Only Gujarat

FEATURED National

સચિન પાઈલટની લવ સ્ટોરીમાં આવી હતી અનેક અડચણો, પત્નીએ પિતા-ભાઈની વિરુદ્ધમાં જઈને કર્યાં હતાં લગ્ન

જયપુર, રાજસ્થાનઃ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે પોતાના જ પક્ષની સરકાર વિરુદ્ધ બગાવત કરી સૌને ચોંકાવ્યા હતા. જોકે તેમની નારાજગીના સંકેત અગાઉ મળી ચૂક્યા હતા. તેઓ પણ મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગે આગળ નીકળી રહ્યાં છે. સચિનને શાંત સ્વભાવના નેતા માનવામાં આવે છે. સચિનની રાજકરણમાં એન્ટ્રી તેમના પિતા રાજેશ પાયલટના આકસ્મિક નિધનના કારણે થઈ હતી. તેમને રાજકીય ગુર પોતાના સાસરીમાંથી શીખવા મળ્યા. તેમની પત્ની સારા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ફારુખ અબ્દુલ્લાહની દીકરી છે. તેમના ભાઈ ઉમર અબ્દુલ્લાહ પણ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યાં છે. જોકે સચિન અને સારાની લવ સ્ટોરી પણ અન્ય પ્રેમી પંખીડાની જેમ જોખમોથી ભરપુર રહી છે.

શિક્ષીત પરિવારો પણ પોતાના બાળકોના પ્રેમનો સરળતાથી સ્વીકાર કરતા નથી. અહીં પણ યુવક-યુવતીઓ માટે લગ્ન કરવા માટે ઘણા પડકારો રહેલા હોય છે. આવા જ પડકારોનો સામનો કરતા સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાહના લગ્ન થયા. સચિન અને સારા બંને પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. સચિનના સ્વ. પિતા રાજેશ પાયલટ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. જ્યારે સારા પિતા ફારુખ અને ભાઈ ઉમર અબ્દુલ્લાહ જમ્મુ-કાશ્મીરના રાજકરણમાં મજબૂત પકડ ધરાવતા હતા.

અમેરિકામાં અભ્યાસ દરમિયાન સચિન અને સારા એકબીજાને મળ્યા. અહીં જ તેઓ પ્રેમમાં પડ્યા. પરંતુ બંનેના પરિવારને તેની જાણ થતા જ ખળભળાટ મચ્યો હતો. કારણ કે, અહીં મુદ્દો હિંદુ-મુસ્લિમનો હતો. સચિન હિંદુ અને સારા મુસ્લિમ હોવાથી બંને પરિવારજનો લગ્નને ટાળવા માગતા હતા. બંને પરિવારોએ પોતાના બાળકોને સમજાવવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ માન્યા નહીં તથા 2004માં લગ્ન કરી લીધા.

7 સપ્ટેમ્બર 1977ના ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જન્મેલા સચિન પાયલટની લવ સ્ટોરી અમેરિકામાં શરૂ થઈ હતી. તે પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવા ગયા હતા. સારા પણ ત્યાં સ્ટુડન્ટ હતી. કોલેજના અભ્યાસ દરમિયાન સારા-સચિન નિકટ આવ્યા અને એકબીજાને દિલ આપી બેઠા. સારાને સચિન સાથે લગ્ન કરતા પહેલા ઘણી રાહ જોવી પડી. બંને ભારત આવ્યા બાદ ઈ-મેલ થકી એકબીજાના સંપર્કમાં હતા. તે પછી 15 જાન્યુઆરી 2004ના તેમણે લગ્ન કરી લીધા. આ લગ્નમાં સારાના ભાઈ અને પિતા સામેલ થયા નહોતા.

લગ્નના સમયે સારાના પિતા ફારુક અબ્દુલ્લા લંડનમાં હતા. જ્યારે ભાઈ ઉમર અબ્દુલ્લાહ દિલ્હીમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. જોકે સચિનના માતા અને તે સમયે દૌસાથી કોંગ્રેસના સાસંદ રમા પાયલટ હાજર હતા. આ લગ્ન તેમના દિલ્હી સ્થિત બંગલે જ થયા હતા. સમયની સાથે સારાના પરિવારે પણ બંનેને સ્વીકારી લીધા. આ કપલના 2 બાળકો છે. એક સમયે સચિન પાયલટ રાજકરણમાં નહોતા આવવા માગતા પરંતુ અમુક સ્થિતિને કારણે રાજકરણમાં આવ્યા હતા. આજે તે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ છે. જ્યારે સારા સામાજીક કાર્યકર છે.

એક ટીવી શોમાં સારાએ જણાવ્યું હતું કે, તે સચિનના પરિવારને બાળપણથી જાણે છે. બંને પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. આ જ કારણે બંને મળતા રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, સારા-સચિનના બંને દીકરા આરાન અને વિહાન ઘણીવાર જાહેરમાં માતા-પિતા સાથે જોવા મળે છે. સારા સામાજીક કાર્યકર હોવાની સાથે યોગા ઈન્સ્ટ્રક્ટર પણ છે.

You cannot copy content of this page