Only Gujarat

National

સાસુ-સસરાએ વિધવા વહુના કરાવ્યા લગ્ન, વિદાય વખતે તમામ લોકો રડી પડ્યાં

દુર્ગઃ ઘણીવાર એવા કિસ્સા સાંભળવા મળે જેમાં સાસરિયા દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવામા આવતો હોય છે. સાસુ-વહુના ઝઘડાઓની ઘટના દિવસે ને દિવસે સામાન્ય બનતી જાય છે. આવા સમયે જ્યારે પતિનું અકાળે મોત થાય તો પત્નીને દોષ આપવામા આવે છે. આ દરમિયાન સેલૂદના સાહુ દંપત્તિએ પોતાની વિધવા પુત્રવધૂના બીજા લગ્ન કરાવ્યા હતા. આ ઉપરાંત તેમણે જાતે જ કન્યાદાનની તમામ વિધિ પૂર્ણ કરી દીકરીની જેમ ઘરેથી વિદાય કરી હતી.

પુનીત રામ સાહુ અને તેમની પત્ની ઈન્દ્રાએ હાલમાં જ પુત્રવધૂ કિરણના બીજા લગ્ન કરાવી તેની વિદાય કરી હતી. કિરણના પતિ રાજુનુ 3 વર્ષ અગાઉ મોત થયું હતું. જે પછી કિરણ અંદરથી ભાંગી પડી હતી. આવા સમયે સાસુ-સસરાએ તેને હિંમત અને સાથ આપ્યો હતો. પતિના મોતના આઘાતમાં કિરણ બહાર આવી શકી નહોતી, જેને કારણે સાસુ-સસરાએ તેના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. કિરણ આ માટે તૈયાર નહોતી પરંતુ 3 વર્ષ સુધી સાસુ-સસરા તેને સમજાવતા રહ્યાં.

સાસુ-સસરાએ કિરણને તેમની વય અંગે સમજાવ્યું કે, તેઓ પણ વૃદ્ધ થઈ ચૂક્યા છે. જો તેમનું નિધન થાય તો કિરણ એકલી પડી જશે. એવામાં તેને એક જીવનસાથીની જરૂર છે. તેમના દીકરાનું તો નિધન થયું પરંતુ તેઓ પોતાની વહુને વિધવા તરીકે જોઈ શકતા નથી. સાસુ-સસરાએ કિરણના બીજા લગ્ન કરાવવા મુદ્દે કિરણના પિયર પક્ષની પણ મંજૂરી લીધી હતી.

કિરણના લગ્ન ધમતરીના સંતોષ સાહૂ સાથે થયા હતા. તે જાન લઈને આવ્યો તો સાસુ-સસરાએ માતા-પિતાની ભૂમિકા ભજવી હતી. આ સાથે પોતે જ કન્યાદાન સહિતની ભૂમિકા ભજવી હતી.

વિદાય સમયે પુનીત સાહૂ, ઈન્દ્રા અને કિરણ ઉપરાંત તમામ લોકો ભાવુક થયા હતા. પુનીત-ઈન્દ્રાએ કિરણના લગ્ન થકી અન્ય સાસુ-સસરાએ પણ પોતાની વિધવા પુત્રવધૂના લગ્ન જેવા નિર્ણય લેવા જોઈએ તેવી મિસાલ રજૂ કરી હતી.

You cannot copy content of this page