Only Gujarat

Gujarat TOP STORIES

UKમાં લાખો રૂપિયાની નોકરીને ઠોકર મારી ગુજરાતી ગોરીએ શરૂ કરી ખેતી, આજે કરે લાખો રૂપિયાની કમાણી

પોરબંદર પંથકમાં એક નોખી માટીની યુવતીએ લંડનમાં લાખોની નોકરી છોડી વાડીમાં રહીને ખેતી શરૂ કરી છે. છતાં આજે તેઓ વિદેશ કરતાં પણ વધુ આવક ખેતરમાં રહીને મેળવે છે. યુવતી ખેતી કરતી હોય તેવી તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

આપણે વાત કરી રહ્યાં છીએ પોરબંદરના બેરણ ગામના વાડી વિસ્તારમાં રહેતાં ભારતી ખૂંટીની. ભારતીએ રાજકોટમાં રહીને સાયન્સ બાદ એરહોસ્ટેસનો કોર્સ કર્યો હતો. બાદમાં 2009માં રામદે ખૂંટી સાથે લગ્ન થયાં. આગળનો અભ્યાસ કરવા 2010માં પતિ સાથે લંડન ગયાં. 2014માં દીકરાનો જન્મ થયો. પરંતુ ધરતી વિદેશની હોય કે સ્વદેશની મા-બાપની યાદ તો કોને ન આવે? ભારતી અને રામદેને પણ આ વિચાર આવ્યો કે, વતનમાં રહેતા માતા-પિતાનું શું?

બસ આ વિચારથી બન્નેએ વિદેશની ધરતી છોડી વતનમાં જવાનો નિર્ણય લીધો અને 2015માં વિદેશની લક્ઝરી લાઈફ છોડી વાડીમાં રહેતાં મા-બાપ પાસે પહોંચી ગયાં અને પશુપાલન સાથે ખેતી શરૂ કરી. ભારતીએ તો ક્યારેય ખેતરમાં પગ નહોતો મૂક્યો. તેમ છતાં પાયાનું જ્ઞાન મેળવી ઓર્ગેનિક ખેતી અને દૂધનો ધંધો શરૂ કર્યો. જોકે આજે તેઓ ખેતી ઉપરાંત યુટુબ ચેનલ થકી લંડન કરતાં પણ વધુ આવક મેળવી રહ્યાં છે.

એક સમયે લંડનમાં ઘૂમતી ભારતી આજે ભેંસો પણ જાતે જ દોહી લે છે. જેણે ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે એક સાથે 5-5 ભેંસો દોહી લે છે. એટલું જ નહીં, પશુઓનું છાણ સાફ કરવા સહિતના કામથી પણ તે અજાણ નથી. સાથે જ વાવણી કરવાની વાત હોય કે, અડધી રાતે પાકમાં પાણી વાળવાનું હોય ભારતી જાતે જ કરે છે.

ભારતી ખૂંટી પોતાની યુટુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં ગામડાની જીવનશૈલી બતાવવામાં આવે છે. “વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી” નામની ચેનલમાં તે ખેતીમાં કેવી રીતે કામ કરે છે, પશુઓ દોહવા તેમજ આપણાં પરંપરાગત તહેવારોની ઉજવણી સહિતના વીડિયો બનાવે છે. જેમાં 40 દેશના લોકો જોડાયેલા છે.

You cannot copy content of this page