Only Gujarat

Gujarat

સુરતીઓ આ ગોઝારો બુધવાર ક્યારેય ભૂલી નહીં શકેઃ પળવારમાં હસતા પરિવારો પિંખાઈ ગયા

વડોદરાના વાઘોડિયા પાસે ગત બુધવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતની ઘટના સુરતીઓ ક્યારેય ભૂલી નહિ શકે. પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના 11 લોકોના મોત નિપજ્યા હતા. આ તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે, જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા હતા. 11 લોકોના મોતના પગલે સુરતથી લઈને સૌરાષ્ટ્રમાં પણ શોકની લાગણી ફેલાઈ પ્રસરી ગઇ છે. આ ઘટનાની મોટી કમનસીબી એ છે કે, ત્રણ પરિવારે માતા અને દીકરાને ગુમાવ્યા છે. જ્યારે એક જ જીંજાળા પરિવારે પાંચ સભ્યો ગુમાવ્યા છે.

આ ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, મંગળવારે રાત્રે સુરતના જીંજાળા પરિવારના સભ્યો પાવાગઢ, ડાકોર અને વડતાલના પ્રવાસે આઈશર ટેમ્પોમાં ગત નીકળ્યા હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યાના સુમારે વડોદરા નજીક વાઘોડિયા ચોકડી બ્રિજ પાસેથી પસાર થતાં આઈશર ટેમ્પાના ચાલકને ઝોંકુ આવી ગયું હતું. જેને લઈ ઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પૂરઝડપે પસાર થઇ રહેલા ટેમ્પોની ટ્રેલરની પાછળની ટક્કર એટલી પ્રચંડ હતી કે, ટેમ્પાના આગળના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પરિણામે ટેમ્પામાં સવાર 11 લોકોની જિંદગીનો કાયમ માટે અંત આવી ગયો. મૃતકોમાં 2 બાળકો સહિત 5 પુરુષો અને 5 મહિલાનો સમાવેશ થાય છે. બીજ તરફ 16 લોકો નાની મોટી ઇજાનો ભોગ બન્યા હતા. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાષ્ટ્રપતિ કોવિદ, પ્રધાન મંત્રી મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા સુરેશભાઈ જીંજાલાની સગાઈ ગઈ હતી અને આ વર્ષે જ તેમના લગ્ન યોજાવાના હતા. પરિવારે સુરેશભાઈના લગ્નની તૈયારી પણ કરી દીધી હતી. પણ ગોઝારા અક્સમાતમાં સુરેશભાઈનું મોત નિપજતા પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માતમાં મોતને ભેટેલા ગોડાદરા જાનકી પાર્ક ખાતે રહેતા માતા પુત્ર સોનલ હડિયા અને તેમના પુત્ર ભવ્ય તેમજ ગોડાદરાની દેવીકૃપા સોસાયટીમાં રહેતા સચીનભાઈ અરશીભાઈ બલદાણીયાના મૃતદેહ સુરતમાં લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 8 વ્યક્તિઓના મૃતદેહ તેમના વતન રાજુલા ખાતે લઈ જવાયા હતા અને ત્યાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. એક જ પરિવારના પાંચ લોકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

આ અકસ્માતમાં માતાઓને તેમના દીકરાઓ સાથે મોત ભરખી ગયું છે. ગોડાદરા જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન બિજલ હડીયા અને તેમના દીકરા ભવ્યનું મૃત્યું થયું છે. સોનલબેનના પતિ બિજલભાઈ અને પુત્રી દિવ્યાંશી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોવાથી તેમની હાલત પણ દયનીય છે.

તેવી જ રીતે પુણા ગામ આશાનગર ખાતે રહેતા હંસાબેન ખોડાભાઈ જીંજાલા અને તેમનો પુત્ર ભૌતીક પણ આ દુનિયામાં હવે હયાત નથી. જ્યારે સીતા નગર ચોકડી વિક્રમ નગર ખાતે રહેતા દયાબેન ઘનશ્યામભાઈ કલસરીયા અને તેમના પુત્ર પ્રિન્સે એક સાથે દુનિયાને અલવિદા કરી દીધી. ત્રણેય પરિવારોમાં માતા અને દીકરાઓએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

You cannot copy content of this page