દુબઈના ઝગમગાટ પાછળની હકીકત, બદતર જિંદગી જીવે છે ભારતીયો

દુબઈ: માણસ સારા ભવિષ્ય માટે એક દેશથી બીજા દેશ જાય છે. ઘણા ભારતીયો અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા વિકસીત દેશોમાં જઈને ડૉલરમાં અઢળક પૈસા રળે છે. પણ બધાના નસીબમાં આવું હોતું નથી. ઘણા એવા લોકો પણ હોય છે કે જે નાછૂટકે ઠીક-ઠાક પૈસા આપતાં દેશમાં જઈને નોકરી કરે છે, પણ અહીં એ લોકોની જિંદગી બદતર બની જાય છે. આવા જ એક દેશની વાત કરીએ તો સંયુક્ત આરબ અમિરાતની રાજધાની દુબઈમાં અમુક ભારતીયો નર્ક સમાન જિંદગી જીવે છે. જોકે જે લોકો ઉચ્ચ ડિગ્રી લઈને દુબઈ નોકરી કરવા જાય છે એમની લાઈફ ખૂબ સારી હોય છે. 8 ડિસેમ્બરને ઈન્ટરનેશનલ માઈગ્રેટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આવો નજર કરીએ દુબઈમાં ભારત સહિત અન્ય દેશોમાંથી આવેલા લોકોની જિંદગી તરફ…

દુબઈ નોકરી-ધંધે ગયેલા લોકોના પરિવારજનો અને સંબંધીઓને તો એવું લાગે છે કે તેઓ ત્યાં એશ-આરામની જિંદગી જીવતા હશે, પણ ખરેખરમાં તેમની જિંદગી ત્યાં અલગ જ હોય છે. ઈરાનના ફોટોગ્રાફર ફરહાદ બેરહમેને થોડાં વર્ષો પહેલાં દુબઈના સોનપુરમાં રહેતાં મજદૂરોની અમુક તસવીરો ખેંચી હતી. આ સિવાય અન્ય ફોટોગ્રાફરે પણ તસવીરો ખેંચીને બહાર પાડી હતી. જે તમારો દુબઈ વિશેનો ભ્રમ ભાંગી નાખશે. આ સિવાય બહારના દેશોથી આવેલા મજૂરો પાસે ખૂબ જ ઓછા પૈસામાં કલાકો સુધી કામ કરાવવામાં આવે છે, તેમની હાલત ખૂબ જ દયનીય હોય છે. દુબઈના સોનપુરમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીનના લાખો મજૂરો રહે છે. ફોટોગ્રાફરે અહીંની તસવીરો ખેંચી હતી.

સોનપુરમાં કેમ્પમાં એક જગ્યા પર બધા જમવાનું બનાવે છે. આ માટે નાંખવામાં આવેલી ગેસની પાઈપ જોખમી બની શકે છે. નાની એવી ભૂલથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. દુબઈમાં ઘણા મજૂરોના પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે. ગંદકી વચ્ચે રહેવા મજુરો મજબૂર બને છે. અહીં ભારતીય મજૂરોની જિંદગી ખૂબ ખરાબ રીતે પસાર થાય છે.

અહીં મજૂરોએ એક નાની ઓરડીમાં ઘણા લોકો વચ્ચે રહેવું પડે છે. સખત ગરમીમાં પણ તેમણે 14 કલાક કામ કરવું પડે છે. ઘણી વખત તો ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચી જવા છતાં કામ કરવું પડે છે. મહેનતના બદલામાં ખૂબ જ ઓછું મહેનતાણું મળે છે. જેમાંથી મોટાભાગનો હિસ્સો તે પોતના ઘરે મોકલે છે. વધેલા પૈસામાંથી ઘરનું ભાડુ અને પોતાના ખાવા-પીવાનો ખર્ચ કાઢે છે. સોનપુરમાં ભરાતા માર્કેટમાં તેમને સસ્તી શાકભાજી મળી જાય છે, નહીંતર દુબઈના બાકીના ભાગોમાં મળતી શાકભાજીના ભાવ તેમના સેલેરી કરતાં પણ વધુ હોય છે. બહારથી ઝગમગાટ ભરેલી જિંદગીની લાલચમાં લોકો અહીં આવે છે, પણ ઘણા લોકો દુબઈની સચ્ચાઈ જાણ્યા પછી અફસોસ કરે છે .