Only Gujarat

FEATURED National

ભારત બનાવી રહ્યું છે કોરોનાવાઈરસની રસી, નાકથી આપવામાં આવશે

હૈદરાબાદઃ કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ રસી તૈયાર કરવામાં આવી રહી છે. જેથી લોકોને ભયાનક બીમારીથી બચાવી શકાય. આ રસીની ખાસ વાત એ છે કે તમે તેને ઈન્જેક્શનના માધ્યમથી શરીરમાં નહીં લગાવો. ન તો તેને પોલિયોના ટીપાની જેમ પીવાની રહેશે. તેને અલગ જ રીતે શરીરની અંદર પહોંચાડવામાં આવશે.

હૈદરાબાદમાં આવેલા ભારત બાયોટેકે કોરોફ્લૂ નામની રસી બનાવી રહ્યં છે. કોરોના વાયરસના ઈલાજ માટે બનાવવામાં આવેલી આ રસી શરીરમાં સિરિંજથી દાખલ કરવામાં આવશે નહીં. આ રસીના એક ટીપાને પીડિતના નાકમાં નાખવામાં આવશે.

આ રસીનું આખું નામ છે-કોરોફ્લૂઃ વન ડ્રૉપ કોવિડ-19 નેસલ વેક્સીન. કંપનીનો દાવો છે કે આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કારણ કે આ પહેલા પણ ફ્લૂ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી.

ભારત બાયોટેકે યૂનિવર્સિટી ઑફ વિસ્કૉન્સિન-મેડિસિન અને ફ્લૂજેન કંપની સાથે કરાર કર્યા છે. આ ત્રણેયના વૈજ્ઞાનિકો મળીને આ રસી વિકસાવી રહ્યા છે. કોરોફ્લૂ વિશ્વ વિખ્યાત ફ્લૂની દવા એમ2એસઆરના આધાર પર બનાવવામાં આવી રહી છે. જેને યોશિહિરો કાવાઓકા અને ગેબ્રિએલ ન્યૂમેને સાથે મળીને બનાવી હતી. જે ઈન્ફ્લૂએંઝા બીમારીની દવા છે.

આ દવા જ્યારે શરીરમાં જાય છે ત્યારે તે ફ્લૂની સામે લડવા માટે એન્ટીબૉડીઝ બનાવે છે. આ વખતે યોશિહિરો કાવાઓકાએ એમ2એસઆર દવામાં કોરોના વાયરસનું જીન સીકવન્સ પણ ઉમેરી દીધું છે.

એમ2એસઆરના આધાર પર બનનારી કોરોફ્લૂ દવામાં કોવિડ-19ના જીન સીકવન્સ મેળવવાથી આ દવા હવે કોરોના સામે લડવા માટે સક્ષમ થઈ ગઈ છે. એટલે કે જ્યારે આ દવા કોઈને શરીરમાં દાખલ કરવામાં આવશે ત્યારે તેના શરીરમાં કોરોના વાયરસની સામે એંટીબૉડી બની જશે.

કોરોફ્લૂના કારણે બનેલા એન્ટીબૉડીઝ કોરોના વાયરસ સામે લડવામાં તમારી મદદ કરશે. ભારત બાયોટેકના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ડૉ રૈશેસ એલાએ જણાવ્યું કે, અમે ભારતમાં આ રસીનું ઉત્પાદન કરીશું. તેનું ક્લિનિકલ ટ્રાયલ કરીશું. પછી અહીં જ 300 મિલિયન ડૉઝ બનાવવામાં આવશે.

આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ હજી બાકી છે. કંપની માણસો પર તેનું ટ્રાયલ 2020ના અંત સુધીમાં શરૂ કરશે. ત્યાં સુધી તેનું પરીક્ષણ લેબમાં જ ચાલતું રહેશે. એમ2એસઆર ફ્લૂનો વાયરસ છે. જેમાં એમ2 જીનની ખામી હોય છે. જેનાથી કોઈ પણ વાયરસ શરીરની કોશિકાઓને તોડીને નવો વાયરસ નથી બનાવી શકતો. એટલે જ આ દવાનો આધાર ખૂબ જ સફળ રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page