Only Gujarat

National

દેશના માત્ર 2 રાજ્યમાં જ અને વરસાદના 2 મહિના માટે જ મળે છે આ મોંઘીદાટ શાકભાજી

નવી દિલ્હીઃ દેશની સંભવત સૌથી મોંઘી શાકભાજી માત્ર શ્રાવણ મહિનામાં જ વેચાય છે. એ પણ દેશના માત્ર 2 રાજ્ય ઝારખંડ અને છત્તિસગઢમાં જ વેચાય છે. માત્ર બંને સ્થળોએ આ શાકભાજીને અલગ નામ ઓળખવામાં આવે છે. આ શાકભાજી ખુખડી છે. જેની કિંમત 1200 રૂપિયા કિલો છે. જોકે બજારમાં આવતાની સાથે જ આ શાકભાજી ધડાધડ વેચાઈ જતી હોય છે. આ શાકભાજીમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળે છે.

છત્તિસગઢમાં તેને ખુખડી કહે છે, જ્યારે ઝારખંડમાં તે રુગડા નામે ઓળખાય છે. આ બંને જ મશરુમની એક જાત છે. આ શાકભાજી ખુખડી (મશરુમ) છે, જે કુદરતી રીતે જંગલમાં ઉગે છે, આ શાકભાજીને 2 દિવસની અંદર જ બનાવી આરોગી લેવી પડે છે, નહીંતર તેના બગડી જવાનો ડર રહે છે. છત્તિસગઢના બલરામપુર, સૂરજપુર, સરગુજા સહિત ઉદયપુર પાસેના કોરબા જીલ્લાના જંગલમાં વરસાદના દિવસોમાં કુદરતી રુપે ખુખડી નીકળે છે.

2 મહિના સુધી ઉગતી ખુખડીની માંગ એટલી વધારે હોય છે કે જંગલમાં રહેતા ગામવાસીઓ તેનો સંગ્રહ કરી રાખે છે. છત્તિસગઢના અંબિકાપુર સહિતના શહેરી વિસ્તારોમાં વચેટીયાઓ ઓછા દામમાં ખરીદી તેને 1000 થી 1200 રૂપિયે કિલો વેચે છે. સિઝનમાં દરરોજ અંબિકાપુરથી બજારમાં આ શાકભાજીનો 5 ક્વિન્ટલ જેટલો જથ્તો આવતો હોય છે.

ખુખડી એક પ્રકારનો મશરુમ છે. ખુખડીની બીજી ઘણી જાત પણ છે. લાંબા દાંડીવાળા સોરવા ખુખડીની ડિમાન્ડ સૌથી વધુ રહે છે. તેને બોલચાલની ભાષામાં ભૂડ ખુખડી કહે છે. ભૂડ એટલે ઉધઈ દ્વારા બનાવવામાં આવેલ ઘર, જ્યાં આ શાકભાજી વરસાદી સિઝનમાં ઉગે છે. આ શાકભાજી શરીરમાં ઈમ્યુનિટી વધારે છે.

શ્રાવણના પવિત્ર મહિનામાં ઝારખંડના મોટાભાગના લોકો ચિકન-મટન ખાવાનું એક મહિના માટે બંધ કરી દે છે. એવામાં અહીં સુદૂર વિસ્તારોમાંથી આવતી ખુખડી ચિકન તથા મટનનો મજબૂત વિકલ્પ બની જાય છે. માત્ર ચિકન-મટનની સરખામણીઓ વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે છે. રાંચીમાં 700-800 રૂપિયે કિલોના ભાવે તે વેચાય છે. શાકભાજી ઉપરાંત તેનો ઉપયોગ દવા માટે પણ કરાય છે.

એવું મનાય છે કે, વરસાદી વાતાવરણમાં વિજળી પડવાને કારણે ધરતી ફાટે છે અને તેના કારણે સફેદ રંગની ખુખડી તેમાંથી બહાર આવે છે. પશુપાલન કરતા લોકો ખુખડીને ઝડપથી ઓળખી લેતા હોય છે અને તેઓ સારી રીતે જાણતા હોય છે કે આ શાકભાજી કયા વિસ્તારમાં સૌથી વધારે ઉગશે.

You cannot copy content of this page