Only Gujarat

Gujarat

પોલીસમાં હાજર થઈને દેવાયત ખવડે કહ્યું- સમય આવશે ત્યારે…

રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ. પોલીસ દેવાયત ખવડને લઈને જતી હતી ત્યારે મીડિયાને જોઈને તે હસવા લાગ્યો હતો.

મયૂરસિંહે તટસ્થ તપાસની માગ કરી
મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ PMO સુધી મયૂરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.

દેવાયત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના પોલીસમાં નોંધાયેલા છે
પોલીસ પકડે નહીં એ માટે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળનો ઉલ્લેખ કર્યો છે. દેવાયત ખવડ સામે 3 જેટલા ગુના નોંધાયા હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં છે. જેમાં 2015માં ચોટીલામાં મારામારીના ગુનામાં દેવાયત ખવડ વિરુદ્ધ IPC કલમ 325 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 2015માં મૂળી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થશે.

ક્ષત્રિય સમાજ તો સત્યાગ્રહ પર બેસવાની તૈયારી કરતો
હુમલાની ઘટનાનો આજે 10મો દિવસ છે અને દેવાયત ખવડ સામેથી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. એક સમયે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. ગઇકાલે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માગ કરી હતી. તેમજ ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે સત્યાગ્રહ પર બેસવા વિચારી રહ્યા છીએ.

આટલા દિવસે પણ કોઈ પોલીસ કાર્યવાહી નહીં
દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મયૂરસિંહ ઉપર હુમલો થયો એને આટલા બધા દિવસો વીતી ગયા પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. તેમની ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એેવી માગ કરી હતી. જો આવી ને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે. લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે એવું અમને દેખાઇ છે.

ભોગગ્રસ્તના પરિવારને તટસ્થ તપાસની ખાતરી આપી છેઃ DCP
જોકે ક્ષત્રિય સમાજની રજૂઆત બાદ DCP ઝોન 2 સુધીરકુમાર દેસાઇએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. દેવાયત ખવડનાં આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરાઇ છે. તેની સાથે સંકળાયેલા લોકોનાં પણ નિવેદન લેવામાં આવ્યાં છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ નંબર પર ટેક્નિકલ સેલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે.

દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો
મયૂરસિંહ રાણાના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મયૂરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયૂરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. લોકસાહિત્યકાર હોવાથી ગુજરાતમાં ખુલ્લેઆમ ફરે છે. આ જગ્યાએ અન્ય સામાન્ય કોઈ માણસ હોય તો પોલીસ તેને પકડી કાયદાનું ભાન કરાવી દે છે.

દેવાયતે માર્જિન છોડ્યા વગર મકાનનું બાંધકામ કર્યું
મયૂરસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દેવાયતના ગુજરાતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે ગાઢ સંબંધ છે, એટલે કોઈ ને કોઈ પડદા પાછળ તેને સાથ આપી રહ્યું છે. જે લોકોએ હાલ દેવાયતને આશરોઆપ્યો હોય તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેમજ મયૂરસિંહના પરિવારને ન્યાય મળે એવી અમારી માગણી છે. દેવાયત શેરીમાં આવતી-જતી મહિલા અને યુવતીઓની પણ પજવણી કરતો હોય છે, પરંતુ સારા ઘરની મહિલાઓ ફરિયાદ કરતી નથી. દેવાયતના મકાનનું બાંધકામ પણ માર્જિન છોડ્યા વગર કરવામાં આવ્યું છે. દેવાયતને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખૂબ સવલતો આપવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ઘા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

મયૂરસિંહે પોલીસને બે મહિના પહેલાં અરજી કરી હતી
આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતાં નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે’ તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ.’ આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.

દેવાયત ખવડ પોલીસ સાથે નિકટ સંબંધ ધરાવે છે
ડાયરા ગજવતા દેવાયત ખવડ દ્વારા મયૂરસિંહ રાણા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો એના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસસૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં ઢીલાશ રાખી એ પણ મોટો સવાલ ઊઠ્યો છે.

દેવાયત ખવડને અગાઉ કીર્તિ પટેલ સાથે વિવાદ થયો હતો
દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મૂળીદૂધઈ ગામનો વતની છે. આ જ ગામમાં તેણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેના પિતા દાનભાઈ ખવડ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળપણથી દેવાયત જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીને સાંભળતો હતો અને તેમની પ્રેરણાથી જ તે લોકસાહિત્યકાર બન્યો હતો. દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ ગુંજે છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં હરહંમેશ એક સંવાદ બોલે છે. એમાં બે વર્ષ પૂર્વે તેણે ‘રાણો રાણાની રીતે હો’ સંવાદ ડાયરા દરમિયાન બોલ્યો હતો અને આ સંવાદને કારણે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં સપડાયો હતો.

You cannot copy content of this page