Only Gujarat

Gujarat

પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ યુવતીના સંપર્કમાં આવ્યો વેપારી, પછી મોબાઈલ પર શરૂ થયું ચેટિંગ અને..

અમદાવાદના સેટેલાઇટના એક વેપારી હનીટ્રેપના શિકાર બન્યા છે. સોશિયલ એપ પર યુવતીએ મિત્રતા કેળવી વેપારીને તેના ફ્લેટ પર લઈ ગઈ. જ્યાં બંનેએ કપડા ઉતાર્યા અને તે સમયે જ નકલી પોલીસ ત્રાટકી. નકલી પોલીસે વેપારીને બ્લેકમેલ કરી તેમની પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. અસલી પોલીસના હાથે નકલી પોલીસ ઝડપાયા બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

અમદાવાદના સેટેલાઈટમાં રહેતા 41 વર્ષીય એક વેપારીએ ચાર વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. રંગીન મિજાજના આ વેપારીએ સ્ત્રી મિત્ર બનાવવા માટે ટિંડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તે દરમિયાન આ એપના માધ્યમથી જાનવી નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. થોડો સમય એકબીજા સાથે મેસેજ પર વાત કર્યા બાદ તેમણે મળવાનું નક્કી કર્યું હતું. પહેલા તેઓ ખેતલાઆપા ટી સ્ટોલ પર મળ્યા હતા.

એકબીજાને રૂબરૂ મળ્યા બાદ યુવતી એકાંતમાં સમય વિતાવવાનું કહીં શીતલ નામની ગેંગની અન્ય એક સાગરિતના ગોતા ખાતે આવેલા ફ્લેટ પર લઇ ગઈ હતી. જ્યાં યુવતીએ કપડા ઉતારવાનું શરૂ કર્યું અને વેપારીને પણ કપડા ઉતારવા માટે કહ્યું હતું. જો કે, આ તે જ સમયે યુવરાજસિંહ સહિતના નામે નકલી પોલીસ બનીને આવેલા શખ્સો ફ્લેટમાં ઘુસી ગયા હતા. પોતે પોલીસ હોવાનું કહી તેમણે વેપારીને લાકડીઓથી માર માર્યો અને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી.

વેપારી બચવાનો પ્રયત્ન કરે તે પહેલા જ આ શખ્સોએ વેપારીને ગોંધી રાખ્યો હતો અને 50 લાખની માંગણી કરી હતી. જો કે રકઝક બાદ વેપારી 20 લાખ આપવા સહમત થયો. આ 20 લાખ આંગડિયા પેઢીથી મોકલવામાં આવ્યા. જેમાંથી 5 લાખ સમીર અને શીતલે લીધા. બાકીના 15 લાખ જાનવી સહિત ગેંગના બાકીના સભ્યોએ લીધા હતા. જો કે, આ બધુ પૂર્ણ થયા બાદ વેપારી જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેને હાઇપલોગ્લાસમિયાનો એટેક પણ આવ્યો હતા.

આ ઘટનાના 10 દિવસ બાદ પ્રહલાદનગર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરવાની ફિરાકમાં ઉભેલા સમીરને અસલી પોલીસે પકડી લીધો. તેની પાસેથી 50 હજાર રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં હનીટ્રેપકાંડનો પર્દાફાશ થયો હતો. યુવરાજસિંહ નામે નકલી પોલીસ બનેલો વ્યક્તિ જ સમીર હતો. આ દરમિયાન વેપારીએ પણ આવી તેની ઓળખ કરી.

આ મામલે વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડણી, ધમકી અને ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

You cannot copy content of this page