Only Gujarat

Gujarat

ગુજરાતના ગામડામાં રહેતા એક પિતાનો વ્હાલી દીકરીને પત્ર, વાંચ્યા બાદ તમને જરૂરથી થશે ગર્વ

મારી લાડકી દીકરી,

બેટા, તને ભણવા માટે શહેરમાં મૂકી પણ તારી ગેરહાજરીથી આખું ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણ કે મારી લાડકડીને મારે ઊંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ન કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મૂકી છે. બેટા, અમદાવાદની કાર દુર્ઘટના બાદ શહેરમાં રહીને ભણતી છોકરીઓ વિષે જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું; એટલે આજે તને કાગળ લખવા બેઠો છું.

મારી ઇચ્છા હતી કે, હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખું, જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચું કહું તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા, કારણ કે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતાં તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છૂટ આપી કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે અને મોડી રાત સુધી હોટલોમાં પાર્ટી કરે છે. ભણવામાં ઓછું અને મોજમજામાં વધુ ધ્યાન આપે છે. આવા બધા સમાચારો વાંચ્યા પછી પણ મારા પેટનું પાણી હલતું નથી કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે કે ગામડામાંથી શહેરમાં આવેલી છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે. બેટા, ગામડામાં આપણે ભલે સાવ નાના મકાનમાં રહેલા હોઇએ, પણ આબરુ બહુ મોટી છે. સારા સારા કપડાં, મોબાઇલ, બાઇક કે કારમાં ફરવા માટે સંસ્કારો સાથે સમજૂતી કરી લેતી છોકરીઓની વાતો સાંભળીને પણ મને કંઇ જ થતું નથી; કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

હમણા એક ભાઈ વાત કરતા હતા કે, ‘હું એક હોટલમાં રોકાયો હતો. મેં ત્યાં સગી આંખે જોયું કે એક કલાકમાં 7 છોકરા છોકરીની જોડી હોટેલમાં આવી અને રીશેપ્શન પરથી એને આસાનીથી રુમ પણ મળી ગયો. આ બધા જ છોકરા-છોકરીઓ કોલેજમાં ભણનારા હતા. છોકરીઓ મોઢું ન દેખાય જાય એટલે મોઢા પર ચૂંદડી બાંધીને આવતી હતી.’ મેં આ વાત તારી બાને કરી તો એ ઢીલી થઇ ગઇ પણ મને કાંઇ ના થયું કારણ કે મને મારી લાડકી પર પુરો વિશ્વાસ છે.

થોડા દિવસ પહેલા ટીવીમાં એક સમાચાર આવતા હતા કે, આજકાલ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં દેખાય છે, એના કરતા કાફેમાં વધુ દેખાય છે. કોઇને કોઇ બહાનાથી વારંવાર જાત-જાતની અને ભાત-ભાતની પાર્ટીઓ થાય છે અને ઘણીવખત તો મોડી રાત સુધી આવી પાર્ટી ચાલ્યા કરે છે. ટીવીમાં તો એવું પણ બતાવતા હતા કે, છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ સિગારેટ પીવા લાગી છે. તારો મોટોભાઇ મને કહે, “પપ્પા, બહેન તો ભણવામાં ધ્યાન આપતી હશે ને?” મેં કહ્યું, “આપણે દિવસ-રાત કેવી કાળી મજૂરી કરીને એને ભણાવીએ છીએ, એ તારી બહેન સારી રીતે જાણે છે.” ટીવીના આ સમાચાર પછી ઘણા મા-બાપ વિચારે ચડ્યા હશે; પણ મને કંઇ ના થયું કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

હજુ ગઇકાલે જ તારી બા મને કહેતી હતી કે, “આપણી શેરીમાં રહેલી પેલી છોકરી શહેરમાં ભણીને આવી છે. ડીગ્રી તો મળી ગઇ પણ ભણવાને બદલે હરવા-ફરવામાં રહી એટલે જ્ઞાનના અભાવે હવે નોકરી મળતી નથી. હવે એના લગ્નની વાત ચાલે છે પણ એને તો શહેરમાં જે જીવન જોયું અને જીવ્યું એવો જ છોકરો જોઇએ છે. પણ લાયકાત અને હેસિયત વગર એવો છોકરો તો ક્યાંથી મળે ? એટલે એના મા-બાપને બહુ ચિંતા થાય છે.” તારી બાને પણ કદાચ તારી બાબતમાં આ જ ચિંતા હશે એવું લાગ્યું; પણ મને કોઇ જ ચિંતા નથી કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

બેટા, આપણા ગામમાં શાકભાજી વેંચતા પેલા પશાકાકાને તું ઓળખે છે ને ? એની દીકરીને પશાએ પેટે પાટા બાંધીને ભણવા માટે મોટા શહેરમાં મોકલેલી. ગયા અઠવાડીએ એ છોકરીએ બીજા કોઇ રખડું છોકરા સાથે લગ્ન કરી લીધા. પશાને બિચારાને જાણ પણ ના કરી. આ તો છાપામાં બંનેના ફોટા આવ્યા ત્યારે ખબર પડી. પશો રોઇ રોઇને અડધો થઇ ગયો. આ વાત સાંભળી ત્યારે મને એક સેકન્ડ માટે તારો ચહેરો દેખાયો પણ પછી તરત જ મનમાંથી વિચાર કાઢી નાંખ્યો કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે.

બેટા, કાગળ થોડો લાંબો લખ્યો છે, એટલે તને વાંચવામાં તકલીફ પડી હશે, એ માટે મને માફ કરજે. બેટા, તને હાથ જોડીને એક જ વિનંતી કરુ છું કે, તને આપેલી સ્વતંત્રતા, સ્વચ્છંદતા ન બની જાય એ જોજે. મારી અને આપણા પરિવારની આબરુ તારા હાથમાં છે, એનું ધ્યાન રાખજે. હું હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ. પણ બેટા, મારો વિશ્વાસ તૂટવા નહીં દેતી. એવું કંઇ ન કરતી કે, બીજા કોઇ મા-બાપ એની દીકરીને ભણવા માટે શહેરમાં મોકલવાનું માંડી વાળે. બેટા, પરિવારની આબરુની સાથે સાથે ગામડાની અસંખ્ય હોશિયાર દીકરીઓનું ભવિષ્ય પણ તારા હાથમાં છે એ યાદ રાખજે.

લી. સપનામાં પણ તારા જ સુખનો વિચાર કરતો
તારો પિતા.

સૌજન્ય – શૈલેષસ સગપરિયા

You cannot copy content of this page