Only Gujarat

FEATURED National

મુસ્લિમ યુવતીનું રામ મંદિરના નિર્માણમાં દાન, શ્રીરામને માને છે સૌથી મોટા ભગવાન

વારાણસીઃ રામ મંદિર નિર્માણ માટે દરેક વર્ગના લોકો આગળ આવ્યા છે. સામાન્ય માણસથી લઈને પૈસાદાર લોકો દાન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક મુસ્લિમ યુવતીએ પણ રામ મંદિરના નિર્માણમાં દાન કરીને ધાર્મિક સમરસતાનો સંદેશ આપ્યો છે. મુસ્લિમ યુવતી તથા કાયદાની વિદ્યાર્થિની ઈકરા અનવર ખાને 11 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે. જોકે, આ પહેલાં તેણે ભૂમિ પૂજન વખતે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીના આવાસ પર ઈકરા ખાને ચેક આપ્યો હતો. ઈકરાએ કહ્યું હતું કે ભગવાન રામ તેમના પૂર્વજ છે. અયોધ્યામાં મંદિર બની રહ્યું છે ત્યારે તે પોતાના તરફથી નાનકડો સહયોગ આપે છે. ધર્મના નામે રાજકારણ કરતાં લોકોને તે જવાબ આપવા માગે છે કે ધર્મ ક્યારેય અલગ અલગ હોતા નથી. ધર્મ એક છે અને તે માનવતાનો ધર્મ છે. તે એક માણસના રૂપમાં રામ મંદિર નિર્માણમાં સહભાગી થઈ છે. તેને આ વાતનો આનંદ છે. મંદિર બન્યા બાદ તે શ્રીરામના દર્શન કરવા માટે પણ જશે.


અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદે કહ્યું હતું કે ઈકરા અનવર પહેલી મુસ્લિમ યુવતી છે, જેણે રામ મંદિર નિર્માણમાં 11 હજારની રકમ ચેકથી આપી છે.


ભૂમિ પૂજન સમયે હાથમાં શ્રીરામ લખાવ્યું: અયોધ્યામાં રામ મંદિર માટે પાંચ ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઈકરા અનવરે પોતાના હાથમાં શ્રીરામનું ટેટુ ત્રોફાવ્યું હતું. ચંદ્રૌલી જિલ્લાના પીડીડીયુ નગરના હનુમાનપુર નિવાસી ઈકરાએ કહ્યું હતું કે શ્રીરામથી મોટો કોઈ ભગવાન નથી.


ઈકરાએ વધુમાં કહ્યું હતું કે વર્ષો બાદ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને તે ક્ષણને યાદગાર બનાવવા માટે તેણે હાથ પર ટેટુ ત્રોફાવ્યું હતું. ઈકરાએ ટેટુ ત્રોફાવતા મોટી સંખ્યામાં લોકોએ તેને શુભેચ્છા આપી હતી. ઈકરાના પિતા અનવર તથા ભાઈ યાસિર પણ શ્રીરામ મંદિરના નિર્માણથી ઘણાં જ ખુશ છે.

You cannot copy content of this page