વિરાટ કોહલીની પહેલી સ્પોર્ટ્સ કાર ઓડી આર-8 કેટલાય સમયથી ખાય છે ધૂળ!

ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો લકઝરી કારો માટેનો પ્રેમ બહુ જાણીતો છે. વિરાટ પાસે મોંગીદાટ લકઝરી કારોનું ખાસ્સુ કલેકશન છે. ક્રિકેટર ઓડી કારનો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે દેખીતી રીતે એના ગેરેજમાં મોટાભાગે ઓડિ બ્રાન્ડની કાર્સ છે.

વિરાટ કારના નવા નવા મોડલ ખરીદતો રહે છે અને ગેરેજમાં જગ્યા કરવા જુની કારો વેચી દે છે. એણે વેચી નાખેલી કાર્સમાં ઓડી આર-૮ નો સમાવેશ છે. એક સમયે ક્રિકેટરને સૌથી વહાલી કાર અત્યારે સાવ ભંગાર હાલતમાં છે.

કોહલીએ આ કાર ૨૦૧૨માં ખરીદી હતી. કારનો રજિસ્ટ્રેશન નંબર ચેક કરતા એવું જાણવા મળ્યું હતું કે વિરાટે કાર એક બ્રોકર મારફત સાગર ઠક્કર નામના શખ્સને વેચી હતી આ સાગર ઠક્કર પછીથી એક મોટા સ્કેમમાં સંડોવાયેલો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું.

‘સેગ્ગી’ ના હુલામણા નામે જાણીતા સાગરે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા વિરાટ પાસેથી ઓડી આર-૮ ખરીદી હતી. મેગા કોલ સેંટર સ્કેમમાં સેગ્ગીનું નામ ખુલ્યા બાદ એ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. અલબત્તા, મહારાષ્ટ્ર પોલીસે અંતે તેની ધરપકડ કરી એની કાર્સ અને પ્રોપર્ટીઝ સહિતની તમામ અસ્કાયામતો જપ્ત કરી લીધી હતી.

એની જપ્ત થયેલી કાર્સમાં ઓડિ આર-8 પણ હતી. એ કાર મુંબઇ પોલીસના ઇમ્પાઉન્ડ ગ્રાઉન્ડમાં પાર્ક કરાઇ હતી. કોઇ શેલ્ટર કે શેડ વિનાના ગ્રાઉન્ડમાં કાર ધુળ ખાતી હતી. મુંબઇમાં પડેલા ભારે વરસાદને કારણે એનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વરસાદના હિલોળા લેતા પાણીમાં કાર તરતી પણ જોવાઇ હતી.

વિરાટ પાસેથી એની માનીતી ઓડી આર-8 ખરીદવા સાગરે રૃા.૨.૫ કરોડ ચુકવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોહલીએખરીદેલી આ પહેલી સ્પોર્ટ કાર હતી.