Only Gujarat

FEATURED National

પ્રોફેસરે પરિણીત મહિલાના ગળામાં રહેલા મંગળસૂત્રને ગણાવ્યું કૂતરાની ચેન સાથે, થયો વિવાદ

પણજીઃ ગોવાના લૉ કોલેજની એક આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ જાણી જોઈને ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ કેસ દાખલ કરવામા આવ્યો છે. રાષ્ટ્રીય હિંદુ યુવા વાહિનીની ગોવા એકમના રાજીવ ઝાએ આસિસ્ટન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજીવ ઝાએ પોતાની ફરિયાદમાં શિલ્પા સિંહની એક પોસ્ટને આધાર બનાવ્યો હતો. ફરિયાદ અનુસાર, શિલ્પા 21 એપ્રિલના પણજીમાં વીએમ સિલગાવકર કોલેજ ઓફ લૉમાં પોલિટિકલ સાયન્સ ભણાવી રહી હતી. આ સમયે શિલ્પાએ પિતૃસત્તા અને સિદ્ધાંતોને પડકારતા મંગળસૂત્રની તુલના કૂતરાંના ગળાની ચેન સાથે કરી હતી.

રાજીવ ઝાએ કહ્યું હતું,‘પ્રોફેસર શિલ્પા સિંહ મારી ફેસબુક ફ્રેન્ડ નથી. પરંતુ મારા 20-25 જેટલા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ તેની લિસ્ટમાં છે. એબીવીપીની ફરિયાદ બાદ મેં તેમની 21 એપ્રિલની ફેસબુક પોસ્ટ જોઈ અને હું રોષે ભરાયો હતો. હું 28 ઓક્ટોબરે પણજી પોલીસ પાસે ગયો અને લેખિત ફરિયાદમાં શિલ્પાએ સાર્વજનિક માફી મંગાવવા કહ્યું. તે સમયે પોલીસે કંઈ જ ના કરતા મે બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. જો પ્રોફેસર શિલ્પાને કોઈ ધર્મ અંગે અલગ વિચાર છે તો તેમણે વિચારોને પોતાના સુધી જ સિમિત રાખવા જાઈએ. આમ સોશિયલ મીડિયા પર શેર ના કરવા જોઈએ. કારણ કે તેના લિસ્ટમાં રહેલા અને ફોલો કરતા ઘણા લોકોની લાગણીઓ આ કારણે દુભાય છે.’

રાજીવે જણાવ્યું કે,‘જ્યારે અમે શિલ્પા વિરુદ્ધ ફરિયાદ કરી તો શિલ્પાએ અમારી પર જ ધમકી અને અપમાનિત કરવાનો કેસ કરી દીધો. હું સીધો લૉ કોલેજ જઈ શકતો હતો અને કાર્યવાહીની માંગણી કરી શકતો હતો. જોકે મે આમ ના કર્યું.’

શિલ્પાએ પછીથી માફી માંગી હતી. તેમણે લખ્યું કે,‘જે મહિલાઓને તેમની વાતોથી દુઃખ થયું, તેમની હું માફી માંગુ છું.’ બીજી તરફ શિલ્પા સિંહે કથિત રીતે પોલીસ સુરક્ષાની માગ પણ કરી છે. તેના મતે 30 ઓક્ટોબર બાદથી રાજીવ ઝા તરફથી કરવામા આવેલી અપમાનજનક પોસ્ટ બાદથી તેને ધમકીના મેસેજ મળી રહ્યાં છે. એબીવીપીએ લૉ કોલેજમાં ફરિયાદ કરી અને ધાર્મિક લાગણીઓ દુભાવનાર અને ઘૃણાસ્પદ વિચારો રાખતા હોવાના કારણે શિલ્પાને પદ પરથી હટાવવાની માગ કરી હતી. જોકે કોલેજે આ મુદ્દે કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો. એબીવીપી આરએસએસની સ્ટુડન્ટ વિંગ છે, રાજીવે જણાવ્યું કે, તેમને એબીવીપીના કેસ અંગે ખબર હતી, પરંતુ તેમણે શિલ્પા વિરુદ્ધ વ્યક્તિગત રીતે ફરિયાદ નોંધાવી હતી.

You cannot copy content of this page