પાણીની પાઈપમાં છુપાવ્યા હતા લાખો રૂપિયા, થોડી વારમાં થઈ ગયો રૂપિયાનો ઢગલો

કર્ણાટકના એક જુનિયર એન્જિનિયરને ત્યાં દરોડો પાડતાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે, ACBને રૂપિયા 54 લાખની રોકડ મળી છે. ACBની ટીમની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે આ રૂપિયા ડ્રેનેજની પાઈપમાં સંતાડેલા હતા. રૂપિયા સંતાડનાર સરકારી અધિકારીનું નામ શાંતા ગૌડા છે, જે PWDનો જુનિયર એન્જિનિયર છે. ACBએ કલબુર્ગી સ્થિત ઘરે દરોડો પાડી રોકડ સહિતની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.

ડ્રેનેજની પાઈપમાંથી રૂપિયા નીકળ્યા
ડ્રેનેજની પાઈપ કાપી તો પાણી નહીં પરંતુ 500-500ની કડકડતી નોટો નીકળવા લાગી. નોટો પણ એટલી નીકળી કે, એક પછી એક બાલદીઓ ભરાવા લાગી. રૂપિયાનો ઢગલો થયો પણ પાઈપલાઈન ખાલી થઈ નહીં. આખરે પાઈપમાંથી રૂપિયા કાઢવા માટે ACBની ટીમે પ્લમ્બર્સની મદદ લેવી પડી. પ્લમ્બર્સ અને ACBના કર્મચારીઓ બારીની છાજલી પર ચઢી ગયા અને પાઈપ કાપવા લાગ્યા. અને જોતજોતામાં જ 13 લાખ રૂપિયાની નોટોનો ઢગલો થઈ ગયો.

બોલિવૂડ ફિલ્મ ‘ચોક્ડ’ની યાદ તાજી થઈ
અનુરાગ કશ્યપની આ ફિલ્મ નોટબંધીથી પ્રેરિત છે. જેમાં એક કાળાબજારિયો નેતાજીના બેનામી રૂપિયાને પાણીની ટાંકીમાં સંતાડતો હતો. આ જ રૂપિયાને કારણે નીચે રહેતા પરિવારની પાણીની લાઈન ચોક્ડ થઈ જાય છે.

પાણી બંધ થઈ જતાં પરિવાર પાઈપની તપાસ કરે છે, આ સમયે પાણીની પાઈમાંથી રૂપિયાની થોકડીઓ નીકળે છે. PWDના જુનિયર એન્જિનિયર સાંતા ગૌડાની આ જ મોડસ ઓપરન્ડીએ ‘ચોક્ડ’ની યાદ અપાવી છે.

કર્ણાટકમાં ACBએ રાજ્યવ્યાપી દરોડા
મહત્ત્વનું છે કે, આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ કર્ણાટકમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. ACBની ટીમોએ બુધવારે 15 જેટલા અધિકારીઓના લગભગ 60 જેટલા ઠેકાણાઓ પર ત્રાટકી હતી. દરોડાની આ કાર્યવાહીમાં ACBએ મોટી માત્રામાં સોનું, રોકડ અને બેનામી સંપત્તિના દસ્તાવેજ જપ્ત કર્યા છે.

You cannot copy content of this page