સુરતની મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી કે તેનો પતિ તેના કરતા શ્વાનને વધારે પ્રેમ કરે છે. જ્યારે તે આ બાબતે ટોકે છે ત્યારે પતિ તેને માર મારે છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
આ કેસની વિગત એવી છે કે સુરતના બેગમપુરાની યુવતીએ હાર્દિક અફીનવાલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હાર્દિકે એક કૂતરો પાળ્યો હતો. જે પરિણિતાને પસંદ ન હતો. શ્વાનના કારણે તેમની વચ્ચે ઝઘડાઓ થતા હતા. અફીનવાલા દંપતિનો દીકરો ત્રણ મહિનાનો છે. થોડા દિવસ પહેલા તેને સોફા પર સુવડાવ્યો હતો. પરિણિતા ઘરમાં કામ કરતી હતી. તે સમયે શ્વાન ઘરની બહાર નીકળી ગયો હતો. હાર્દિક દીકરાને જોવાને બદલે કૂતરાને પકડવા જતા દીકરો સોફા પરથી પડી ગયો હતો. આ વાતને લઈ પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. જેમાં હાર્દિકે તેની પત્નીને માર માર્યો હતો.
મહિલાનો આરોપ છે કે, કૂતરા બાબતે તે કંઈ પણ બોલે એટલે તેનો પતિ હાર્દિક તેના પર હાથ ઉઠાવતો હતો. જો કે તેમની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. સુરતના બેગમપુરા વિસ્તારમાં હાર્દિક અને આ યુવતી નજીકમાં જ રહેતા હતા. તેમની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તે સમયે જ હાર્દિકે એક કૂતરો પાળ્યો હતો. જોકે, મહિલાને કૂતરા પસંદ ન હોવાથી તેણી તેનાથી દૂર રહેતી હતી. છતાં લગ્નનના થોડા દિવસ બાદ પતિ-પત્ની વચ્ચે આ પાલતુ શ્વાનને લઇને ઝઘડા શરૂ થયા હતા.
લગ્ન બાદ મહિલા એક બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. બાળક ત્રણ મહિનાનું હોવાથી મહિલા તેને ઘરના રૂમમાં રહેલા સોફા પર સુવડાવીને ઘરનું કામ કરતી હતી અને પતિને ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. આ સમયે પાલતું શ્વાન ઘરમાંથી બહાર નીકળી જતા પતિ હાર્દિક બાળકનું ધ્યાન રાખવાને બદલે શ્વાનને પકડવા તેની પાછળ ઘરની બહાર દોડી ગયો હતો. તેને લઈને ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે પણ શ્વાનના કારણે પરિણિતાને માર માર્યો હતો. તેથી પરિણિતાએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે ફરિયાદ તેનો પતિ તેના કરતા કૂતરાને વધારે પ્રેમ કરે છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.