Only Gujarat

Gujarat

ઈસ્કોન અકસ્માત કેસ: નવ લોકોને કચડનાર તથ્ય પટેલને ઘટનાસ્થળે મળવા આવેલી યુવતી કોણ હતી?

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા કાર અકસ્માતમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આરોપી તથ્ય પટેલે જગુઆર કાર હેઠળ નવ લોકોને કચડ઼્યા હતા. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ તથ્ય પટેલ સાથે કારમાં સવાર તેના મિત્રો નાસી છૂટ્યા હતા. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અકસ્માતના થોડીવાર પછી તેની એક ફ્રેન્ડ મોંઘીદાટ કાર લઈને ઘટના સ્થળ પર આવી હતી. બ્રિજ બંધ હોવા છતાં તે ઘટનાસ્થળ પર જવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે પોલીસે તેને અટકાવી હતી તેમ છતાં તે જવાની જીદ કરી રહી હતી. ત્યારે પોલીસે તેને જવા પાછળનું કારણ પૂછતા તે ભાગી ગઇ હતી. જો કે, હજી એ સામે આવ્યું નથી કે, તે યુવતી કોણ હતી અને ઘટના સ્થળ પર શું કરવા આવી હતી?

ઘટના બાદ શું કરવા આવી હતી યુવતી?

આ અંગે એક્સપર્ટ્સનું માનવું છે કે, અકસ્માતની ઘટનામાં આરોપી અચુકપણે ગુનાના સ્થળે એક વખત મુલાકાત લે જ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાસ્થળેથી કાર લઈને નીકળ્યા બાદ તે યુવતી ફરી તેના મિત્રોને મળી હતી અને એક ટી-સ્ટોલ પર બિન્દાસ્ત કોફી પીતી જોવા મળી હતી અને સવારે 4 વાગ્યે ઘરે આવી હતી.

અકસ્માતના વીડિયોની પણ તપાસ થશે

નોંધનીય છે કે અકસ્માત બાદ એફએસએલ સહિતની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માત તેમજ તથ્ય પટેલની કારના વીડિયો FSLને મોકલાયા હતા. જેની તપાસ કરીને રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે એક જ અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરવાની સાથે કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે, પરંતુ હજી કેટલાય રિપોર્ટ આવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. જેથી તપાસમાં ક્યાંક ઢીલ આપવામાં આવી રહી હોવાનું લાગી રહ્યું છે.

ટ્રાફિક પોલીસની તપાસમાં ઢીલ કેમ?

આમ આ કેસમાં ટ્રાફિક પોલીસની તપાસ ગોકળગતિએ ચાલતી હોવાથી ઉચ્ચ અધિકારીઓ પણ રોષે ભરાયા હતા. એટલું જ નહીં, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ગાંધીનગર અમદાવાદ કમિશનર કચેરી આવવું પડ્યું અને ખુદ આરોપી તથ્ય પટેલની પૂછપરછ કરવી પડી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડીજીપીએ અકસ્માતની તપાસ કરતી કમિટીને કહ્યું કે, તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. આ ઉપરાંત ડીજીપીએ તમામ અધિકારીઓ સામે કડક અવાજે તપાસ યોગ્ય રીતે અને ઝડપથી કરવાનું કહીને ખખડાવી નાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અકસ્માત કેસમાં મજબૂત પુરાવા એકઠા કરવા માટે પોલીસે એફએસએલના અધિકારીઓને સાથે રાખીને ગાડીની હેડલાઈટ પ્રકાશ અને બ્રિજની લાઈટ અંગે તપાસ કરી રહી છે. સાથે સાથે સમગ્ર ઘટનાની ટાઈમલાઈનને સેટ કરીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અકસ્માત થયેલી થાર કારને રસ્તામાં મૂકીને બ્રિજને બંધ કરીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આ પહેલા ઘટનાના બીજા દિવસે પણ તથ્ય પટેલ અને તેના બાપ પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને અડધા કલાકમાં જ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

You cannot copy content of this page