Only Gujarat

National TOP STORIES

ચીનને ટક્કર આપવા માટે ભારતની સાથે આવ્યો આ દેશ, બંને દેશોએ સાથે મળીને હિંદ મહાસાગરમાં કર્યું આ કામ

ટોક્યો: ભારત-ચીન સાથેના સીમા વિવાદ અને વર્તમાન સ્થિતિમાં બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. લદ્દાખ સરહદે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પોતાની વિસ્તારવાદી નીતિના કારણે પાડોશી દેશો સાથે ચીનના સંબંધ ખરાબ થઈ રહ્યાં છે અને તે એશિયામાં ચારેય બાજુથી ઘેરાઈ રહ્યું છે. લદ્દાખ સરહદના વિવાદ બાદ તણાવ ચરમસીમાએ છે, બીજી તરફ પૂર્વીય ચીન સાગર (ઈસ્ટ ચાઈના સી)માં ટાપુઓ મુદ્દે ચીન અને જાપાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

એવામાં ચીનની વિસ્તારવાદી નીતિ વિરુદ્ધ ભારત-જાપાન સાથે આવ્યા છે. બંને દેશની નેવીએ હિંદ મહાસાગરમાં ચીનના વધતા જોખમનો સામનો કરવા માટે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ અંગે જાપાન નેવીએ ટ્વિટ કરતા લખ્યું કે, 27 જૂનના જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના JS KASHIMA અને JS SHIMAYUKIએ ભારતીય નેવીના INS રાણા અને INS કુલીશ સાથે હિંદ મહાસાગરમાં એક અભ્યાસ કર્યો. યુદ્ધાભ્યાસ થકી ભારતીય નેવી સાથે મળી જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સે પોતાની સમજ અને સહયોગને વધાર્યું છે.

જાપાની યુદ્ધવાહક જહાજે ચીની સબમરીને હાંકી કાઢીઃ એક રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જાપાની યુદ્ધવાહક જહાજે એક ચીની સબમરીનને પોતાના વિસ્તારમાંથી હાંકી કાઢી હતી. અમુક દિવસ અગાઉ દક્ષિણી જાપાનમાં ઓકિનાવા ટાપુ પાસે 24 સમુદ્રી માઈલના અંતરમાં જાપાની યુદ્ધવાહક જહાર કાગાએ ચીની સબમરીનને શોધી કાઢી હતી. જે પછી જાપાની નેવીએ પોતાના પેટ્રોલિંગ એરક્રાફ્ટની મદદથી સબમરીનને પોતાના જળક્ષેત્રમાંથી હાંકી કાઢી હતી. આ અગાઉ 2018માં પણ જાપાને પોતાના જળક્ષેત્રમાંથી ચીની સબમરીનને શોધી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ચીન સાગરમાં સ્થિત ટાપુઓ મુદ્દે બંને દેશોમાં વિવાદ છે. ચીન અને જાપાન બંને આ ટાપુઓ પર દાવો કરે છે. આ ટાપુઓને જાપાનમાં સેનકાકુ અને ચીનમાં ડિયાઓલ ઈન ચાઈનાના નામે ઓળખવામાં આવે છે. 1972થી આ ટાપુઓ પર જાપાનનો કબજો છે. બીજી તરફ ચીન આ ટાપુઓને પોતાના વિસ્તારમાં ગણાવે છે. આ અગાઉ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ ટાપુ પર કબજો મેળવવા માટે સૈન્ય કાર્યવાહી કરવા માટેની ધમકી જાપાનને આપી ચૂક્યું છે.

ઘણા દેશ સાથે વિવાદમાં છે ચીનઃ ચીનની વિસ્તાવાદી નીતિના કારણે તેના તમામ પાડોશી દેશો સાથે કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ચીનનો ભારત, જાપાન, તાઈવાન, હોંગકોંગ, ફિલિપિન્સ, મલેશિયા, ઈન્ડોનેશિયા સહિતના દેશો સાથે વિવાદ છે. આ ઉપરાંત દક્ષિણ ચીન સાગરમાં પણ બળજબરીપૂર્વકના કબજાઓને કારણે વિવાદ છે. ચીને ગત રવિવારે સાઉથ ચાઈના સીના 80 સ્થળોનું નામ બદલી નાંખ્યું. જેમાં 25 આઈલેન્ડ અને રીફ્સ છે. જ્યારે 55 સમુદ્ર નીચેના ભૌગોલિક સ્ટ્રક્ચર છે. આ ચીનનો સમુદ્ર પર કબજાનો સંકેત છે, જે 9-ડૈશ લાઈનથી કવર્ડ છે. આ લાઈન ઈન્ટરનેશનલ લૉ અનુસાર ગેરકાયદે છે. આ કારણે જ અમેરિકાએ ચીનની ખતરનાક યોજનાને જોતા યુરોપથી સૈનિકોને હટાવી આ વિસ્તારમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

You cannot copy content of this page