Only Gujarat

Gujarat

કદાવર પાંદડા પર તરે છે પ્રમુખ સ્વામીની પ્રતિમા, જુઓ અભિભૂત કરતી તસવીરો

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુઓ છે, જેમાં દરેકમાં કોઈ ને કોઈ સંદેશો આપવામાં આવ્યો છે, જેમ કે ગ્લો ગાર્ડનમાં મુકાયેલી વસ્તુઓ સૂચવે છે કે જીવનમાં પ્રકૃતિથી લઈ સાયન્સ, બધું જ અગત્યનું છે. નગરમાં મુકાયેલાં ચિહ્નો ભક્તિ અને શ્રદ્ધા શીખવે છે. ભવ્ય પ્રમુખ સ્વામીનગરમાં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ મંદિરની આજુબાજુ નાનાં સરોવર છે અને એમાં આ પાન તરી રહ્યાં છે.

પહેલી નજરે એવું લાગે કે આ પાન પ્લાસ્ટિકનાં હશે, ખોટાં હશે, પણ એવું નથી. આ પાન સાચુકલા છે અને વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી લાવવામાં આવ્યાં છે. આ પાનને સંસ્કૃતમાં કમળપત્ર કહે છે, પણ કમળની ઘણી બધી પ્રજાતિમાંની આ સૌથી મોટી પ્રજાતિ ‘વિક્ટોરિયા એમેઝોનિકા’ છે. આ છે તો કમળનાં જ પાન, પણ એમેઝોનના જંગલમાં જ ઊગતા આ કદાવર પાન પ્રમુખ સ્વામીનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

એક પાન 35થી 40 કિલો વજન ઉપાડી શકે
આ પાન પોતે તો કદાવર જ છે, પણ એના કદ કરતાં અનેકગણું વજન ઉપાડી શકે છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દિલ્હીના અક્ષર મંદિરની પ્રતિકૃતિની આજુબાજુ નાનાં સરોવર બનાવાયાં છે અને ત્યાં આ વિક્ટોરિયા એમેઝોનિકાનાં વિશાળ પાન તરે છે.

સંધ્યા સમયે એક પાન ઉપર ભગવાન સ્વામિનારાયણ અને એક પાન ઉપર પ્રમુખ સ્વામીની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી હતી. આ દૃશ્ય જોઈને સૌ અભિભૂત થઈ જતા હતા. આ પાન ખાસ એમેઝોનનાં જંગલોમાંથી સંભાળીને લાવવામાં આવ્યાં છે. એમેઝોનનું જંગલ આઠ દેશમાં ફેલાયેલું છે.

એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે
વિક્ટોરિયા એમેઝોનિકા એ ફૂલોના છોડની એક પ્રજાતિ છે, જે વોટર લિલી ફેમિલી Nymphaeaceaeનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. તે ગુયાનાનું રાષ્ટ્રીય ફૂલ છે. વિક્ટોરિયા એમેઝોનિકાના પાન 10 ફૂટના ઘેરાવા સુધીના હોય છે, જે પાણીની સપાટી પર ડૂબી ગયેલી દાંડી પર તરે છે.

આમ તો આ પાનની લંબાઈ 26 ફૂટ સુધી વિસ્તરે છે અને એનાકોન્ડા જેવા તોતિંગ સાપ આ પાનની નીચે વસવાટ કરે છે. વિક્ટોરિયા એમેઝોનિકા એમેઝોનનાં જંગલોમાં એમેઝોન નદીના તટપ્રદેશના છીછરા પાણીમાં ઊગે છે. વિક્ટોરિયા એમેઝોનિકા પ્રજાતિનું કમળનું ફૂલ સંપૂર્ણ ખૂલતાં બે દિવસનો સમય લાગે છે.

આ ફૂલ પણ 16 ઈંચ વ્યાસનાં થાય છે. રાત્રિના સમયે ફૂલ ગંધ ઉત્પન્ન કરવાનું બંધ કરે છે અને એ બંધ થઈ જાય છે. આ પાનની દાંડીઓ જ એની સૌથી મોટી ખાસિયત છે. એક પાન એક દાંડીના આધારે નથી હોતું. પાનની ગોળાઈ મુજબ પાનની નીચેના ભાગે કરોળિયાના જાળાની જેમ દાંડીઓ ગોઠવાયેલી હોય છે.

આખું પાન એની ઉપર ઊભું છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે. એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે એટલે કીટકો અને માછલીઓ આ પાનની દાંડીને પાણીની નીચેથી કોતરીને ખાઈ શકતાં નથી.

You cannot copy content of this page