Only Gujarat

Gujarat

પતંગની દોરીએ ઘરમાં એકમાત્ર કમાનાર યુવકનું મોત, 8 વર્ષની દીકરી થઈ ગઈ ગુમસુમ

રાજકોટમાં પતંગની દોરીએ ઘરમાં કમાવનાર એકના એક દિકરાનો ભોગ લીધો છે. અરેરાટીભરી ઘટનામાં એક 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. શહેરના અંકુરનગર મેઇન રોડ પર યુવાન એક્ટિવા પર જતા હતા. ત્યારે પતંગની દોરી ગળામાં ફસાતા નાક અને ગળામાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. અંતે તરફડીને તેમનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણિયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરુ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઊતરી ગઈ હતી.

ગળાના ભાગે દોરી વીંટળાઈ જવાના કારણે તેઓ એક્ટિવાના હેન્ડલ પરથી કાબૂ ગુમાવે છે અને ત્યારબાદ તેઓ રસ્તા પર પડી જાય છે. ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી, જેથી બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતા. જોકે કારીગરને નજીવી ઇજા થઇ હતી અનેવિપુલના નાક અને ગળામાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. પતંગની દોરીએ દિકરો છિનવી લીધો. અન્ય લોકોએ ઉતરાયણ પર તકેદારી રાખે તેવી અમારી અપીલ છે. વિપુલભાઈના કાકાએ વધુમાં જણાવ્યું હતું કે, વિપુલ મિસ્ત્રીકામ કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો. લોકડાઉન અને કોરોનાને કારણે ઘરનું ગુજરાન પણ માંડમાંડ ચાલી રહ્યું હતું.

વિપુલને આઠ વર્ષની દીકરી છે. પિતાના અવસાનને કારણે તે નોધારી બની ગઈ છે. આવી કરૂણ ઘટના ભગવાન બીજા કોઇના ઘરમાં ન દેખાડે તેવી પ્રાર્થના છે. મિસ્ત્રીકામમાં પણ મંદી હોવાથી પરિવાર જેમ તેમ કરીને ઘર ચલાવી રહ્યો હતો.

You cannot copy content of this page