Only Gujarat

FEATURED International

આ હર્બલ ટીને કોરોનાવાઈરસની દવા ગણવામાં આવી રહી છે, આ દેશોએ દવાનો કર્યો ઓર્ડર

નવી દિલ્હીઃ એક તરફ જ્યાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો કોવિડ-19નો ઈલાજ શોધી રહ્યા છે તો બીજી તરફ તાન્ઝાનિયા અને કાંગો જેવા દેશોમાં લોકો એવું કહી રહ્યા છે કે, એક ‘હર્બલ ડ્રિંક’થી કોરોનાવાઈરસની સારવાર થઈ શકે છે. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિએ પોતાના દેશવાસીઓને વચન આપ્યું છે કે તેઓ આ ‘હર્બલ ડ્રિંક’ આયાત કરવા મેડાગાસ્કર વિમાન મોકલશે.

રાષ્ટ્રપતિ જોન માગુફુલી આ ‘હર્બલ ડ્રિંક્સ’નો પ્રચાર કોરોનાવાઈરસ માટેની દવા તરીકે કરી રહ્યા છે. તાન્ઝાનિયા સિવાય કોંગોના રાષ્ટ્રપતિએ પણ આવું જ વચન આપ્યું છે. આ ‘હર્બલ ડ્રિંક’ એ આર્ટમીજિયા નામની એક વનસ્પતિથી તૈયાર થાય છે. આ વનસ્પતિનો ઉપયોગ મલેરિયાની સારવારમાં પણ થાય છે.

‘કોવિડ-ઓર્ગેનિકસ’ના નામે લોન્ચિંગઃ જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાવાઈરસનો હજી સુધી કોઈ ઈલાજ મળ્યો નથી અને લોકોને તેમની મરજીની સારવારથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે. મેડાગાસ્કરના રાષ્ટ્રપતિની ચીફ ઓફ સ્ટાફ લોવા હસીનીરિના રાનોરોમારોએ જણાવ્યું હતું કે ત્રણ અઠવાડિયા સુધી 20થી ઓછા લોકો પર પરીક્ષણ કર્યા પછી હર્બલ ડ્રિંક ‘કોવિડ-ઓર્ગેનિક’ તરીકે લોન્ચ કરવામાં આવી છે.

કોવિડ-ઓર્ગેનિકસના લોન્ચિંગ પર, વિશ્વ આરોગ્ય સંગઠને આપેલા નિવેદનમાં કહ્યું કે, લોકોએ કોવિડ -19ના સારવારના નામે કોઈ દવા સાથે પોતાની સારવારનો પ્રયાસ કરવો ના જોઇએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા, ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસિસે અગાઉ પણ જણાવ્યું હતું કે કોરોનાવાઈરસ સામે અસરકારક દવા શોધવાનો કોઈ શોર્ટકટ નથી. તેની સારવાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાયલ ચાલી રહી છે.

આફ્રિકન દેશોમાં માગ વધીઃ માર્ચમાં, અમેરિકન સંસ્થા નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લીમેન્ટરી એન્ડ ઇન્ટિગ્રેટીવ હેલ્થએ પણ કોરોનાવાઈરસની કથિત સારવારના નામે હર્બલ થેરેપી અને ચાના ઉપયોગ સામે ચેતવણી આપી હતી. સંસ્થાએ કહ્યું હતું કે કોરોનાવાઈરસ સામે વધુ સારી સુરક્ષા એ શક્ય છે ત્યાં સુધી ચેપની સંભાવનાને ટાળવી છે.

પરંતુ તેમ છતાં, અન્ય આફ્રિકન દેશોમાં પણ આ હર્બલ ટીની માંગ વધી રહી છે. શનિવારે (બીજી મે) મેડાગાસ્કરે ગિની-બિસાઉને એક માલ મોકલ્યો હતો. મેડાગાસ્કરના રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કર્યું હતું કે ઇક્વેટોરિયલ ગિનીયાનાં વિશેષ દૂતને હર્બલ ડ્રિંક્સનું શિપમેન્ટ સોંપવામાં આવ્યું છે.

આ બધા વચ્ચે, તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મેગુફુલીએ કહ્યું હતું કે તેઓ મેડાગાસ્કરની સરકાર સાથે સંપર્કમાં છે અને કથિત ડ્રગ લાવવા વિમાનો મોકલશે. તેમણે કહ્યું કે અમે મેડાગાસ્કર સાથે વાત કરી રહ્યા છીએ. તેમણે એક પત્ર લખ્યો છે કે કોરોનાવાઈરસની દવા મળી ગઈ છે. અમે દવા લાવવા માટે વિમાનો મોકલી રહ્યા છીએ જેથી તાન્ઝાનિયાના લોકોને પણ તેનો લાભ મળી શકે. તેથી જ અમે સરકાર તરીકે રાત-દિવસ કામ કરી રહ્યા છીએ.

જ્હોન મેગુફુલી જે રીતે કોરોનાવાઈરસના રોગનો સામનો કરી રહ્યા છે, તેને લઈને તેમની ઘણી ટીકા થઈ રહી છે. તાન્ઝાનિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના 480 કેસની પુષ્ટિ થઈ છે જ્યારે કોંગોમાં 229 અને મેડાગાસ્કરમાં 135 કેસ નોંધાયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page