Only Gujarat

Gujarat

બે સગીર ભાઈઓ ઝગડ્યા, એકે બીજાને પથ્થર માર્યો, કૂવામાં ફેંકી પતાવી દીધો

મોબાઈલ ગેમ એક પછી એક અનેક લોકોનો ભોગ લઈ રહી છે. ગુજરાતમાં મોબાઈલ ગેમના કારણે વધુ એક દીકરાએ જીવ ગુમાવ્યો છે. ખેડા જિલ્લામાં મોબાઈલ ગેમ રમવા બાબતે એક સગીર પિતરાઈએ બીજા સગીરની હત્યા કરી નાખી છે. ગેમ બાબતે ગુસ્સે ભરાયેલા પિતરાઈએ બીજાની પિતરાઈની માથામાં બોથડ પદાર્થનો ઘા મારી દીધી હતો. બાદમાં મોત થયું છે એવું માની બેભાન સગીર ભાઈના હાથ-પગ બાંધી તેને કૂવામાં ફેંકી દીધો હતો.

હચમચાવી દેતા કેસની વિગત મુજબ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના ગોબલજ ગામે ગત તારીખ 22મી મેના રોજ બે પિતરાઈ મોબાઈલ પર ગેમ રમતા હતા. આ સમયે ગેમ રમવાનો વારો બીજા ભાઈનો આવતા તેણે મોબાઈલ ફોન આપવાની ના પાડી દીધી હતી. જે બાદમાં ગુસ્સે ભરાયેલા પિતરાઈએ બીજાની પિતરાઈની માથામાં બોથડ પદાર્થનો ઘા મારી દીધી હતો.

માથામાં બોથડ પદાર્થનો ઘા મારતા સગીર બેભાન થઈ ગયો હતો. જે બાદમાં હુમલો કરનાર પિતરાઈએ એવું માની લીધું હતું કે તેનું મૃત્યું થઈ ગયું છે. બાદમાં તેના હાથ-પગ તારથી બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો. કૂવામાં પડતાં તેનું મૃત્યું થયું હતું.

બાદમાં પરિવારે મૃતકની શોધખોળ આદરી હતી. જોકે, કોઈ પત્તો ન લાગતા પરિવારે ખેડા ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતા એક પિતરાઈ ભાઈએ જ બીજા પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો હતો. અહીં એક વાત નોંધવી રહી કે મરણજનાર સગીર છે અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ સગીર છે.

આ અંગે પોલીસ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ બનાવમાં ફરિયાદનો પુત્ર અને કાયદામાં સંઘર્ષમા આવેલો બાળક મોબાઇલમાં ગેમ રમતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં એક બાળકે બીજાના માથામાં પથ્થર મારી દીધો હતો. પથ્થર વાગવાને કારણે બાળક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદમાં હુમલો કરનાર બાળક ડરી ગયો હતો. આથી તેણે પોતાના પિતરાઈને મૃત હોવાનું માની લઈને તેના હાથ અને પગ તારથી બાંધી દીધા હતા. બાદમાં તેને કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ પૂછપરછમાં બાળકે પિતરાઈને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કર્યા બાદ તપાસ કરતા બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.

You cannot copy content of this page