Only Gujarat

FEATURED Sports

વર્ષો પહેલાં આ કારણે પાક. ક્રિકેટરે ભારતીય ચાહકની ચાલુ મેચે કરી નાખી હતી ધોલાઈ, કારણ હવે સામે આવ્યું

કરાચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1997માં રમાયેલા સહારા કપની બીજી મેચમાં ઈન્ઝમામે ભીડમાં ઘુસી એક ભારતીય ફેનની ધોલાઈ કરી હતી. એવું કહેવામાં આવે છે કે, ફેન દ્વારા ઈન્ઝમામને ‘આલૂ’ કહીને ચીડવવા પર તેણે ફેનની ધોલાઈ કરી હતી. જોકે મેચના 23 વર્ષ બાદ હવે પાકિસ્તાનના જ પૂર્વ ક્રિકેટર વકાર યુનુસે આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. આ ઘટનાને કારણે ઈન્ઝમામ પર પ્રતિબંધ પણ લાગ્યો, જોકે હવે વાસ્તવિક કારણ સામે આવ્યું કે આખરે તે આટલો બધો રોષે શા માટે ભરાયો હતો.

સપ્ટેમ્બર 1997માં ભારત-પાકિસ્તાન વચ્ચે સહારા કપ સીરિઝ હેઠળ 5 વન-ડે રમાઈ હતી. કેનેડામાં રમાયેલી આ સીરિઝની બીજી મેચમાં આ ઘટના બની હતી. આ મેચ ભારતે 7 વિકેટથી જીતી હતી. તે સીરિઝમાં સચિન તેંડુલકર ભારતીય ટીમનો અને રમીઝ રાઝા પાકિસ્તાની ટીમનો કેપ્ટન હતો. ત્યારે પાકિસ્તાની ખેલાડીએ અચાનક બેટ પકડી એક ભારતીય ચાહકની ધોલાઈ કરી હતી.

વકાર યુનુસે એક પૉડકાસ્ટ શો પર કહ્યું કે,‘લોકો ઈન્ઝમામને આલૂ કહીને ચીડવતા હતા, પરંતુ ભીડમાં એક વ્યક્તિ એવો હતો જે અઝહરની પત્ની અંગે અશ્લીલ ટિપ્પણી કરી રહ્યો હતો. ઈન્ઝી તો ઈન્ઝી જ રહ્યો. આ તેને ના ગમ્યું. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે મેદાન પર શાનદાર મિત્રતા જોવા મળતી હતી. તમામ એકબીજાને માન આપતા હતા.’વકારે કહ્યું કે- ફેનને મારવા પાછળનું કારણ ક્રિકેટરની પત્નીને ગાળો આપવાનું હતું, ના કે તેને ‘આલૂ’ કહી ચીડવતા હોવાનું.

ઈન્ઝમામે પોતાની ફિલ્ડ પોઝિશન બદલાવીઃ વકારે કહ્યું,‘ફેન દ્વારા અઝહરની પત્ની અંગે ગાળો બોલવામાં આવતી હતી ત્યારે ઈન્ઝમામે કેપ્ટનને કહી પોતાની ફિલ્ડ પોઝિશન બદલાવી અને 12માં ખેલાડી પાસે બેટ મંગાવ્યું હતું. આ મામલે વધુ ખબર નથી પરંતુ, ઈન્ઝમામ તે વ્યક્તિની ધોલાઈ માટે ધસી ગયો અને ભીડમાં તેને મેદાનમાં લઈ આવ્યો હતો.’

2 વન-ડેનો પ્રતિબંધ લાગ્યો હતોઃ વકારે કહ્યું,‘તે ઘટના માટે ઈન્ઝમામને સજા મળી હતી. તેણે માફી માગી અને કોર્ટ પણ ગયો હતો. અઝહરે ફેન સાથે વાત કરી અને કોર્ટ બહાર સમાધાન કરી લીધું, આ બધુ ખોટું હતુ. પરંતુ મારો હેતુ એ જણાવવાનો છે કે બંને ટીમોના ખેલાડી એક બીજા માટે હંમેશા સાથે ઊભા રહેતા હતા.’ આ ઘટનાને કારણે ઈન્ઝમામ પર 2 વન-ડેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

You cannot copy content of this page