Only Gujarat

FEATURED National

આ 12 સ્પેશિયલ વ્યક્તિઓ સાથે મળીને મોદી લડી રહ્યાં છે કોરોના સામેની જંગ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ સામે દેશભરમાં જંગ ચાલી રહ્યો છે. સંક્રમણ સાથે સામાન્ય નાગરિકો લડી રહ્યા છે. ત્યાં સરકારે પણ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે, જેના માટે અધિકારીઓ સતત મોરચો સંભાળી રહ્યા છે. કોરોનાને દરેક સ્થિતિમાં રોકવા માટે અધિકારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કોરોનાવાઈરસ સામે લડવા માટે ખૂબ જ સંતુલિત અપ્રોચની જરૂર છે. ભારત સરકારે એક્સપર્ટ્સને સાથે લઈને એક ખાસ ટીમ બનાવી છે, જે નિર્ણય લેવામાં પ્રધાનમંત્રી મોદીની મદદ કરે છે. રવિવારે (26 એપ્રિલ) કેન્દ્ર સરકારે હેલ્થ સેક્રેટરી પ્રીતિ સૂદનને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. તે કોરોનાવાઈરસની સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આવો જાણીએ પીએમ મોદીની કોરોના ટીમમાં કોણ-કોણ સામેલ છે.

દેશના હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવી હોય કે લૉકડાઉન પણ નિર્ણય લેવાનો હોય, વડાપ્રધાન મોદી આ ટીમની સલાહ લીધા વિના આગળ નથી વધતા. માર્ચની શરૂઆતમાં બનાવવામાં આવેલી આ ટીમ પીએમના મહામારી સાથે જોડાયેલા દરેક ટેક્નિકલ પોલિસી ડિસિજન પર સલાહ આપે છે. આ ટીમમાં કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓની સાથે દેશના જાણીતા તબીબો, મહામારી વિશેષજ્ઞ, અર્થશાસ્ત્રી, બાયો-સાઈન્ટિસ્ટ અને ઈકોનોમિસ્ટ્સ સામેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલયના પણ અનેક અધિકારીઓ તેમાં સામેલ છે. પ્રધાન સચિવ પીકે મિશ્રા આ તમામ લોકો સાથે કોઑર્ડિનેટ કરે છે.

પીએમ સુધી દરેક સૂચના પહોંચાડે છે પીકે મિશ્રાઃ કોરોનાની સામે ચાલી રહેલી જંગમાં પીકે મિશ્રા, જેઓ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ છે તેઓ પણ સામેલ છે. તે તમામ કોર ગ્રુપ્સને કોઑર્ડિનેટ કરે છે. એક્સપર્ટ્સના ટચમાં રહે છે. દરેક નિર્ણય અને સૂચનને લઈને પ્રધાનમંત્રી પાસે જાય છે. 1972 બેચના ગુજરાત કેડરના IAS મિશ્રા, 11 સપ્ટેમ્બર 2019ના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ બન્યા હતા.

PMO સાથેના સંપર્કની પહેલી સીડી પ્રીતિ સૂદનઃ સરકાર દ્વારા એક્સટેન્શન પામનાર પ્રીતિ સૂદન સતત રાજ્યોના સંપર્કમાં રહીને કોરોનાને રોકવાના પ્રયાસમાં લાગ્યા છે. તે કેન્દ્રના તમામ વિભાગોને કોઑર્ડિનેટ કરે છે, જેથી સરકારની પોલિસી બરાબર રીતે લાગૂ પડી શકે. ચીનના વુહાનથી 645 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં પણ પ્રીતિએ મહત્વની ભૂમિકા નિભાવી. એમ સમજી લો કે કોવિડ-19ને લઈને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંપર્કની તેઓ પહેલી સીડી છે. આંધ્ર કેડરની 1983 બેચના અધિકારી સૂદને જૂન 2019માં આરોગ્ય સચિવનું પદ સંભાળ્યું હતું. તે રાજ્ય અને કેન્દ્રના સ્તર પર અનેક મહત્વના પદો સંભાળી ચૂક્યા છે. 2019માં કેરળમાં આવેલા પૂર દરમિયાન પ્રીતિની સક્રિયતાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

કોવિડ-19 ટાસ્ક ફોર્સના ચીફ છે ડૉ. વી. કે. પૉલઃ નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલ કોવિડ-19ને લઈને બનેલી ટાસ્ક ફોર્સના ચીફ છે. તેમની જવાબદારી ઈમરજન્સી સેવાઓ, મેડિકલ ઈક્વીપમેન્ટ્સ અને દવાઓનો સપ્લાય છે. પૉલ વધુ એક ટીમના પણ સભ્ય છે, જે કોવિડ-19 પર રિસર્ચને લઈને બની છે. જેમાં વૈજ્ઞાનિકોની સાથે વિભાગોના સચિવો પણ સામેલ છે. લેબમાં ટેસ્ટિંગ શરૂ કરવાનું સૂચન આ જ ટીમે આપ્યું હતું.

વિજયરાઘવન સાઈન્સ રિસર્ચ ટીમને કરે છે લીડઃ કૃષ્ણાસ્વામી વિજયરાઘવન ભારત સરકારના મુખ્ય સાઈન્ટિફિક સલાહકાર છે. તે અને વીકે પૉલ એ ગ્રુપને લીડ કરે છે, જે સાઈન્ટિફિક સંસ્થાઓથી કોઑર્ડિનેટ કરે છે. આ ટીમમાં ICMR રિસર્ચર્સની સાથે સાઈન્સ એન્ડ ટેક્નોલૉજી, બાયોટેક્નોલૉજી ડિપાર્ટમેન્ટ્સ અને અન્ય સરકારી રિસર્ચ સંસ્થાઓના સચિવ પણ સામેલ છે.

ટેસ્ટિંગ અને બીમારી વિશે જાણકારી એકઠી કરે છે ICMRના ડીજીઃ કોરોના સામેની લડાઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચનું નામ પણ ચર્ચામાં છે. સરકારે કોરોના સામે લડવા માટે તેના ડાયરેક્ટર બલરામ ભાર્ગવ પર કોવિડ-19 ટેસ્ટિંગની વ્યવસ્થા અને બીમારી સાથે જોડાયેલો ડેટા ભેગો કરવાની જવાબદારી સોંપી છે. દર્દીઓના રોજના આંકડા ICMRના માધ્યથી જ આરોગ્ય મંત્રાલય રિલીઝ કરે છે. આ સિવાય કોવિડ-19 વેક્સીનને લઈને રિસર્ચની દેખરેખ પણ ICMR પર છે.

ડૉ. ગંગાખેડેકર ટેસ્ટિંગ પર રાખે છે નજરઃ ડૉ. રમન ગંગાખેડેકરને હવે લગભગ દરેક ભારતીય જાણતા હશે. તે કોરોના સામેની લડાઈમાં શરૂઆતથી જ સરકારનો ચહેરો રહ્યા છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલની જેમ તે રોજ મીડિયા સામે આવીને કોવિડ-19ના આંકડા દેશને જણાવે છે. ડૉ. ગંગાખેડેકર ICMRના ટોચના મહામારી વિશેષજ્ઞો અને ટેસ્ટિંગ પર પણ નજર રાખે છે.

ગુલેરિયા પીએમને જણાવે છે પડકારોઃ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા હેલ્થ એક્સપર્ટ્સના ગ્રુપમાં છે. તે પ્રધાનમંત્રીને કોવિડ-19 સાથે જોડાયેલા પડકારો અને ઈલાજ સાથે જોડાયેલા અપડેટ્સ આપે છે.

પ્રાઈવેટ સેક્ટરને સંભાળે છે આ બે અધિકારીઓઃ NGOs અને પ્રાઈવેટ સેક્ટરને કોઑર્ડિનેટ કરવા માટે એક ખાસ ટીમ બની છે. જેના ચીફ નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત છે. PMOમાં જોઈન્ટ સેક્રેટરી ગોપાલ બાગલે પણ આ મામલે કાંતને કો ઑર્ડિનેટ કરે છે.

પીએમના મુખ્ય સચિવની મદદ કરે છે આ બે અધિકારીઓઃ પીકે મિશ્રાની મદદ માટે બે સીનિયર અધિકારી છે. 1988 બેચ, હરિયાણા કેડરના IAS અધિકારી તરુણ બજાજ અને IAS એ કે શર્મા તેમને કો ઓર્ડિનેશનમાં મદદ કરે છે. બંને અધિકારીઓ એક્સપર્ટ્સ સાથે નોટ્સ એક્સચેન્જ કરે છે. બજાજને હાલમાં જ PMOથી હટાવીને ડિપાર્ટમેન્ટ ઑફ ઈકનૉમિક અફેયર્સમાં સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે શર્માને માઈક્રો, સ્મૉલ એન્ડ મીડિયમ એન્ટરપ્રઆઝિઝમાં સચિવ બનાવવામાં આવ્યા છે.

કોરોના ન ફેલાય તે માટે આ અધિકારીને આપવામાં આવી જવાબદારીઃ સી. કે. મિશ્રા, 1983 બેચના IAS અધિકારી છે અને હાલ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં સચિવ છે. તેઓ બીમારીની જાણકારી મેળવવી ટેસ્ટિંગ, હૉસ્પિટલને તૈયાર કરવાની અને ક્વોરન્ટાઈનની પ્રક્રિયાને જોઈ રહ્યા છે. તેમની ટીમની જવાબદારી ભારતમાં કોરોનાવાઈરસને ફેલાતો રોકવાની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page