બે વર્ષનો ટેળિયો પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો પછી……

અંકલેશ્વરમાં રહેતો બે વર્ષીય બાળક સિક્કો ગળી જતા વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં ખસેડાયો હતો જો કે ત્યાં ઈ એન ટી વિભાગના ડોક્ટરે દૂરબીન નાખી ટેકનિકનો ઉપયોગ કરીને સિક્કો બહાર કાઢયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ અંકલેશ્વરમાં સપના સોસાયટીમાં અને રીક્ષા ચાલક રહેતા ઈરફાન મલિકનો બે વર્ષીય પુત્ર ઉમર શુક્રવારે સાંજે ઘર પાસે દુકાનમાં બિસ્કીટ લેવા ગયો હતો. બાદમાં રમતા રમતા પાંચનો સિક્કો મોઢામાં નાખતા ગળાઇ જતા ગળામાં ફસાઇ ગયો હતો. તેને ઉલટી થવા લાગતા સ્થાનિક હોસ્પિટલમાં લઇ જઇ એક્સરે કરાવતા ગળામાં સિક્કો નજરે પડયો હતો.

અહી ડોકટર ન હોવાથી અન્ય હોસ્પિટલમાં લઇ જવાયો પણ રૂ 70/80 હજારનો સારવાર ખર્ચ થશે તેમ કહેવાતા પરિવાર આ વ્યવસ્થા કરી શકે તેમ નહોતો. દરમિયાન સબંધીના કહેવાથી પરિવાર બાળકને લઇને સુરત નવી સિવિલ હોસ્પિટલ આવી ગયો હતો.

ઇ એન્ડ ટી વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટરના માર્ગદર્શન હેઠળ ડો.ખુશી, ડો.પ્રાચીએ દુરબીનની મદદથી ચીપીયો નાંખીને બાળકના ગળામાં ફસાયેલો સિક્કો કાઢી લેતા બાળક અને પરિવારને રાહત થઇ હતી. આ ટેકનીકથી સિક્કો કાઢતા ૨૦-૩૦ મિનિટ જ થઇ હતી.