Only Gujarat

Gujarat

ઘરની લાડલી દીકરી હતી ગ્રીષ્મા, જેના પર હાથ મૂકે એ લઈ આપતા પિતા

લાડલી દીકરીની ઘાતકી હત્યાથી વેકરિયા પરિવાર શોકમાં છે. બધાની માનીતી ગ્રીષ્માના નિધનથી વેકરિયા પરિવાર ભાંગી પડ્યો છે. ગઈકાલે ઘસમાં હસતી ખેલતી ગ્રીષ્મા આજે આ દુનિયા નથી એ માનવું પરિવાર માટે મુશ્કેલ છે. ગ્રીષ્માની યાદમાં પરિવાર હીબકેને હીબકે રડી રહ્યો છે. પરિવાર ફુલ જેવી દીકરીના વખાણ કરતો થાકતો નથી. ઘરકામ કરવાની સાથે ઘરે છૂટક કામ કરીને પરિવારને મદદ કરતી દીકરી હયાત નથી એ વાત કોઈના ગળે ઉતરતી નથી. પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં ગીષ્મા વિશે જે વાતો કરી એ તમને રડાવી દેશે.

ગ્રીષ્માના ફોઈ રાધાબેન રીંકુંભાઈએ જણાવ્યું કે, અમે ગંગા જેવી પવિત્ર દીકરી ગુમાવી છે. ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. બહાર ગામ જતી તો પણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. ઘટનાના દિવસે કહ્યું હતું ફોઈ આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ચૌટાપુલ જવાનું છે મારે ચપલ અને બુટ્ટી અને કપડાં મુકવાની નાની બેગ લેવાના છે આવશો ને.

વધુમાં જણાવ્યું હતું કે ડ્રોઈંગની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે મોંમાં સ્વાદ રહી જતો હતો. પીઝા અને સેન્ડવીચ એ પણ ચીઝવાળા તો એને ખૂબ જ ભાવતા હતા. પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખુબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કૂર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી. બધે જ સમય સર પહોંચવાનું અને જ્યાં પહોંચ્યા બાદ તરત ફોન પર પહોંચી ગઈ હોવાની જાણ કરતી સંસ્કારી છોકરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈ અને ગ્રીષ્માના પિતા એક સાચા સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા હતા. રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયો માટે ઘાસ કાપવા જતા, ગાયોને ઘાસચારો નાખ્યા બાદ ઘરમાં પક્ષીઓને ખોરાક આપી કામે જતા હતા. દીકરીની નિર્મમ હત્યા સાંભળી એમનું તો હૃદય કપાઈ ગયું છે. આફ્રિકાથી આવવા નીકળી ગયા છે આજે રાત્રે મુંબઈ આવી જશે અને કાલે સવારે મંગળવારે સુરત આવી જશે, ત્યારબાદ જ ગ્રીષ્માની અંતિમવિધિ કરાશે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની સવારે જ આફ્રિકાથી પિતાના આવેલા ફોન પર વીડિયો કોલિંગ પર વાત કરી હતી. પિતાએ ગ્રીષ્માને કહ્યું પણ હતું કે તારી મમ્મીને કામ કરવા દે તું સાસરી ચાલી જશે પછી ઘરકામ કોણ કરશે. ભાઈ કહેતા હતા મારી દીકરી જ્યા સુધી ભણવા માગે છે ત્યાં સુધી હું ભણાવીશ, પરિવારને છોડી આટલા હજારો કિલોમીટર દૂર કોના માટે કમાવવા આવ્યો છું. હું મારી દીકરીના ધામ ધૂમથી લગ્ન કરાવીશ. પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકે એ વસ્તુ અપાવતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ફોઈની સાથે બધી જ વાત શેર કરતી ને કહેતી ફોઈ મને સોનાનું બ્રેસલેટ લેવું છે મેં એને કહ્યા વગર બ્રેસલેટ લીઘું હતું બસ એને ગિફ્ટ આપવાનો સમય જોતી રહી ને એ સમય પહેલા જ અમને છોડી ને રડતા મૂકી જતી રહી ભગવાન આટલો કઠોર પણ હોય શકે એ ખબર નહોતી.

વર્ષાબેન અશોકભાઈ કાનાણી (મામી) એ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે જન્મ દિવસની ઉજવણી અમારી સાથે કરી હતી. માથામાં તાજ પહેરી ને ઉજવણી કરી હતી. એવી તૈયાર થઈ હતી કે બસ આખું કુટુંબ ગ્રીષ્માને પરી હે તું કહીને જ બોલાવતું હતું. એવું કહેતી કે મારા પપ્પાને મેં મહિનામાં આફ્રિકાથી આવવા દો પછી નૈનિતાલ અને કેરેલા ફરવા જવાની છું, 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી. તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોમ પણ ભર્યું હતું રોજ સવારે 4 વહે ઉઠી ને તૈયારી પણ કરતી હતી. એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ એને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી. મામીના બ્યુટી પાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી. તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. બધી જ આવડત હતી.

દીકરીની હત્યાથી અજાણ માતા જાગે અટલે રાડો પાડે છે
વધુમાં જણાવ્યું હતું કે આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. બસ ભાઈની આવવાની રાહ જોઈ રહ્યા છે. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

You cannot copy content of this page