Only Gujarat

National

દિલ્હીના જીબી રોડ પરના રેડલાઇટ એરિયાની રૂપજીવીનીઓનું આવું હોય છે જીવન

આપણા સભ્ય કહેવાતા સમાજના ભદ્રલોકો અવારનવાર સવાલ પૂછતા હોય છે કે રેડલાઇટ એરિયાની બદનામ ગલીઓમાં થોડા રૂપિયા માટે પોતાનો દેહ વેચતી છોકરીઓ ક્યાંથી અને કઈ રીતે આવે છે. પરંતુ કોઈ જાણવાનો પ્રયાસ સુદ્ધાં નથી કરતું તે આમાંથી ઘણી છોકરીઓએ પોતાનું ઘર છોડીને સામે ચાલીને વેશ્યાવાડાના સરનામે આવવું પડે છે. રાજધાની દિલ્હીના જીબી રોડના રેડલાઇટ એરિયામાં કામ કરતી વેશ્યાઓને મળીને તેમની દર્દનાક જીવનકથા જાણવાનો પ્રયાસ કર્યો. અલબત્ત, આજે આ રોડનું નામ ‘શ્રદ્ધાનંદ માર્ગ’ થઈ ગયું છે.

નીચે દિલ્હીની ધમધમતી બજારની કોઈ જર્જરિત ઇમારતની સાંકડી સીડીઓ ચડીને પહેલા, બીજા કે ત્રીજા માળે જઇએ, તો ખુલ્લા વરંડા, હરોળબંધ ઓરડાઓ અને તેની બહાર મુકાયેલાં સ્ટૂલ. આ સ્ટૂલ પર પોતાનો ‘વારો’ આવવાની રાહ જોઇને બેઠેલા પુરુષ ગ્રાહકો. આ બધું આપણને દેખાય. ક્યારેક ગ્રાહકની રાહમાં બેઠેલી યુવતી પણ દેખાય. અમુક યુવતીઓ ‘કોમન રૂમ’ તરીકે ઓળખાતા થોડા મોટા ઓરડામાં પણ બેઠી હોય.

દિલ્હીનો જીબી રોડ વેશ્યા વ્યવસાય માટે બદનામ છે. ત્યાંના કોઠા નંબર 64માં કામ કરનારી લક્ષ્મી પોતાની સૂની, વિવશ આંખોથી અને લાચાર અવાજમાં કહે છે, ‘હું છેલ્લાં 10 વર્ષથી જીબી રોડના આ કોઠામાં રહું છું. ચેન્નઈમાં મારાં લગ્ન થયેલાં અને પતિનું અવસાન થયું ત્યારે મારા પર 4 બાળકોનાં પેટ ભરવાની જવાબદારી હતી. ગામડે કામ કરતી તો આખો દિવસ તનતોડ મહેનત કર્યા પછી માંડ 50 રૂપિયા મળતા. એમાં બાળકોનું પેટ કઈ રીતે ભરવું? આખરે મારે દેહ વેચવા માટે અહીં આવવું પડ્યું.’ બોલીમાં દક્ષિણ ભારતીય છાંટ અને શુદ્ધ હિન્દીમાં બોલતી લક્ષ્મીને મળીને દેખાઈ આવે કે પાછલા એક દાયકામાં દિલ્હીએ એને ઘણું બધું શીખવી દીધું છે.

‘બાળકોને ખબર નથી કે હું શરીર વેચું છું’
પિતાની છત્રછાયા અને પતિનો સથવારો ગુમાવી ચૂકેલી આ સ્ત્રી ભીની આંખે કહે છે, ‘મારે પિયર-સાસરું બધું જ છે, પરંતુ મારી મદદ કોઇએ ન કરી. મારા પિતા પણ કેન્સરની બીમારીમાં મૃત્યુ પામ્યા. પતિ હાર્ટ અટેકમાં જતા રહ્યા. બાળકોને ખબર નથી કે હું વેશ્યા વ્યવસાયમાં છું. એમને એવું જ છે કે હું દિલ્હીમાં કચરા-પોતાંનું કામ કરું છું. મારી માતાને ખબર છે કે હું દિલ્હીમાં દેહ વેચવાનો ધંધો કરું છું. માતા પણ ઘરડી અને બીમાર છે, એટલે એ પણ હકીકત જાણતી હોવા છતાં કશું કરી શકે તેમ નથી.અહીં જીબી રોડ પરથી જેટલી કમાણી થાય છે તેમાં હું મારાં બાળકોને સાચવી શકું છું. મારે બે ભાઈ છે, પણ એમાંથી કોઇએ મારી મદદ કરી નહીં. અરે, એ લોકોએ તો મારી ઘરડી માતાને પણ સાચવી નહીં. એને સાચવવાની જવાબદારી પણ મારા શિરે જ છે.’

ખોબા જેવડા આ ઓરડાનું ભાડું મહિને બે હજાર રૂપિયા
‘અમે કોઠાવાળીઓ અમારાં શરીર વેચીને કોઠાનું ભાડું ભરીએ છીએ. ખોબા જેવડા આ ઓરડાનું ભાડું મહિને બે હજાર રૂપિયા હોય છે. ‘ઇદ્દી અમ્મા’ નામની માથાભારે સ્ત્રી મહિનામાં એકવાર આવે છે અને અમારી પાસેથી ભાડું વસૂલી જાય છે. જ્યાં સુધી તે આવતી નથી, ત્યાં સુધી હું ભાડું ભેગું કરું છું. એ આવે એટલે બધી રકમ ઊસેટી જાય. લૉકડાઉન પછી અમારી હાલત ઓર ખરાબ થઈ ગઈ છે. એટલે ઘણા મહિનાઓનું ભાડું ચડી ગયું છે. ‘ઇદ્દી અમ્મા’ મુંબઈમાં રહે છે. આખા લૉકડાઉનમાં એ આવી નહીં, હવે જોઇએ ક્યારે આવે છે. ઇદ્દી અમ્મા એક કલાક માટે અહીં આવે છે અને અમને પૂછે છે કે અમને અહીંયા કોઈ પ્રોબ્લેમ છે કે કેમ. પ્રોબ્લેમ હોય તો અમે અહીંથી જઈ શકીએ છીએ. કોઈ જબરદસ્તી નથી.’

‘આ કોઠો અમારું પ્રાણી સંગ્રહાલય છે’
આ કોઠાના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી 30 વર્ષની જયપ્રદા કહે છે, ‘અમારામાંથી કોઇને અહીં ખાસ કોઈ મુશ્કેલી નથી. અમારા પર કોઈ નિયંત્રણો નથી. અમે જે કોઠામાં ઇચ્છીએ ત્યાં રહી શકીએ છીએ. આ જ તો અમારું પ્રાણી સંગ્રહાલય છે. આજે અહીં તો કાલે ત્યાં.’ મધ્ય પ્રદેશથી આવેલી જયપ્રદા કહે છે, ‘ઘરે મમ્મી છે. પપ્પા હયાત નથી. બે બાળકો છે. થાયરોઇડની દવા ચાલે છે. મારે આજે દવા લેવા જવાનું છે.’

સ્ત્રીઓ ઇચ્છતી ન હોવા છતાં બદનામ ગલીઓમાં રહેવું પડે છે
ભારતમાં દેહ વેપારને કાયદેસરની માન્યતા પ્રાપ્ત છે. પરંતુ સાર્વજનિક સ્થળો પર વેશ્યાવૃત્તિ, વેશ્યાલય ચલાવવું કે દલાલી કે પછી હોટેલમાં વેશ્યાવૃત્તિ ચલાવવી એ બધું પ્રતિબંધિત છે. આ કોઠાઓમાં કામ કરતી મોટા ભાગની સ્ત્રીઓએ પોતાનાં ઘરે એવું જ કહેલું છે કે તેઓ કચરા-પોતાં કરવાનું કે રસોઇયણનું કામ કરે છે. પરંતુ આ કમનસીબ સ્ત્રીઓ ઇચ્છતી ન હોવા છતાં પણ શહેરની બદનામ ગલીઓમાં રહે છે, દેહ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને સરવાળે સમાજ તરફથી ગંદી સ્ત્રીનું ટેગ લઇને ફરે છે. ખરેખર આમાં ગંદું કોણ અને કોણ તેમને ‘ગંદી’ બનાવે છે તેના જવાબ આપણે સૌએ શોધવાના છે.

You cannot copy content of this page