Only Gujarat

Bollywood

તમારા આ ફેવરિટ ટીવી સ્ટાર્સના સાચા નામ નહીં જ ખબર હોય એ નક્કી!

મુંબઈઃ બોલીવુડના સેલેબ્સથી લઈને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં નામ બદલવા અંગે લગભગ બધા જ જાણે છે. અભિનેતા દિલીપકુમાર, અક્ષય કુમારથી લઈને કિઆરા અડવાણી સુધી, ઘણા એવા બોલીવુડ સેલેબ્સ છે, જેઓ તેમના વાસ્તવિક નામથી નહીં પરંતુ ઓન-સ્ક્રીન નામથી જાણીતા છે. વર્ષોથી ઓન-સ્ક્રીન નામથી બોલાવાના કારણે લોકો તેમનું અસલી નામ ભૂલી ગયા છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમણે સારા નસીબ માટે તેમના નામ બદલ્યા છે. જેમાં રશ્મિ દેસાઇથી લઈને નિયા શર્મા જેવી આજની ટોચની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રશ્મિ દેસાઇઃ ‘ઉત્તરન’ સિરિયલથી ઘરે ઘરે જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈનું અસલી નામ દિવ્યા દેસાઈ છે. એક પ્રોફેશનલ ન્યુમરોલોજિસ્ટની સલાહ મુજબ તેણે નામ બદલીને રશ્મિ રાખ્યું. આજે તે ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે.

અનિતા હસનંદાની: ‘કભી સૌતન કભી સહેલી’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘કાવ્યાંજલિ’ જેવા શોથી લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અનિતા હસનંદાનીનું અસલી નામ નતાશા હતું. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેણે તેનું નામ અનિતા રાખ્યું હતું. આજે તે અનિતાના નામે જ લોકપ્રિય છે. યે હૈ મોહબ્બતેંમાં, અનિતાને શગુનની ભૂમિકામાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

કરણવીર બોહરાઃ લોકપ્રિય ટીવી અભિનેતા કરણવીર બોહરાનું અસલી નામ મનોજ બોહરા છે, જે ‘દિલ સે દી દુઆ’, ‘સૌભાગ્યવતી ભવ’, ‘શરારત’, ‘કુબૂલ હૈ’, ‘નાગિન 2’ જેવા શોમાં દેખાયા છે. કરણવીરનો જન્મ જોધપુરમાં થયો હતો. અહેવાલો અનુસાર કરણવીરના નાના, સુપરસ્ટાર મનોજ કુમારના ખૂબ મોટા ચાહક હતા, તેથી જ તેમણે કરણવીરનું નામ મનોજ રાખ્યું હતું. ત્યારબાદ, જ્યારે કરણવીરે કસૌટી જિંદગી કીથી ડેબ્યૂ કર્યું, ત્યારે તેણે તેનું નામ બદલ્યું હતું.

નિયા શર્માઃ ‘નાગિન’ ફેમ નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નેહાથી નિયા કરી લીધું હતું. આ પાછળનું કારણ એ હતું કે નેહા ખૂબ જ સામાન્ય નામ છે. પરંતુ નિયા માટેનું તેમનું બદલાયેલ સ્ટાઈલિશ નામ નસીબદાર સાબિત થયું અને આજે તે ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘જમાઈ રાજા’, ‘એક હઝારો મેં મેરી બહેના હૈ’, ‘કાલી’, ‘ઇશ્કમેં મરજાવાં’, ‘ખતરોં કે ખિલાડી’ જેવા શોમાં કામ કર્યું છે.

દલજીત કૌરઃ જો કે દલજીત કૌર હજી પણ દલજીત તરીકે જ જાણીતી છે, પરંતુ બે વર્ષ પહેલા 2018 માં, તેમણે પોતાનું હુલામણું નામ સત્તાવાર નામ તરીકે પણ જાહેર કર્યું હતું. દીકરા જેડન સાથે ફોટો શેર કરીને તેણે પોતાનું નામ દીપાને ઓફિશિયલ બનાવ્યું હતું. દલજીતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિવાળીના દિવસે જન્મ લેવાને કારણે તેનું નામ દીપા રાખવામાં આવ્યું હતું. જો કે, ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ દલજીત કૌર જ રાખ્યું.

રિદ્ધિમા તિવારીઃ ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા તિવારીએ પણ પોતાનું નામ શ્વેતાથી બદલીને રિદ્ધિમા રાખ્યું હતું. અહેવાલો અનુસાર રિદ્ધિમાને ઈન્ડસ્ટ્રીમાં તેના શરૂઆતના દિવસોમાં ઘણી સમસ્યાઓ થઇ હતી. આ સિવાય શ્વેતા નામ પણ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય હતું. આ જોઈને રિદ્ધિમાએ તેનું નામ શ્વેતાથી બદલવાનું નક્કી કર્યું. તેણે અંકશાસ્ત્રને અનુસરીને બદલ્યું હતું. રિદ્ધિમા ‘દો દિલ એક જાન’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘ગુલામ’ જેવા ઘણા હિટ શોમાં જોવા મળી છે.

ટિયા બાજપેયીઃ ‘ઘર કી લક્ષ્મી બેટીયાં’ ફેમ ટિયા બાજપેયીનું અસલી નામ ટ્વિંકલ બાજપેયી હતું. ઈન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા તેણે પોતાનું નામ ટ્વિંકલથી બદલીને ટિયા રાખ્યું હતું. તેણે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

You cannot copy content of this page