Only Gujarat

International TOP STORIES

મહિલાઓને કેમ પુરૂષો કરતાં ઓછી અસર થાય છે કોરોનાની? જાણો સામે આવ્યાં ચોંકવનારા કારણો

નવી દિલ્હી: કોરોના ભલે દેશ, શહેર, ધર્મ, જાતિના આધારે કોઈનો શિકાર ના કરતું હોય પરંતુ લિંગભેદ કરી રહ્યો છે. વિશ્વભરમાં થયેલી રિસર્ચ અને આંકડાઓ અનુસાર, કોરોના સ્ત્રી અને પુરુષને ટાર્ગેટ કરવા મામલે અલગ વર્તન કરી રહ્યું છે. કોરોનાના મોટાભાગનો ભોગ બનનાર દર્દીઓ પુરુષ છે. જ્યારે મહિલઓનું પ્રમાણ ઓછું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓ હોય કે તેના કારણે જીવ ગુમાવનાર લોકો, બંને મામલે પુરુષો જ મહિલાઓથી આગળ છે. એક્સપર્ટ્સના મતે કોરોનાની મહિલાઓ પર વધુ અસર ના થવા પાછળ ખાસ કારણો રહેલા છે.

બ્રિટનના શાહી પરિવારથી લઈ ભારતમાં શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિ સુધી કોરોનાએ કોઈને છોડ્યા નથી. દરેક સામાન્યથી લઈ વીવીઆઈપી સુધીની કક્ષાના લોકો તેના ભોગ બન્યા છે. આ વાઈરસ જાતિ, ધર્મ કે દેશ જેવા ભેદભાવ ના કરતા હોવાની ચર્ચા હતી પરંતુ હવે કોરોના પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ કરતું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ મહામારીએ સ્ત્રી-પુરુષો પર જુદી-જુદી રીતે અસર કરી છે, કોરોનાની સ્ત્રી-પુરુષના સ્વાસ્થ્યની સાથે સંપત્તિ મુદ્દે પણ જુદી-જુદી અસરો જોવા મળી છે.
કોરોનાથી મરનારા લોકોના આંકડા જોઈએ જેમાં લિંગ ભેદ જોઈ શકાય છે, જેમકે, ભારતમાં કુલ મોતમાં 80 ટકા પુરુષ-20 ટકા સ્ત્રી, ઈટાલીમાં 68 ટકા પુરુષ-32 ટકા મહિલા, અમેરિકામાં 62 ટકા પુરુષ-48 ટકા મહિલા, જ્યારે પાકિસ્તાનમાં 80 ટકા પુરુષ-20 ટકા મહિલા, સ્પેનમાં 63 ટકા પુરુષ-37 ટકા મહિલા અને જર્મનીમાં પણ 63 ટકા પુરુષ-37 ટકા મહિલા છે.

ઓસ્ટ્રેલિયામાં મૃતકોમાં 60 ટકા પુરુષ અમે 40 ટકા મહિલાઓ, સ્વીડનમાં પણ 60-40નો રેશિયો છે, ઈરાનમાં 59 ટકા પુરુષ-41 ટકા મહિલા, કેનેડામાં 56 ટકા પુરુષ-44 ટકા મહિલાઓ, જ્યારે દ.કોરિયામાં કોરોનાને કારણે 53 ટકા પુરુષ અને 47 ટકા મહિલાએ જીવ ગુમાવ્યો, એક અભ્યાસ પ્રમાણે સંપૂર્ણ વિશ્વમાં આવેલા કોરોના સંક્રમિતોમાંથી 58 ટકા પુરુષો અને 42 ટકા મહિલાઓ છે. કોરોનાના મૃતકોનો ડેટા રાખનારી ટીમ પુરુષોના વધુ મોત પાછળનું કારણ શોધી રહી છે. તાજેતરમાં 11 દેશોના હજારો લોકો પર યુરોપિયન હાર્ટ જર્નલ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું. જે અનુસાર મહિલાઓની સરખામણીએ ACE-2 પ્રોટીન પુરુષોમાં વધુ હોવું મોતની ટકાવારી અને સંક્રમણ વધારે થવા પાછળનું કારણ છે.

ACE-2 એટલે કે એજ્નિયોટેન્સિન કંવટિંગ એન્જાઈમ-2 થકી વાઈરસ હ્યુમન સેલમાં પ્રવેશે છે. આ પ્રોટીન ફેફસા, હૃદય, કિડની અને આંતરડા ઉપરાંત પુરુષોના અંડકોષમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં પુરુષોની સરખામણીએ ACE-2 પ્રોટીન ઓછા પ્રમાણમાં હોય છે. એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ACE-2 પ્રોટીનનું કામ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું હોય છે. કોઈપણ વાઈરસ સામે લડવા ઈમ્યુન સિસ્ટમના જીન્સ X ક્રોમોજન પર વધુ જોવા મળે છે. મહિલાઓની ઈમ્યુનિટી એટલે સારી હોય છે કારણે કે તેમની અંદર 2 X ક્રોમોજોન હોય છે અને પુરુષોમાં એક.

ઈશ્વર પણ જાણે પુરુષો સાથે મજાક કરી રહ્યું હોય એવું લાગે છે, એક તો તેઓ પોતાની ટેવોથી વિપરીત ઘરમાં રહેવા મજબૂર છે, જ્યારે બહાર જોવા પર સંક્રમણનું જોખમ પણ ‌વધારે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ ગોલ્ડર અનુસાર મહિલાઓની ઈમ્યુનિટી સારી હોવાના કારણે તેમની પર કોઈપણ વાઈરસની અસર ઓછી થાય છે. પુરુષોમાં મહિલાઓ કરતા ઓછી ઈમ્યુનિટી ઉપરાંત નશો કરવાની ટેવ પણ તેમને ડેન્ઝર ઝોનમાં લાવે છે. જેના કારણે બીમારી ફેલાવવાની શક્યતા વધી જાય છે. સિગરેટ પીતા લોકોના નબળા ફેફસાંના કારણે તેઓ કોઈપણ સંક્રમણનો સરળતાથી ભોગ બની શકે છે.

આ વાતતો સ્પષ્ટ છે કે પુરુષો મહિલાઓની સરખામણીએ વધુ સિગરેટ પીતા હોય છે. તેથી તેમને જોખમ પણ વધુ રહે છે. જેમને હૃદયની સમસ્યા, ડાયાબિટીસ, કેન્સર જેવી અન્ય બીમારીઓ હોય તેમની માટે પણ કોરોના ઘાતક નીવડે છે અને આવી બીમારીઓમાં પણ પુરુષો જ આગળ છે. તેથી ફરી તેમના સંક્રમિત થવા અને મોતની શક્યતા વધુ રહે છે. જ્યારે વૃદ્ધ મહિલાઓના સંક્રમિત થવા પર સ્વસ્થ થવાની શક્યતા વધુ હોય છે, પરંતુ તેમની હેલ્થ પર બીમારીની અસર લાંબા સમય સુધી જોવા મળી શકે છે.

You cannot copy content of this page