ક્રૂર વહુએ સાસુને ઝૂડી નાખી, પતિની નજર સામે આ બનતું રહ્યું ને એ કંઈ ના બોલ્યો

હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક ઘરમાં કળિયુગી વહુએ તેની બીમાર સાસુને લાફા ઝીંકી દીધાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસે આ અંતે શનિવારે બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અંશુ જિંદલે પોલીસને જણાવ્યું કે, તે મકાનમાં ઉપરના માળે રહે છે. જ્યારે વહુ-દીકરા સહિત પહેલા માળે રહે છે. વૃદ્ધા બીમાર હોવાને લીધે તેમનાથી કામ થતું નથી. એટલે દીકરાને કામ કરવા માટે કામવાળી રાખવા માટે કીધું હતું. આ વાત પર વહુ કવિતા ગુસ્સે થઈ ગઈ અને મારઝૂડ કરવા લાગી હતી. શુક્રવારે મોડી સાંજે પોલીસ સ્ટેશન આવેલાં વૃદ્ધાનું કહેવું છે કે, મારઝૂડમાં તેમના ચહેરા અને શરીર પર ઈજા થઈ છે. ઘણી જગ્યાએ સૂજી પણ ગયું છે. તે પહેલાંથી જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સહિતની બીમારીઓનો શિકાર છે.


‘તમે મને કેમ મારી, હવે હું આને મારીશ’
વીડિયોમાં જોઈ શકાય છે કે, કવિતા નામની મહિલા પોતાના પતિને કહી રહી છે કે, ‘તમે મને કેમ મારી, હવે હું આને મારીશ.’ પતિનું કહેવું છે કે, ‘ગેરવર્તન કરવું યોગ્ય નથી, પણ મહિલા માનતી નહોતી આ પછી તેણે પોતાની સાસુને લાફા ઝીંકી દીધા હતાં.’ આ દરમિયાન ઘરમાં હાજર બાળકોનો રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.


આરોપી વહુએ પણ પોતાની સાથે મારઝૂડ થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રએ કહ્યું કે, ‘આ મામલે વીડિયો અને મળેલી ફરિયાદને આધારે તપાસ ચાલી રહી છે. તેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.’