દિકરીના હસ્તે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિને રામ મંદિર નિર્માણમાં પોતાની નાનકડી હાજરી સ્વરૂપે રૂપિયા 1.51 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પુત્રીના હસ્તે જ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બડે ભાગ માનુષ તન પાવા… અને તેમાં પણ આપણી હયાતિમાં આ મહાન કાર્ય થવા જઇ રહ્યું છે.

અયોધ્યા એ હિન્દુત્વની આસ્થાનું કેન્દ્ર છે. 500થી વધુ વર્ષ બાદ આ ખુશી આવી છે અને એ સાથે દીકરીના લગ્નની પણ ખુશી છે. દીકરીના લગ્નની ખુશીમાં રામકાર્ય કરવાનો સહજ વિચાર આવ્યો અને અમલમાં મુકી દીધો હતો.

નોંધનિય છે કે, ગુજરાતમાંથી અયોધ્યા મંદિર માટે દાનની સરવાણી વહી રહી છે. અગાઉ મોરારિબાપુ દ્વારા 11 કરોડના દાન બાદ સુરતના ગોવિંદભાઇ ધોળકિયાએ પણ 11 કરોડની ધનરાશી અયોધ્યા મંદિર માટે અર્પણ કરી હતી. આ સિવાય નિર્માણ નિધિ સમિતિને નાનુ-મોટુ દાન આવી રહ્યું છે. રામ મંદિરમાં મારો પણ ફાળો એ ભાવનાથી લોકો યથાશક્તિ દાન કરી રહ્યા છે.

You cannot copy content of this page